- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Constable Dies Amid Talk Of Suspension In ISKCON Bridge Accident, Officer Unknown, Constable Becomes Rich While Working, Rides In Fortuner Inova
અમદાવાદ2 કલાક પહેલા
- કૉપી લિંક
gnews24x7 તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે ‘ખબરદાર જમાદાર!’ પ્રસ્તુત કરી રહ્યું છે. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન, તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે, એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની વાતો ચાલતી હતી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોનાં મોત નીપજ્યા હતા. અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું હતું. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે અકસ્માત બાદ પોલીસ અધિકારી અહીં કોની ડ્યૂટી છે એ ચેક કરતા હતા. એ સમયે તે ત્યાં ન મળ્યો, એટલે ગણગણાટ શરૂ થયો કે આ પોલીસકર્મચારીને સસ્પેન્ડ કરી દો, પરંતુ કોઈને ખબર નહોતી કે જેને સસ્પેન્ડ કરવાની વાત ચાલી રહી છે તેની લાશ હોસ્પિટલમાં પડી છે. નોકરી પૂર્ણ થયા બાદ પોલીસકર્મચારી ઘરે ના પહોંચતાં તેમનો પરિવાર તેમને શોધવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે, ત્યારે ખબર પડી કે મૃતકોની અંદર એક લાશ આ પોલીસકર્મચારીની પણ હતી. આ સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારી અને તેના પરિવારની આંખોમાંથી આંસુ પડી ગયાં હતાં.
કોન્સ્ટેબલ નોકરી કરતાં કરતાં બન્યો શ્રીમંત, ફોર્ચ્યુનર, ઇનોવામાં ફરવાનું
એક સામાન્ય કોન્સ્ટેબલ પોતાની નોકરી પૂર્ણ થાય ત્યારે માત્ર પોતાના પરિવારને એક ઘર આપી શકે છે. ત્યારે અમદાવાદમાં એવા પોલીસકર્મચારીઓ પણ છે, જેઓ જાહોજલાલી અને વૈભવી જિંદગી જીવે છે અને એ દરેકને ખબર છે. અમદાવાદના કેમિકલ-માફિયા તરીકે પોલીસકર્મચારી એટલી બધી જાહોજલાલીથી જિંદગી જીવે છે કે તેણે ફરવા માટે ફોર્ચ્યુનર અને ઇનોવા કાર પણ વસાવી લીધી છે. આ પોલીસકર્મચારી રોજ ઓફિસના સમયે ના આવવું પડે એ માટે એવું કહે છે કે સરકારના એક આઈએએસ અધિકારીના કામથી છું. મને ડિસ્ટર્બ કરવો નહીં અને તે અધિકારીનું નામ સાંભળીને પણ કેટલાક લોકો તેનાથી દૂર રહે છે, પણ ખરેખર આ વાસ્તવિકતા હોય એવું લાગતું નથી. બીજી તરફ, કેમિકલ-માફિયા તરીકે જાણીતો આ પોલીસકર્મચારી નવા નવા બિઝનેસ તરફ ડાઇવર્ટ થયો છે.
તથ્ય અને પ્રજ્ઞેશ જેલમાં, પણ પાછળથી જ પોલીસ અધિકારીઓની મદદ
ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં તથ્ય પટેલની ધરપકડ બાદ તેના પિતા પ્રજ્ઞેશની પણ ધરપકડ થઈ છે. પિતા-પુત્ર હાલ જેલમાં છે, તેને મદદ કરવા માટે કેટલાક પોલીસ અધિકારીઓ પાછળથી મદદ કરી રહ્યા છે એવું પણ સામે આવી રહ્યું છે. પરંતુ પ્રજ્ઞેશ પટેલના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં તેના મિત્રોના લિસ્ટમાં એક શહેરના પૂર્વ એસીપી ક્રાઈમ તેમજ કેટલીક મહત્ત્વની તપાસોના રાઇટર અને પ્રજ્ઞેશને નજીકથી ઓળખનાર પોલીસ અધિકારીઓ પણ છે. હવે સોશિયલ મીડિયામાં બળાત્કારના આરોપીને અધિકારીઓ પોતાના ફ્રેન્ડ બનાવે છે એ જોગાનુજોગ હોઈ શકે નહીં. એની પાછળ પણ ખરેખર કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે અને એ અંગે પણ પોલીસ વિભાગમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે એવી તે આરોપીને મિત્ર બનાવવાની શી જરૂર પડી અથવા આરોપી સાથે પોલીસના શું સંબંધ છે. એવી પણ ચર્ચા છે કે પ્રજ્ઞેશ ગોતા સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જૂના પોલીસકર્મચારીઓ હજી પણ સંપર્કમાં છે.
