ગોધરા30 મિનિટ પહેલાલેખક: મનોજ કે. કારીઆ
- કૉપી લિંક
એસ.કે.લાંગા તો ભ્રષ્ટાચારના આરોપમાં જેલભેગા થઈ ગયા પરંતુ હવે બીજા એવા જ એક અધિકારીનું નામ ચર્ચામાં આવ્યું છે, જેમણે કરોડો રૂપિયાની મિલકત ભ્રષ્ટાચારના રૂપિયાથી વસાવી હોવાનો આરોપ છે. ઘણીવાર સમાચાર આવે છે કે લાંચ લેતા કોઈ અધિકારીને ACB, એટલે કે લાંચરુશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડ્યા, પરંતુ ભ્રષ્ટાચારના આરોપનો એવો કેસ સામે આવ્યો છે, જેમાં ACB જ શંકાના દાયરામાં છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં આવેલા પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા જેવા જ આ અધિકારીનો કેસ છે અને ચોંકાવનારી વાત એ પણ છે કે આ કેસમાં લાંગાની પણ સંડોવણી હોવાનું ખૂલ્યું છે.
નાયબ કાર્યપાલક તરીકે નિવૃત્ત થનારા એક અધિકારીની માત્ર એક શહેરમાં જ બે-ચાર નહીં, પરંતુ 400થી વધુ મિલકત હોવાની એક અરજી સીધી જ કોર્ટમાં થઈ હતી, પરંતુ આ અરજી બાદ નાટકીય રીતે એક બાદ એક એવાં ચેપ્ટર ખૂલતાં ગયાં કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત લડતો શખસ પણ થાકી ગયો. gnews24x7ના એક્સક્લૂસિવ રિપોર્ટમાં વાંચો કેવી રીતે ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા વર્ગ-2ના અધિકારી ચુનીલાલ ધારાસિયાણીનો પરિવાર અને ભાગીદારો 3 હજાર કરોડ રૂપિયાની મિલકતના આસામી બના ગયા? અને આવા અધિકારી તેમજ તેમના મળતિયાઓને આંચ પણ ન આવે એ માટે ACBના અધિકારીઓ પ્રયાસરત હોવાનો કેવી રીતે આરોપ લાગ્યો?
ભ્રષ્ટાચારનું આ પ્રકરણ ખૂલવાની શરૂઆત આજથી અઢી વર્ષ પહેલાં થઈ હતી. જ્યારે વર્ષ 2021ની શરૂઆતમાં જ વિરલગિરિ જયંતીગિરિ ગોસ્વામી નામની વ્યક્તિએ સ્પેશિયલ એસીબી કોર્ટ એટલે કે પંચમહાલ એડિશનલ સેશન્સ જજ સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર ચુનીલાલ ધારાસિયાણી તેમજ તેમનાં પત્ની ધનવંતીબેન, વંદનાબેન ચુનીલાલ ધારાસિયાણી ઉપરાંત કમલેશકુમાર ધનજીભાઇ મંગલાણી તથા તેમનાં પત્ની શિલાબેન ધનજીભાઇ મંગલાણી સામે કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા.
નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર ચુનીલાલ ધારાસિયાણી પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર વિરલગિરિ ગોસ્વામી.
ગોધરામાં જ 400 મિલકતની માલિકીનો આરોપ
કોર્ટમાં થયેલી અરજીમાં વિરલગિરિ ગોસ્વામીએ લખ્યું હતું, ‘ગોધરાના વતની અને નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર ચુનીલાલ ધારાસિયાણીએ પોતાની નોકરી દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને અપ્રમાણસરની મિલકતો વસાવી હોવાની ગુપ્ત માહિતી મને મળી હતી. આ માહિતીની ઝીણવટપૂર્વક વધુ તપાસ કરતાં ફક્ત ગોધરામાં જ ચુનીલાલની અંદાજિત 400 જેટલી મિલકતો હોવાની જાણકારી મળી હતી, જેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા કરતાં પણ વધારે થાય છે. આ મિલકતોની લે-વેચનો સમયગાળો વર્ષ 2008થી 2013 વચ્ચેનો છે (આ મિલકતોની હાલની જંત્રી અને બજાર કિંમત નક્કી કરવામાં આવે તો અંદાજિત 3 હજાર કરોડ રૂપિયાથી પણ વધુની થાય છે).
