અમદાવાદ34 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અત્યારે અનેક કારણોસર વિવાદમાં છે ત્યારે તાજેતરમાં પરીક્ષા નિયામક પર ગંભીર આક્ષેપ તથા ફરિયાદ થઈ છે તથા ઈ-એસેસમેન્ટ કંપની બ્લેકલિસ્ટ કરી હોવા છતાં એજન્સીને દંડ ફટકારી ફરીથી કામગીરી આપવામાં આવી છે, જેના વિરોધમાં આજે શક્તિ સહાયતા ફાઉન્ડેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા નિયામકને મૂળ જગ્યાએ પરત મૂકવા તથા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માંગ કરવામાં આવી હતી.
કંપનીને બ્લેકલિસ્ટ કરી ફરીથી કોન્ટ્રાક્ટ આપ્યો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ભણતા એન્જિનિયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટના લાખો વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી પરીક્ષા ઈ-એસેસમેન્ટ કરતી હૈદરાબાદની કોએમ્પ્ટ એજ્યુકેશન ટેક પ્રા.લી. (M/S Coempt Edu. Teck Pvt. Ltd.) નામની એજન્સીએ અગાઉ એસેસમેન્ટ કર્યા બાદ પૂરવણીમાં પેપર લખાતું હોવાની ફરિયાદ હોવાના કારણોસર 20 ઓકટોબર, 2020ના રોજ પ્રર્ચેઝ કમિટીની મિટિંગમાં આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી તેમછતાં કંપનીને બ્લેકલિસ્ટમાંથી કાઢીને કંપનીને ફરીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
6 વર્ષથી GTUમાં રહીને કૌભાંડ આચરતા હોવાનો આક્ષેપ
આ ઉપરાંત GTUના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક વિરલ બોરીસાગર વિશ્વકર્મા ગર્વમેન્ટ એન્જિનિયરીંગ કોલેજના વ્યાખ્યાતા છે. છેલ્લા 6 વર્ષથી GTUમાં રહીને કૌભાંડ આચરતા હોવાનો આક્ષેપ છે. સરકારી નિયમ મુજબ ડેપ્યુટેશન 3 વર્ષથી વધારે સમય ના હોય છતાં સરકારમાં દબાણ કરીને મંજૂરી મેળવવામાં આવી છે. આ મામલે ડિપાર્ટમેન્ટ ઓફ ટેક્નિકલ એજયુકેશન દ્વારા કૌભાંડ સંબંધી તપાસ કરવામાં આવે છે.
દોષિત સામે કાર્યવાહી કરવા માગ
આ મામલે આજે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં શક્તિ સહાયતા ફાઉન્ડેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સૂત્રોચ્ચાર સાથે GTUમાં આવીને ફાઉન્ડેશન દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. કુલપતિ પાસે ઇન્ચાર્જ પરીક્ષા નિયામકને તેમની મૂળ જગ્યાએ પરત મૂકવાની માગ કરવામાં આવી હતી. આઇટી કંપનીઓ કોન્ટ્રાક્ટ રદ્દ કરવા માગ કરવામાં આવી હતી. જવાબદાર અધિકારીઓને તપાસ દરમિયાન GTUમાંથી દૂર રાખીને યોગ્ય તપાસ કરવા તથા દોષિત સામે કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.
વિરલ બોરીસાગરનું એક્સટેશન રદ કરો
આ અંગે સુચિત્રા પાલે જણાવ્યું હતું કે ગુનેગાર કંપનીને સાબિત થયા બાદ બ્લેક લિસ્ટમાં મૂકીને તરત જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની સામે અમારી ફરિયાદ છે અને વિરોધ કરી રહ્યા છે. આ અંગે તપાસ કરવી જરૂરી છે. વિરલ બોરીસાગરનું એક્સટેશન રદ કરવું જોઈએ. કંપનીનો કોન્ટ્રાક્ટ પણ રદ કરવો જોઈએ.
