અમદાવાદ32 મિનિટ પહેલાલેખક: મિહિર ભટ્ટ
- કૉપી લિંક
- ગુજરાત પોલીસે દિલ્હીથી પકડેલા એજન્ટની પૂછપરછમાં ઘટસ્ફોટ
- ઍરલાઇન્સ કંપનીના સંડોવાયેલા કર્મીઓ સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે
- કયા ઍરપોર્ટ પર કયા સમયે ઇમિગ્રેશનના કયા અધિકારી છે તેની માહિતી આપતા
કબૂતરબાજીની ગુજરાત પોલીસની તપાસ હવે માત્ર ગુજરાત કે દેશ પૂરતી નથી રહી. આ તપાસમાં આંતરાષ્ટ્રીય સ્તર પર લોકોની સંડોવણીના અનેક પુરાવા ગુજરાત પોલીસે એકઠા કર્યા છે. કબૂતરબાજીના કૌભાંડમાં દિલ્હીથી પકડાયેલા ગુરમિત ઉર્ફ ગુરપ્રિતસિંઘે કબૂલાત કરી છે કે આ કૌભાંડમાં કેટલીક વિદેશી ઍરલાઇન્સ કંપનીના કર્મચારીઓની પણ સંડોવણી છે. પોલીસે આરોપીના આ નિવેદનને ડિપોર્ટ કરાયેલા પેસેન્જરના નિવેદન અને પૂછપરછથી ક્રોસ વેરિફાઈ કરતાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ તપાસમાં આંતરાષ્ટ્રીય સ્તર પર લોકોની સંડોવણીના અનેક પુરાવા
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચાલી રહેલી તપાસમાં હવે વિદેશી એરલાઈન્સ કંપનીના કર્મચારીઓને પણ સમન્સ આપી પૂછપરછ માટે બોલાવાશે અને યોગ્ય પુરાવા બાદ કાર્યવાહી કરવામાં આવશે. ભરત પટેલ ઉર્ફ બોબીની ધરપકડ બાદ સેલે આ રેકેટમાં સંડોવાયેલા એજન્ટ્સની તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં બે મહિનામાં બોબી પછી 4 મોટા એજન્ટ હિતેષ ઉર્ફ લાલો, પ્રવીણ ઉર્ફ પલો પટેલ, કલ્પેશ મહેન્દ્રભાઈ પટેલ અને દિલ્હીથી ગુરમિતસિંઘને પકડી પાડ્યા હતા.
ભારતમાં કબૂતરબાજીના ત્રણ મોટા બેલ્ટ કામ કરી રહ્યા
ગુરપ્રિતસિંઘે કબૂલાત કરી હતી કે ભારતમાં કબૂતરબાજીના ત્રણ મોટા બેલ્ટ કામ કરી રહ્યા છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીના છે. ગુજરાતમાં મોટા ભાગે ગેરકાયદે વિદેશ જતા ગુજરાતીઓ જ હોય છે. જ્યારે દિલ્હીમાં ગેરકાયદે વિદેશ જતા લોકોમાં મોટા ભાગે પંજાબ, હરિયાણા અને ત્યાર બાદ ઉત્તર ભારતના લોકો આવે છે. જ્યારે મહારાષ્ટ્રના મુંબઈથી ઉપરાંત દક્ષિણ ભારતના ગેરકાયદે વિદેશ જતા લોકો હોય છે. આ તમામના એજન્ટની એક રિંગ છે. જેમની ટિકિટ્સના કામ મોટા ભાગે ગુરમિતસિંઘ કરતો હતો. એજન્ટ ગુરમિતસિંઘને ટિકિટનું કામ આપવા ઉપરાંત કયા એરપોર્ટ પર ક્યારે કયા ઈમિગ્રેશન ઓફિસર હશે? કયા એરપોર્ટ પર ઉતરવું વધારે સુરક્ષિત અને એરપોર્ટ પર ફરતા વિજિલન્સ સ્ટાફથી ગેરકાયદે જતા મુસાફરોને બચાવાની મદદ લેવામાં આવતી. આ તમામ મદદ ગુરમિતસિંઘ વિદેશી એરલાઈન્સમાં કામ કરતા તેના સાગરીતો પાસેથી મેળવીને પેસેન્જરને જે તે દેશના એરપોર્ટ સુધી સુરક્ષિત પહોંચાડવાનું કામ કરતો હતો.
ગુરમિતસિંઘ દિલ્હી ઍરપોર્ટ પર કામ કરી ચૂક્યો છે
સૂત્રોનું કહેવું છે કે ગુરમિતસિંઘ અગાઉ 1996થી 2004 દરમિયાન દિલ્હી એરપોર્ટ પર નોકરી કરતો હતો. ત્યાર બાદ તેણે પોતાની ટ્રાવેલ્સ એજન્સી શરૂ કરી હતી અને એરટિકિટનું કામ શરૂ કર્યુ હતું. તે કબૂતરબાજી કૌભાંડના એજન્ટ અમનદીપ અમરજીત ઉર્ફ અમન કેનેડિયન સાથે મળીને કામ કરતો હતો.
‘ગુમ વ્યક્તિનું નામ આપો, દુનિયામાંથી શોધી આપીશ’ : ગુરમિતસિંઘનો દાવો
ગુરમિતસિંઘે દાવો કર્યો છે કે તે કબૂતરબાજીના કૌભાંડમાં દરેક નેટવર્ક સાથે જોડાયેલો છે. સાથે જ ગુજરાતમાંથી કબૂતરબાજીમાં વિદેશ જઈને કોઈ વ્યક્તિ ગુમ થઈ હોય તો તેનું માત્ર આખું નામ આપો, એ વ્યક્તિ અત્યારે કયા દેશમાં છે તે શોધી આપીશ. પોલીસને વિદેશમાં કબૂતરબાજી કરીને ગયેલા લોકો કેવી રીતે વિદેશમાં સેટલ થાય છે તેની વિગતો મળી છે.
મેક્સિકોની બોર્ડર પર ‘ગેરી’ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ
ગુરમિતસિંઘ મેક્સિકો વિઝા ઓન એરાઇવલ હોય તેવા જાપાન અને તૂર્કી સહિતના દેશોમાં પેસેન્જરોના વિઝા લેતો. ત્યાં પહોંચ્યા પછી મુસાફરને મેક્સિકો પહોંચાડતો અને આગળનું કામ ‘ગેરી’ નામનો ભારતીય સંભાળતો.
.