આટલા રૂપિયા આવ્યા ક્યાંથી?
તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરે કેવી રીતે આટલા રૂપિયાની મિલકત ખરીદી લીધી? એ અંગે ફરિયાદી વિરલગિરિ ગોસ્વામી કહે છે, ‘ચુનીલાલ ધારાસિયાણીએ તેમની અંતર્ગત આવતા રોડ, અન્ડરબ્રિજ, બાયપાસ બનાવવા, મકાન તથા કચેરીના બાંધકામ જેવા કોન્ટ્રેક્ટનાં કામોમાં કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી. તેમણે પોતાના સહકર્મીઓ સાથે મળીને આવી કામગીરીનો લાભ આપીને બદલામાં ભ્રષ્ટાચારની આવકથી અપ્રમાણસર મિલકતો વસાવી છે, જેના કારણે સરકારને આર્થિક નુકસાન પણ પહોંચ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવે તો અંદાજિત 2 હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમનું કૌભાંડ કર્યું હોવાનું ફલિત થાય છે.’
ભ્રષ્ટાચારના રૂપિયાનું ક્યાં-ક્યાં રોકાણ કર્યું?
વિરલગિરિ ગોસ્વામીએ એવો પણ આરોપ લગાવ્યો કે ‘ચુનીલાલ ધારાસિયાણીએ ભ્રષ્ટાચારના રૂપિયાનું રહેણાક મકાન, પ્લોટ, ખેતીલાયક તેમજ બિન ખેતીલાયક જમીનો, કોમર્શિયલ બાંધકામો, દુકાનો જેવી મિલકતોમાં રોકાણ કર્યું છે. આ અંગે સરકારમાં પ્રોપર્ટી ડિક્લેરેશન પણ કર્યું નથી. એટલું જ નહીં, ચુનીલાલ ધારાસિયાણી ખેડૂત નહીં હોવા છતાં કેવી રીતે ખેડૂત બની ખેતીલાયક જમીન ખરીદી છે એ અંગેની પણ તપાસ કરવી જોઇએ. તેમને ખેડૂત ખાતેદાર થવા અંગે મદદ કરનારા અધિકારી તથા ખાનગી લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.’
નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર ચુનીલાલ ધારાસિયાણી.
કોર્ટમાં જ્યારે પૂર્વ અધિકારી ચુનીલાલ ધારાસિયાણી વિરુદ્ધ અરજી થઈ ત્યારે ફરિયાદીએ 319 મિલકતોની યાદી આપી હતી. આટલું જ નહીં, આ તમામ મિલકતનું ખરીદ-વેચાણ થયું એ અંગેની નોંધ સિટી સરવે રેકોર્ડ તથા સબ રજિસ્ટ્રાર રેકોર્ડ પર ઉપલબ્ધ ન હોવાથી ઇન્ડેક્સ નકલ કોર્ટ સમક્ષ રજૂ કરી હોવાનું જણાવ્યું છે. ફરિયાદીએ કોર્ટ સમક્ષ માગ કરી હતી કે કરોડો રૂપિયાની મિલકત ભ્રષ્ટાચારનાં નાણાંથી લેવામાં આવી હોવાનું પ્રથમ દૃષ્ટિએ સાબિત થાય છે, જેથી પૂર્વ અધિકારી ચીનુભાઇ ધારાસિયાણી તેમજ તેમના પરિવાર, કુટુંબીજનો, મિત્રો અને મળતિયાઓ તથા પૂર્વ સહકર્મીઓ દ્વારા કેટલી મિલકતો ખરીદવામાં આવી એની વધુ તપાસ થવી જોઇએ.
કોર્ટે આદેશ આપ્યા અને પોલીસે રિપોર્ટ સોંપ્યો તો આખું ચિત્ર જ ફરી ગયું
આ તમામ માહિતી જ્યારે કોર્ટ સમક્ષ પહોંચી ત્યારે ગોધરા એસીબી કોર્ટના સ્પેશિયલ જજ તથા ચોથા એડિશનલ સેશન્સ જજ બી.એસ. શાહે અરજદારને સાંભળ્યા, અરજી સાથેના દસ્તાવેજી પુરાવા, વેરિફિકેશન, લેખિત રજૂઆત તથા સોગંદનામું વગેરે ધ્યાનમાં લીધાં પછી હુકમ કર્યો કે અરજદારે જે આક્ષેપ કર્યા છે એના સમર્થનમાં દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કર્યા છે. અરજદારે એસીબી પોલીસ સ્ટેશન કે એસીબી કચેરીમાં સીધી અરજી કર્યાનું જણાતું નથી, પરંતુ અરજીમાં જણાવેલી હકીકતો બાબતે કોઇપણ નિર્ણય પર આવતાં પહેલાં પૂરતી પોલીસ-તપાસ થાય એ જરૂરી છે, જેથી અરજીની ઇન્કવાયરી રજિસ્ટરે નોંધવાનો તેમજ અરજી મારફત જે આરોપ લાગ્યા છે એની CrPCની કલમ 202 હેઠળ ગોધરા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ તપાસ કરીને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરશે.
કોર્ટે તપાસનો આદેશ આપ્યો એટલે અરજદાર વિરલગિરિ ગોસ્વામીને લાગ્યું કે હવે તો તેમનો કેસ મજબૂત થતો જઈ રહ્યો છે. કાયદાનો સકંજો ચુનીલાલ ધારાસિયાણી પર કસાવાનો જ છે, પરંતુ જ્યારે તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ આવ્યો તો આખું ચિત્ર જ ફરી ગયું.
પોલીસની આ દલીલ માન્ય રહી અને કેસ અટકી ગયો
કોર્ટના હુકમ બાદ એસીબીના પીઆઈ જે.એમ.ડામોરે તપાસ કરીને 17 જૂન 2021ના રોજ તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ચુનીલાલ ધારાસિયાણી સામે 4 જૂન 2013થી એસીબીમાં અપ્રમાણસર મિલકતોની તપાસ ચાલી હતી. આ તપાસ દરમિયાન 1 એપ્રિલ 2006થી 31 માર્ચ 2015ના સમયગાળામાં અપ્રમાણસર મિલકતો જણાઇ આવતાં ચુનીલાલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનમાં 16 એપ્રિલ 2021ના રોજ ગુનો દાખલ કરેલો છે. (વિરલગિરિએ અરજી કરી તેના બે મહિના બાદ).
ગોધરાના એસીબી પોલીસ સ્ટેશનની તપાસ રિપોર્ટને ધ્યાનમાં લઇને ગોધરાના સ્પેશિયલ જજ એસીબી અને ચોથા એડિશનલ સેશન્સ જજ બી.એસ.શાહે વિરલગિરિએ કરેલી અરજીમાં વધુ કોઈ તપાસનો કરવાની ન થતી હોવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આ ચુકાદાથી વિરલગિરિ ગોસ્વામીને મોટો ઝટકો લાગ્યો હતો, એટલે આ ચુકાદા બાદ કેસને નવી દિશા મળી અને અરજદારે સીધો જ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
ગોધરાની નીચલી અદાલતમાંથી સંતોષકારક ચુકાદો ન આવતાં ફરિયાદીએ આ કેસને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો તો શું થયું?
સ્પેશિયલ એસીબી કોર્ટ તથા ચોથા એડિશનલ સેશન્સ જજના ચુકાદાને અરજદાર વિરલગિરિ ગોસ્વામીએ હાઇકોર્ટમાં પડકારી સ્પેશિયલ ક્રિમિનલ ઍપ્લિકેશન રજૂ કરી હતી, જેમાં આ વખતે સામા પક્ષે ગુજરાત સરકાર, ગોધરાની એસીબી કોર્ટના રજિસ્ટ્રાર તેમજ ગોધરા એસીબીના પોલીસ-ઇન્સ્પેક્ટરને પણ સામેલ કરી લીધા. આ અરજીમાં ફરિયાદીએ લખ્યું, ‘નીચલી અદાલતે જે પોલીસ ફરિયાદને ધ્યાનમાં લઈને મેં કરેલી અરજી પર તપાસ બંધ કરી દીધી છે એ ફરિયાદ તો મેં અરજી કરી એ બાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ બંધ કરી દેવા માટે ફરિયાદીને કોઇ નોટિસ પણ આપવામાં આવી ન હતી. આ ફરિયાદમાં માર્ગ અને મકાન વિભાગ, જામનગરના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિવૃત્ત થયેલા અધિકારી ચુનીલાલ ધારાસિયાણીએ પોતાના પરિવારના સભ્યો સાથે ગુનાહિત ષડ્યંત્ર રચીને રૂપિયા 600 કરોડની અપ્રમાણસરની મિલકતો વસાવી હોવાની ગોધરાની એસીબીની સ્પેશિયલ કોર્ટમાં 23 ફેબ્રુઆરી 2021ના રોજ ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. કાયદા મુજબ એકવાર પ્રોસેસ ઇસ્યુ કર્યા બાદ ફરિયાદીને સાંભળ્યા વગર, પુરાવા વગર ફરિયાદને બંધ કરવાનો અધિકાર કોર્ટને નથી.’
600 કરોડની મિલકતનો આરોપ અને પોલીસે ફરિયાદમાં ખેલ કર્યો?
વિરલગિરિએ હાઇકોર્ટનું ધ્યાન એ તરફ પણ નોંધ્યું કે આરોપી વિરુદ્ધ અંદાજિત રૂપિયા 600 કરોડની મિલકતો અંગેનો આક્ષેપ અમે કર્યો હતો. અમે આક્ષેપોના સમર્થનમાં દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા, પરંતુ એસીબીએ માત્ર 5.47 કરોડની જ અપ્રમાણસરની મિલકતો અંગેની ફરિયાદ નોંધી હતી.
ફરિયાદી વિરલગિરિ ગોસ્વામીના મતે ચોંકાવનારી વાત એ પણ છે કે જ્યારે તેમણે ફેબ્રુઆરી 2021માં ધારાસિયાણી વિરુદ્ધ ફરિયાદ થઈ એ પહેલાં જ 25 જુલાઈ 2013 રોજ અન્ય વ્યક્તિ દ્વારા ધારાસિયાણી સામે અપ્રમાણસરની મિલકતના આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી. એ ફરિયાદ એસીબીએ બંધ કરી દીધી હતી છતાં પણ નવા આરોપ અને ફરિયાદની સંપૂર્ણપણે ઉપેક્ષા કરીને એસીબીએ આરોપીની તરફેણમાં અપ્રમાણસરની મિલકત દર્શાવતી નબળી ફરિયાદ દાખલ કરી હતી. એટલે જ તેમણે ગોધરાની નીચલી કોર્ટે આગળ તપાસ ન કરવા અંગે આપેલા હુકમને રદબાતલ કરવામાં આવે અને અરજીના આધારે ફરી તપાસ થાય એવી માગ કરી હતી. અરજદારની રજૂઆત બાદ હાઇકોર્ટ તરફથી પ્રતિવાદીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે હાલ આ કેસ હાઇકોર્ટમાં પડતર છે.
પોલીસ પર કેમ ઊઠ્યા સવાલ?
આ કેસમાં એસીબીના પોલીસ અધિકારી જ આરોપી નિવૃત્ત નાયબ ઇજનેર ધારાસિયાણીને બચાવવામાં લાગ્યા હોય એમ લાગી રહ્યું છે, કારણ કે એસીબીના પીઆઈએ કોર્ટમાં જણાવ્યું હતું કે ‘ધારાસિયાણી સામે 4 જૂન 2013 તથા 25 જુલાઈ 2013ના પત્રમાં તપાસ ચાલે છે.’ જ્યારે આ બાબતે 9 વર્ષ બાદ 2021માં ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદી વિરલગિરિની માગ છે કે નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર ચીનુભાઇ ધારાસિયાણીએ ગોધરા, દાહોદ, વડોદરા, મહીસાગર, ખેડા, સુરતમાં નોકરી કરી છે, ત્યાં પણ તપાસ થવી જોઈએ.