અમદાવાદમાં ઉચ્ચ અધિકારીનું માન ન રાખતા PI બદલી થઈ
અમદાવાદના એક પોલીસ-ઇન્સ્પેક્ટરની તાજેતરમાં બદલી કરવામાં આવી છે, જેની બદલી પાછળ અનેક કારણો હોય એવું અલગ અલગ લોકો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ મૂળ કારણ એવું છે કે એક અધિકારીએ તેમને તપાસમાં સાચું કરવાનું કહ્યું હતું, પરંતુ આ અધિકારીએ ખરેખર એ વ્યક્તિનો વાંક હતો કે નહીં એ ચેક કર્યું નહીં અને તેની સામે તપાસ શરૂ કરી દીધી હતી. એ અંગેની ફરિયાદ એક અધિકારીએ બીજા અધિકારીને કરી હતી અને ખરેખર તે વ્યક્તિ નિર્દોષ હતી કે આરોપી એ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ કેસમાં તેનો રોલ ન હતો એવી ચર્ચા છે, જેથી આ અધિકારીનો ડિયો કરવામાં આવ્યો હતો અને તેમની બદલી કરી દેવામાં આવી.
અમદાવાદમાં વિજિલન્સની રેડ સતત, પણ કાયમી CPના અભાવે કાર્યવાહી થતી નથી
અમદાવાદ શહેરમાં બે મહિનાથી વધુ સમયથી પોલીસ કમિશનરની નિમણૂક થઈ નથી. ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી અમદાવાદ શહેર ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ વિજિલન્સ રેડ થઈ છે. આ રેડ સમયે કોઈ જવાબદાર હતું કે નહીં એ તથ્ય સામે આવ્યું છે, પરંતુ તેમની સામે પગલાં ક્યારે લેવા એ અંગે નિર્ણય લઈ શકાતો નથી, કારણ કે કાયમી પોલીસ કમિશનર ન આવે ત્યાં સુધી નિર્ણય લેવો કે નહીં એની અસમંજસ ચાલી રહી છે તેમજ એના કારણે કેટલાક પીઆઇ સામેથી પોતાની બદલી કરાવવા માગે છે, પણ કોઈ નિર્ણય લઈ શકાતો નથી. હવે જ્યાં સુધી નવા પોલીસ કમિશનર કાયમી ધોરણે ન આવે ત્યાં સુધી આ સ્થિતિ રહેશે એવું લાગી રહ્યું છે. બીજી તરફ, અમદાવાદ શહેરમાં ગુનેગારોને પણ મોકળાશ મળી હોય એવી સ્થિતિ સર્જાઇ છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં પાસાની કામગીરી બંધ થઈ ગઈ છે અને જે કાયમી પોલીસ કમિશનર સિવાય થઈ શકે એમ નથી. હવે અમદાવાદ શહેર ઇન્ચાર્જથી ચાલશે ત્યાં સુધી એ મોટો પ્રશ્ન ઊભો થયો છે.
દક્ષિણ ભારતના પોલીસકર્મીને નોકરી કરતાં વહીવટમાં વધુ રસ
અમદાવાદ શહેરના એક પોલીસકર્મચારી, જેઓ મૂળ દક્ષિણ ભારતનો છે. તે પોતાના કાર્ય કૌશળતાને કારણે નહીં, પણ અધિકારીઓના વહીવટના કારણે જાણીતો છે. ઘણા આઇપીએસ અધિકારીઓના વહીવટ માટે બદનામ આ પોલીસકર્મચારી મોટી મોટી ડંફાસો મારતો અટકતો નથી. થોડા સમય પહેલાં આ પોલીસકર્મચારી એવું કહેતો હતો કે હવે પોલીસની નોકરી નથી કરવી, શાંતિથી પોતાના પરિવાર સાથે રહેવું છે, પરંતુ કલાકમાં જ એક આઇપીએસ અધિકારીને વહીવટ આપવાનો છે એવી વાત ખબર પડતાં જ તેમની પાસે કઈ રીતે પહોંચવું એની લાઇન કરવા લાગ્યો હતો, આથી જૂના આઈપીએસ અધિકારી, જેમનો તે વહીવટ કરતો હતો તેમની ભલામણ કરાવીને નવા આઈપીએસ અધિકારીના વહીવટ લેવાની વેતરણમાં ફરી રહ્યો છે.
