રાજકોટ3 કલાક પહેલા
- કૉપી લિંક
મૂળ મધ્યપ્રદેશના અને હાલ કોઠારીયા પર આવેલ શીતળાધારમાં આવેલ ગોકુલ-મથુરા સાઇટ પર મજૂરીકામ કરતા બબલુભાઇ પરમારની ત્રણ વર્ષની પુત્રી જયશ્રી આજે બપોરે 11:30 વાગ્યાની આસપાસ સાઇટ પર રમતી હતી ત્યારે અચાનક તેનો પગ લપસતા તે નીચે આવેલ ખુલ્લા પાણીના ટાંકામાં પટકાઇ હતી. જેમાં બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવારમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયુ હતું. આ બનાવ અંગે જાણ થતા આજી ડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. મૃતક બાળકી બે ભાઇ-બહેનમાં મોટી હતી અને તેના પિતા કડીયાકામ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપ્યા
રાજકોટ બી. ડિવિઝન પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે માર્કેટિંગ યાર્ડના ગેટ પાસેથી પાંચ ચોરાઉ મોબાઈલ સાથે સલીમશા મામદશા ફકીર (ઉ.વ.45), પૂજાબેન મોહન સોલંકી (ઉ.વ.31), કાજલબેન મંગલ સોલંકી અને સુનીબેન કિશન સોલંકી (ઉ.વ.28)ને ઝડપી પાડી ચોરાઉ મોબાઈલ અને રીક્ષા મળી રૂ.57 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડેલ ત્રણ મહિલા સહિત ચાર શખ્સો શહેરમાં ભરાતી રવિવારી અને ગુરુવાર બજારમાં રીક્ષામાં સવાર થઈ જતાં અને ત્યાં ભીડભાડનો લાભ લઇ લોકોની નજર ચૂકવી મોબાઈલ, સોનાના ચેઇન, પાકીટની ચિલઝડપ કરી ગેંગ રીક્ષામાં નાસી છૂટતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગેંગ વાંકાનેર, મોરબી ગોંડલમાં પણ ચીલઝડપને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સીટીબસ ડ્રાઈવર સાથે ઝઘડો થતા યુવાન ઈજાગ્રસ્ત
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં દીપકભાઈ પ્રતાપભાઈ કાથડ (ઉ.વ.23)એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે મુસ્તુફા શાહબુદ્દીન કુરેશી અને રમજાન હાસમ હાલાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં તેઓએ જણાવ્યું કે, તેઓ રીક્ષા ચલાવે છે અને ગઈકાલે સાંજના 5.30 વાગ્યાની આસપાસ ઓટો રીક્ષામાં પેસેન્જર ભરી ભીમનગરથી નાનામવા સર્કલ જતા હતા ત્યારે શાસ્ત્રીનગરના ગેટથી આગળ રોડ ઉપર એક સીટીબસ રોડની સાઈડમાં ઉભેલ હતી. તે વખતે તેઓ રીક્ષા સીટીબસની આગળ કરી સાઈડમાં લેવા જતા હતાં ત્યારે સીટીબસના ડ્રાઇવરે બસ ચલાવતા રીક્ષાની પાછળ અડી જતાં તેમનો સીટીબસનો ચાલક સાથે ઝઘડો થયેલ બાદમાં સીટીબસના ડ્રાઈવરે ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતાં. બાદમાં બસમાંથી કંડકટર પણ નીચે ઊતરી તેઓને શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ધક્કો મારતાં કાર પર પટકાતાં હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં ત્યાંથી તેઓના સંબંધી ત્યાંથી નીકળતા તેઓએ વચ્ચે પડી તેમને છોડાવી 100 નંબર ઉપર પોલીસને જાણ કરતા પોલીસની ગાડી આવી જતા તેમને અને સીટી બસના ડ્રાઇવર તથા ક્લીનરને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલ જયાં બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી બંને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી એસસી એસટી સેલના એસીપી વી.જે.પટેલે વધું તપાસ હાથ ધરી હતી.
ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટની નજીક આવેલ જાળીયામાં રહેતાં મુકેશભાઈ ખીમજીભાઈ ચાવડા (ઉ.વ.35) આજે સવારે ખેડૂત જેન્તી પટેલની વાડીએ હતાં ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. મુકેશભાઈ ખેત મજૂરી કરે છે. તેઓને નીંદર ન આવવાની બીમારીથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. તેઓ બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
.