જામનગરથી RTI થઈ તો એક નવું જ ચેપ્ટર ખૂલ્યું
હવે આ કેસમાં નવો વળાંક જામનગરમાંથી થયેલી એક આરટીઆઈને કારણે આવ્યો. ચુનીલાલ ધારાસિયાણા જ્યારે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો હતો અને શિક્ષાના ભાગરૂપે તેમની બદલી જામનગર જિલ્લામાં કરવામાં આવી હતી. ત્યાંથી તેઓ 30 એપ્રિલ 2015ના રોજ નિવૃત્ત થયા હતા.
જામનગરના વતની સંજય માધાચાર્યએ ધારાસિયાણીના ભ્રષ્ટાચાર મુદ્દે કરેલી આરટીઆઈના જવાબમાં માહિતી અધિકારી અને મદદનીશ નિયામક સુજાતા મજમુદારે જવાબ આપ્યો હતો કે ‘ચુનીલાલ ધારાસિયાણી વિરુદ્ધ 22 સપ્ટેમ્બર 2008થી જ તપાસ ચાલતી હતી અને આ પ્રકરણ બંધ કર્યું છે,’ એટલે 15 વર્ષથી એસીબી માત્ર તપાસ જ કર્યા કરે છે. આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કેમ સફળ રહી નથી?
વિરલગિરિ કહે છે, ‘આ તપાસ દરમિયાન ચુનીલાલ ધારાસિયાણી તમામ લાભ અને એનઓસી મેળવી નિવૃત્ત્ થયા, એમ છતાંય તપાસ પૂર્ણ થઇ નથી, જેનાથી ચુનીલાલને સીધી મદદ થતી હોય એવું માલૂમ પડ્યું છે. ધારાસિયાણી સામે કાર્યવાહી ન થતાં વર્ષ 2008થી અત્યારસુધી ઘણીબધી મિલકતોની લે-વેચ કરી લીધી છે અને જેનો લાભ ધારાસિયાણીએ લીધો છે. 15 વર્ષ સુધી ધીમી ગતિએ તપાસ કરી અધિકારીઓ પણ આરોપીઓ સાથે સંકળાયેલા છે એ પણ સાબિત થાય છે.’
ચુનીલાલ ધારાસિયાણી સાથે કોની-કોની સંડોવણીનો આરોપ?
અરજદાર વિરલગિરિ ગોસ્વામીએ આરોપીઓ સામે કલમોનો ઉમેરો કરવા તેમજ વધુ ઊંડાણથી તપાસ કરવા માટે CrPCની કલમ 173(8) હેઠળ પંચમહાલના એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં સામાવાળા તરીકે ગોધરા એસીબી પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એમ. ડામોર સહિત ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઇ તેમજ ચુનીલાલ ધારાસિયાણી(મુખ્ય આરોપી), ધનવંતીબેન ચુનીલાલ ધારાસિયાણી (મુખ્ય આરોપીનાં પત્ની), પાર્થ ચુનીલાલ ધારાસિયાણી (મુખ્ય આરોપીનો દીકરો), રોહિત સુંદરલાલ લુહાણા (ભાગીદાર), કવિતાબેન રોહિતભાઇ લુહાણા (ભાગીદારની પત્ની), ધનજીભાઇ મગલાણી (ભાગીદાર) તથા તપાસમાં ખૂલે એ તમામ આરોપીને દર્શાવવામાં આવ્યા છે.
