- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Said Drug Addicts Are More Ruthless At Night Than During The Day, Drive At Night Not During The Day; Will Present To HM And CM In This Regard And Draw Their Attention
સુરત9 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી
સુરતમાં અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. નશાખોરોને જાણે કાયદાનું ભાન જ ના હોય એવી રીતે બેફામ વાહન હંકારી લોકોને અડફેટે લેતા હોય છે. જેમાં કોઈ નિર્દોષને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે ગતરાત્રિએ સુરતના કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે BRTS રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. જે બાબતે આજે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સાથે વાત કરતા તેમણે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. કહ્યું કે, પોલીસ દિવસે ડ્રાઈવ કરી સામાન્ય અને ગરીબ લોકો પાસેથી લાયસન્સ, હેલ્મેટ કે નંબરપ્લેટ આવી બધી વાતો કરીને દંડે છે જ્યારે નશાખોરો રાત્રિના સમયે અકસ્માતો કરે છે. જેથી પોલીસ રાત્રિના સમયે આવા બેફામ ડ્રાઈવ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે અને આવી ઘટનાઓ બાબતે HM અને CMને રજૂઆત કરશે એવું જણાવ્યું હતું.
દિવસના આવી ઘટનાઓ બનવાની કોઈ શક્યતાઓ નથી: ધારાસભ્ય
સુરતમાં વારંવાર થતા અકસ્માતની ઘટનાને પગલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, ગઈરાત્રે થયેલા અકસ્માતમાં પોલીસની કાર્યવાહી થઈ ચુકી છે. FIR થઈ છે અટકાયત થઈ છે, પરંતુ આવી ઘટનાઓ બને એ ખુબ જ ગંભીર બાબત છે. અમદાવાદની જે ઘટના બની ત્યાર પછી પોલીસે કાર્યવાહી ખુબ જ સઘન બનાવી છે. આખા ગુજરાતમાં એની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે પોલીસ મોટાભાગની કાર્યવાહી દિવસના કરે છે. દિવસ દરમિયાન ડ્રાઈવ ચાલી રહ્યું છે. 20-25 પોલીસ જવાનો રોડ ઉપર ઉભા રહી લોકોને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ વસુલે છે. તો આ તમામ ઘટનાઓ મોડીરાત્રે બને છે. દિવસના આવી ઘટનાઓ બનવાની કોઈ શક્યતાઓ નથી. કારણ કે દિવસના તો ટ્રાફિક હોય છે.
‘કાર્યવાહી મોડીરાત્રે થવી જોઈએ’
વધુમાં જણાવતા કહ્યું કે, દિવસ દરમિયાન નશો કરીને ગાડી ચલાવનાર કોઈ નિકળતા પણ નથી. તો આવી કાર્યવાહીથી તો સામાન્ય અને ગરીબ લોકો ભોગ બને છે. લાયસન્સ, હેલ્મેટ કે નંબરપ્લેટ આવી બધી વાતો કરીને લોકોને દંડવામાં આવે છે. એટલે આવા દિશાહીન યુવાનો નશા કરી રાત્રિના બેફામ ગાડીઓ લઈને નીકળે છે. આ લોકોના મોડીરાત્રે આ બધા કાર્યક્રમો ચાલતા હોય છે. તો હું ચોક્કસપણે માનું છું કે, કાર્યવાહી મોડીરાત્રે થવી જોઈએ. સુરતમાં તો સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે, કંન્ટ્રોલરૂમ છે, લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ઈ મેમો ઘરે આવે છે. તો આ રાત્રિના સમયે જે પણ લોકો નશાખોરી કરીને બેફામ ગાડી વાહનો લઈને નીકળે છે એમના પર પણ સીસીટીવીની નજર હોવી જોઈએ.
‘હવે માં-બાપને પણ જાગૃત થવું પડશે’
વધુમાં જણાવતા કહ્યું કે, સાથે સાથે ફક્તને ફક્ત વહીવટીતંત્ર ઉપર આધાર રાખવાની જગ્યાએ હવે માં-બાપને પણ જાગૃત થવું પડશે. આપણા દીકરા-દીકરીઓ ક્યાં જાય છે, રાત્રે કેટલા વાગે જાય છે, કેટલા વાગે ઘરે આવે છે, કઈ જગ્યાએ જાય છે, શું કરવા જાય છે, આપણું વાહન ઘરેથી લઈને નીકળે છે તો ક્યાં જાય છે. આ બધું માં-બાપે પણ જોવું પડશે. કારણ કે આ એક સામાજીક દુષણ ઊભું થયું છે, યુવાનોનું કલ્ચર બદલાયું છે, યુવાનો ખોટા રવાડે ચડી રહ્યાં છે, તો એમને પણ રોકવા પડશે. તો ફક્ત કાયદો કે વહીવટી વિભાગ નહીં પણ, સામાજીક દૃષ્ટીએ માં-બાપને પણ આમાં ધ્યાન રાખીને સહિયારા પ્રયાસથી આ બધુ આપણે રોકી શકીશું એવું મને લાગે છે.
‘કાયદાઓમાં પણ હવે સુધારો કરવો પડશે’
અમુક કેસમાં લોકો કાયદાનો લાભ લઈને સીધા પોલીસ સ્ટેશનમાંથી જ જામીન દ્વારા છુટી જાય છે એ બાબતે જણાવતા કહ્યું કે, પોલીસ એના નીતિનિયમો મુજબ અને કાયદા અનુંસાર કાર્યવાહી કરતી હોય છે. કાયદાઓમાં પણ હવે સુધારો કરવો પડશે. એના બદલે કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા થાય એવા પ્રયાસો આપણે પણ કરવા પડશે.
‘આવી ઘટનાઓ રોકવાની આપણી સૌની જવાબદારી’
ઘટના થયા બાદ બધા જાગૃત થાય છે એ બાબતે પુછતા તેમણે જણાવ્યું હતું કે, હવે સરકાર કે વહીવટીતંત્રએ આવા લોકો સામે કડક કાર્યવાહી થાય એના પ્રયાસો કરવા પડે. કારણ કે, જે કંઈ ઘટનાઓ બને છે એને રોકવા માટેની વહીવટીતંત્ર, સરકાર, સામાજીક દૃષ્ટીએ આપણે સૌ નાગરિકો કે માં-બાપ સૌની ફરજ બને છે કે આમાંથી હવે કેવી રીતે ઘટનાઓ ઓછી કરી શકાય, કેવીરીતે ઘટનાઓ બંધ કરી શકાય એના પ્રયાસો સામેથી જ આપણે કરવા પડશે. વધુમાં તેમણે HM અને CMને આ બાબતે રજૂઆત કરી ધ્યાન દોરવા જણાવ્યું હતું.
.