કંઇક રંધાયાની બૂ આવી રહી છે – શક્તિ સહાયતા ફાઉન્ડેશન
શક્તિ સહાયતા ફાઉન્ડેશનના પ્રમુખ સૂચિત્રા પાલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ પંકજરાય પટેલને સુપ્રત કરાયેલાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જીટીયુ સાથે અનેક કોલેજો જોડાયેલી છે. આ કોલેજોમાં અસંખ્યા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓના ઇ-એસેસમેન્ટની કામગીરી મે. કોએમ્પ્ટ એજ્યુ ટેક પ્રા.લી. આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કંપનીએ ગુપ્તતા અને ગોપનીયતાનું પાલન કરેલ ના હોવાથી આ એજન્સીને આપવામાં આવેલા વિન્ટર-2022ની પરીક્ષાનો વર્ક ઓર્ડર રદ કરવાનું અને સમર -2022 પરીક્ષાની ઇ-એસેસમેન્ટની કામગીરીના બિલમાં 7.5 ટકા પેનલ્ટીરૂપે કપાત કર્યા બાદ ચુકવણું કરવાનું અને આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી પરંતુ, તાજેતરમાં જ આ કંપની સામે માત્ર દંડનાત્મક કાર્યવાહી કરીને સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલીને કંપની બ્લેકલીસ્ટ હોવા છતાં તે કંપનીને જ કામ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓના હીત જોખમમાં મૂકાશે. વિદ્યાર્થીઓના ભોગે યુનિવર્સીટી તરફથી કોના ઇશારે કે દબાણ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે. તે જાહેર કરવામાં આવે. દેશમાં આ કામગીરી કરતી અન્ય કોઇ એજન્સી જ નથી ? કે પછી આ કંપનીને બ્લેકલીસ્ટ કર્યા બાદ જીટીયુ કેમ મજબૂર થઇ તેની પાછળ કંઇક રંધાયાની બૂ આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં બ્લેકલીસ્ટ કરાયેલી કંપની પાસે કરાવવાની થતી કામગીરીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે.
નવા કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવાની માગ
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પરીક્ષા સહિતની કામગીરી કરવા માટે પણ કાયમી પરીક્ષા નિયામક નથી અને ઇન્ચાર્જ પરીક્ષા નિયામક વિરલ બોરીસાગરથી યુનિવર્સિટી ચલાવવામાં આવી રહી છે. તેમને વારંવાર એક્ષટેન્શન આપવા પાછળનું યુનિવર્સીટીનું ગણિત શું તે પણ શંકા જન્માવે છે. એટલું જ નહીં વળી પાછાં તે ડેપ્યુટેશન પર આવેલા છે. તો તેમને કોઇ રાજકીય ઇશારે ડેપ્યુટેશન લંબાવવામાં આવે છે. આ ડેપ્યુટેશન તાત્કાલિક અસરથી રદ કરીને નવા કાયમી પરીક્ષા નિયામકની નિમણૂંક કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે. સરકાર પોતાની સ્થાયી સૂચનાઓને ઉલ્લંઘીને ડેપ્યુટેશન લંબાવી રહી છે.
અસરકારક પરિણામલક્ષી કામગીરી કરે તેવી અમારી માગણી છે
શક્તિ સહાયતા ફાઉન્ડેશનના પ્રમુખ સૂચિત્રા પાલે આવેદનપત્રમાં અમારી સંસ્થા શિક્ષણ સાથે સામાજિક સેવાના ધ્યેયને વરેલી હોવાથી સામૂહિક હિતને ધ્યાનમાં રાખી સમગ્ર વિદ્યાર્થી આલમના રોષને વાચા આપવા અમારે આવેદનપત્ર આપવાની જરૂર પડેલ છે. જનસમુદાય તથા વિદ્યાર્થીઓ – પરીક્ષાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે આ બાબતે અસરકારક પરિણામલક્ષી કામગીરી કરે તેવી અમારી માંગણી છે.
કોએન્ટ કંપનીને કોના ઇશારે બ્લેકલિસ્ટમાંથી દૂર કરાઇ?
શક્તિ સહાયતા ફાઉન્ડેશન દ્રારા આજે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં બપોરે સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા. ત્યારે પ્લેકાર્ડ પર દર્શાવેલાં વિવિધ સૂત્રો ધ્યાન ખેંચે તેવા હતા.
શું હતા સૂત્રો ?
- કોએન્ટ કંપનીને કોના ઇશારે બ્લેક લિસ્ટમાંથી દૂર કરાઇ
- વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરતી કોએન્ટ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરો
- કોના ઇશારે કોએન્ટ કંપનીને ફરીવાર કોન્ટ્રાક્ટ અપાયો
- માત્ર દંડ વસૂલવાનો નિર્ણય કરનારાઓને દૂર કરો
- હજારો વિદ્યાર્થીઓ ધરાવતી GTU પાસે કાયમી પરીક્ષા નિયામક કેમ નથી?
- ઇન્ચાર્જ પરીક્ષા નિયામકને દૂર કરી મૂળ જગ્યા પર પરત કરો
- ડેપ્યુટેશન પર જીટીયુમાં આવેલા ઇન્ચાર્જ પરીક્ષા નિયામકને કોના ઇશારે એક્ષટેન્શન આપવામાં આવે છે
- ઇન્ચાર્જ પરીક્ષા નિયામક સામે ટીઇબીએ સોંપેલી તપાસનું શું થયું?
- ટીઇબીની તપાસ પુરી ના થાય ત્યાં સુધી જવાબદાર કંપની અને આક્ષેપિત વ્યક્તિઓને જીટીયુની તમામ કામગીરીમાંથી દૂર રાખો
.