રાજકોટમાં બાયોડીઝલના કાળા કારોબારમાં પોલીસકર્મીનો હાથ
રાજકોટમાં એક સપ્તાહ પૂર્વે કુવાડવા રોડ પર આવેલા સરકારી ખરાબામાં રાજ્યની એક એજન્સી દ્વારા દરોડો પાડી બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે એજન્સીએ આ મુદ્દે રાજકોટ પોલીસ વિરુદ્ધનો સ્ફોટક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં સ્થાનિક પોલીસકર્મીની સંડોવણી ખૂલી હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, આ પોલીસકર્મી રાજકોટના એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે ઘરોબો ધરાવે છે. એજન્સી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ લાંબા સમયથી ચાલતા બાયોડીઝલના આ કાળા કારોબારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસકર્મીની મંજૂરીથી આ બાયોડીઝલનો વેપાર ધમધમતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે શું પોલીસકર્મીના કહેવાથી આટલી મોટી મંજૂરી મળે ખરા? જો મળી હોય તો ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ વગર આ મંજૂરી મળે એ વાત શક્ય નથી. ત્યારે એજન્સીના રિપોર્ટ બાદ શું કાર્યવાહી થશે એ જોવું મહત્ત્વનું રહેશે, પરંતુ હાલ રાજકોટ પોલીસબેડામાં પડેલા આ દરોડાથી એજન્સીના રિપોર્ટના કારણે ઉચ્ચ અધિકારીઓના પણ પગ ધ્રૂજતા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
વડોદરા શહેર પોલીસતંત્રમાં વહીવટદારોનું રાજ
શહેરના ઉચ્ચ અધિકારીઓ ભલે પોલીસતંત્રની આબરૂ બચાવવા પ્રયાસો કરે, પરંતુ વડોદરા શહેર પોલીસતંત્રમાં વહીવટદારોનું જ રાજ ચાલે છે. શહેર પોલીસ મથકોના વહીવટદારોની મંજૂરી વગર દારૂનો ધંધો થઈ શકતો નથી. વહીવટદારની મંજૂરી વગર જો દારૂનો ધંધો કરે તો તેની ત્યાં વહીવટદાર જ રેડનું આયોજન કરે છે અને દારૂનો ધંધો કરનાર સામે કેસ કરીને પરેશાન કરવામાં આવે છે.
10 વર્ષથી ચાલી રહેલા દારૂના અડ્ડા પર રેડ કરી હતી
મંગળવારે સ્ટેટ મોનિટરિંગ સેલે નવાપુરા પોલીસ મથકથી 500 મીટરની હદમાં 10 વર્ષથી ચાલી રહેલા દારૂના અડ્ડા પર રેડ કરી હતી અને દોઢ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂનો અડ્ડો નવાપુરા પોલીસ મથકના વહીવટદારની મંજૂરીથી જ ચાલતો હોવાનું પોલીસતંત્રમાં ચર્ચાઈ રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે નવાપુરા પોલીસ મથકની હદમાં 10 વર્ષથી ચાલી રહેલા દારૂના અડ્ડા પર રેડ કરી દોઢ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે નવાપુરા પોલીસ મથકના પીઆઈ અને વહીવટદાર સામે કાર્યવાહી કરાશે કે કેમ એ પણ હવે પોલીસતંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતમાં પોલીસને નંબર સેવ કરાવો પછી ફોન કરો, તો જ જવાબ મળશે
સુરતમાં અનેક પોલીસકર્મીઓનો બેવડો ચહેરો સામે આવી રહ્યો છે. એક તરફ, સુરત પોલીસ કમિશનર પોલીસ અને પબ્લિક વચ્ચેનું અંતર ઘટે અને બંને વચ્ચે સમન્વય સધાય એ માટે જુદા જુદા કાર્યક્રમો થકી પ્રયત્નો કરી રહ્યા છે. લોકસંવાદ બ્લડ કેમ્પ જેવા કાર્યક્રમો કરી પોલીસ તેમના માટે તમામ ફરિયાદો અને વાત સાંભળે છે એવું બતાવી રહી છે, પરંતુ બીજી તરફ સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈને પીઆઇ કક્ષાના અધિકારી લોકોના ફોન ઉપાડતા પણ નથી, સુરત પોલીસની ઓનલાઇન ઇન્ફોર્મેશન વેબસાઈટ પર જ પોલીસ અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ મુશ્કેલીમાં હોય ત્યારે જે-તે અધિકારીનો સીધો સંપર્ક કરી શકે એ માટે તેમના મોબાઈલ નંબર સીપી સુરત વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓથી લઈ પીઆઇ કક્ષાના અનેક અધિકારીઓ પોતાના ફોનમાં જેના નંબર સેવ છે તેમને જ જવાબ આપી રહ્યા છે.
લોકો મુશ્કેલીમાં સીધો ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરે છે
પોતાના ફોનમાં સેવ નંબરોને જ ઉપાડવામાં આવી રહ્યા છે. તો પોલીસ દ્વારા લોકો માટે જાહેર કરવામાં આવેલા નંબરનો મતલબ શું? અનેક લોકો જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે સીધો ઉચ્ચ પોલીસ અધિકારીને સંપર્ક કરી રહ્યા છે, પરંતુ તેમને એનો કોઈ જ ઉત્તર મળતો નથી. આ અંગે અનેક અધિકારીઓને રૂબરૂમાં પૂછવામાં આવતાં ખૂબ જ બિનધાસ્તપૂર્વક જોવા મળે છે કે મોબાઈલમાં નંબર સેવ નથી, એટલે નહીં ઉપાડ્યો હોય. હવે સુરતમાં 50 લાખની વસતિ છે, પોલીસ બિચારા કોના કોના નંબર સેવ કરે એટલે જો તમારે કામ હોય તો પહેલા પોલીસને તમારો નંબર તેમના ફોનમાં સેવ કરાવો, પછી ફોન કરો તો જ જવાબ મળશે!
.