કોર્ટ સમક્ષ તેમણે અપીલ કરી છે કે ‘કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતની ફરિયાદમાં માત્ર ચુનીલાલનું જ નામ આરોપી તરીકે દર્શાવ્યું છે. તેની સાથે ચુનીલાલની પત્ની અને પરિવારના સભ્યો તથા ભાગીદાર ધનજીભાઇ, રોહિત લુહાણાનાં નામ સામેલ નથી. આ લોકોએ ભાગીદારી કરી મિલકતો ખરીદેલી છે તથા લે-વેચ કરેલી હોવાનું રેકોર્ડ પર સ્પષ્ટ છે છતાં આરોપીઓ સામે એસીબીએ કોઇ જ કાર્યવાહી કરી નથી.’
400માંથી 10થી 12 મિકલતની જ તપાસ કેમ?
‘આ આરોપીઓમાં ખાસ કરીને રોહિત લુહાણા, ચુનીલાલ ધારાસિયાણી, ધનજીભાઇ ખેડૂત નથી અને બનાવટી ખેડૂત બની ખેતીલાયક મિલકતો લીધેલી છે. ભ્રષ્ટાચારના કેસમાં આ દૃષ્ટિકોણથી પણ એસીબીના તપાસ અધિકારીએ આજદિન સુધી તપાસ કરી નથી. ખેડૂત ન હોય છતાં મામલતદાર, ઇ-ધારાના અધિકારીઓ તેની તપાસ કર્યા વગર મિલકતો પ્રમાણિત કરેલી છે. તપાસ એજન્સી એસીબીએ ફક્ત 10થી 12 મિલકતની સામે જ કાર્યવાહી કરી છે. બાકીની 400 મિલકત સામે કોઇ જ કાર્યવાહી કરી નથી.’
એસ.કે.લાંગા, નિવૃત્ત કલેક્ટર
હવે અહીંથી એસ.કે. લાંગાનું નામ પણ આ પ્રકરણમાં સામેલ થયું
વિરલગિરિ ગોસ્વામીએ આરોપ લગાવ્યો છે કે ‘લાંગા સામે શીલાબેન ધનરાજ મંગલાણી, રોહિતકુમાર લુહાણા, ધનવંતીબેન ચુનીલાલ ધારાસિયાણી વગેરેને સત્તાનો દુરુપયોગ કરીને બિનખેડૂતમાંથી ખેડૂત બનાવ્યા અંગેની ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદ જોતાં લાગે છે કે આરોપી ચુનીલાલ ધારાસિયાણી અને રોહિત લુહાણા ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ ધરાવે છે. તેમની પાસે ભ્રષ્ટાચાર મારફત સત્તા વિરુદ્ધનાં કામો કરાવે છે. આવી હકીકતો જાહેર થવા છતાંય તપાસ એજન્સી અન્ય આરોપીઓ સામે પુરાવા એકત્રિત કરી કાર્યવાહી કરતી નથી, જેનો લાભ લઇ અપ્રમાણસર મિલકતનું ખરીદ-વેચાણ ચાલુ છે અને એની સામે કાર્યવાહી શૂન્ય છે.’
આ અરજીને ધ્યાનમાં લઇને ગોધરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે સામાવાળાને શો-કોઝ નોટિસ આપીને 22 મેના રોજ સુનાવણી કરી હતી. ત્યારે આ હુકમના પગલે રાજ્યના લાંચરુશ્વત વિરોધી બ્યૂરોના બાડા યુનિટના ઇન્ચાર્જ પોલીસ-ઇન્સ્પેકટર એન.બી.સોલંકીએ પ્રાથમિક તપાસના ભાગરૂપે 28 જુલાઈ 2023ના રોજ ફરિયાદીને બોલાવીને નિવેદન નોંધ્યું હતું. આમ, હવે એસીબીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે, પરંતુ સવાલ એ છે કે દોઢ દાયકા કરતાં પણ વધુ સમય સુધી એક અધિકારી પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને આવક કરતાં વધારે મિલકતનો આરોપ લાગે છે, તેમ છતાં માત્ર તેમની બદલી કરીને સંતોષ માની લેવાય છે. આવું કેમ? અને હવે ફરીથી શરૂ થયેલી તપાસમાં હજુ કેટલો સમય નીકળશે?
.