ગણેશ મહોત્સવમાં 9 ફુટથી ઉંચી દુંદાળાદેવની મૂર્તિ નહીં રાખી શકાય, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ | Can’t keep idol of Dundaldev above 9 feet in Ganesha festival, ban on making and selling of POP idols

Spread the love

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સાર્વજનીક પંડાલોમાં ગણેશજીની મૂર્તિ કેટલી ઉંચાઇની સ્થાપી શકાય તે અંગે જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા પ્રસિઘ્ધ કરાયેલા જાહેરનામામાં ગણેશ મહોત્સવમાં વધુમાં વધુ નવ ફુટની ઉંચાઇની મૂર્તિ સ્થાપી શકાશે જયારે પીઓપીની મૂર્તિ બનાવવા કે વહેંચવા સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા આજે ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરી માર્ગદર્શન આપી સારી રીતે લોકો મહોત્સવ ઉજવણી કરી શકે તે માટે આયોજન કરવા સૂચન કર્યું હતું. આયોજકો સાથે બેઠક યોજ્યા બાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ ગણેશ મહોત્સવને લઈ જાહેરનામુ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં સાર્વજનીક ગણેશ મહોત્સવના પંડાલમાં દુંદાળા દેવની 9 ફુટથી ઉંચી મૂર્તિ રાખી શકાશે નહીં. તદઉપરાંત પીઓપી મૂર્તિ બનાવવા તેમજ વેચાણ ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી જે અંગે પણ જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ

જાહેરનામાનો અમલ તારીખ 4 ઓગસ્ટ થી 29 સપ્ટેમ્બર 2023 સુધી
આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ગણેશ મહોત્સવને લઈને અલગ અલગ 9 જેટલા મુદ્દાઓ આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે જાહેરનામાનો અમલ તારીખ 4 ઓગસ્ટ થી 29 સપ્ટેમ્બર 2023 સુધી લાગુ રહેશે જે લોકો નહીં કરે તેની સામે પોલીસ દ્વારા આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જાહેરનામામાં દર્શાવેલ મુખ્ય મુદ્દાઓ

  • ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ.
  • ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની “9” ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ.
  • નકી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલ મંજુરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઈ દરિયા, નદી,તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ.
  • મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યાએ વેચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા ઉપર. તેમજ મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ.
  • મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેંચાણમાં લીધેલ અથવા ખંડીત થયેલ મૂર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ.
  • કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેચવા ઉપર તેમજ સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ.
  • સ્થાપના વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના વિસર્જન સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ.
  • CCTV લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ.
  • ફાયર એક્સટીંગ્યુસર (અગ્નિક્ષામક) લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ.

ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં મોટા 10 થી 15 જેટલા આયોજનો સહિત સોસાયટી અને ઓફિસોમાં મળી નાના મોટા કુલ 1500 થી વધુ ગણેશ મહોત્સવના આયોજન થાય છે. હાલ ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કારીગરોએ પણ અવનવી બાપાની ડિઝાઇન સાથે મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આયોજકો પણ બુકીંગ સાથે આયોજનની તૈયારીમાં જોડાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *