43 મિનિટ પહેલા
- કૉપી લિંક
2003માં ગુજરાત પોલીસે અમદાવાદના નરોડા ગેલેક્ષી પાસે 19 વર્ષીય સાદિક જમાલનું એન્કાઉન્ટર કર્યું હતું. સાદિક જમાલ પર આક્ષેપ હતો કે તે દાઉદનો માણસ છે અને લશ્કર એ તોયબા સાથે સંકળાયેલો છે. તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય અગ્રણી ભાજપ નેતાની હત્યાનું કાવતરું ઘડવામાં તે સામેલો હતો.
એન્કાઉન્ટર મામલે તપાસની માગ કરાઈ હતી
સાદિક જમાલના એન્કાઉન્ટર મામલે તેના ભાઈ સાબીર જમાલે તપાસની માગ કરી હતી. આ એન્કાઉન્ટરમાં DySp ઇર્ષાદઅલી સૈયદ પણ સામેલ હતા. કોર્ટના ઓર્ડરથી એન્કાઉન્ટર કેસની તપાસ CBIએ કરી હતી. તેમજ 2012માં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસમાં કુલ 9 પોલીસકર્મી સામેલ હતા. ટ્રાયલ દરમિયાન એક પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું. જ્યારે તરુણ બારોટ, જયસિંહ પરમાર, કિશોરસિંહ વાઘેલા, રામજી માવાણી, ઘનશ્યામસિંહ ગોહિલ, અજયપાલસિંગ યાદવ અને છત્રસિંહ ચુડાસમા અગાઉ નિર્દોષ છૂટ્યા છે.
હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ હતી
ઇર્ષાદ અલી સૈયદે 2022માં CBIની સ્પેશિયલ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરી હતી, જેને દાદ ન મળતા એડવોકેટ અમીત નાયર મારફતે ઇર્ષાદ અલી સૈયદે ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સામેની ફરિયાદ રદ્દ કરવા રિવિઝન અરજી દાખલ કરી હતી. જેને જજ ઉમેશ ત્રિવેદીએ અગાઉ નોટ બીફોર મી કહેતા આ કેસ જજ ગીતા ગોપીની કોર્ટમાં ચાલ્યો હતો. જજ ગીતા ગોપીએ અરજદારની અરજી પર દલીલો સાંભળીને તેમને નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો.
કોર્ટમાં દલીલ કરાઈ
આ અંગે અરજદારના વકીલ અમિત નાયરે gnews24x7 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2003માં બનેલા સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં અસીલ ઇર્ષાદ અલી સૈયદ અંગે સુનાવણીમાં અગાઉની તપાસ અને CBIની તપાસની સરખામણી કરી હતી. અસીલ સામે જે કાવતરાનો આક્ષેપ છે. તે તેનો ભાગ નહીં હોવાનો કોર્ટમાં દલીલ કરાઈ હતી.
.