આપઘાતના વિચાર માટે ફાઇનાન્શિયલ ક્રાઈસીસનાં કિસ્સા પણ વધ્યા, જીવન આસ્થાને આવતાં કોલમાં 40 ટકાનો ઉછાળો આવ્યો | Cases of financial crisis also increased for suicidal ideation, with 40 percent jump in calls to Jeevan Asthan.

Spread the love

ગાંધીનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

જીવનમાં આવતી અડચણો અને ઉતાર-ચડાવ સામે નિરાશ થઈને અનેક લોકો આત્મહત્યા કરવાનું વિચારતા હોય છે. આત્મહત્યા કરવા માંગતા લોકોની સહાય માટે કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઈન પર આવતા કોલમાં સૌથી મોટું કારણ આર્થિક સંકડામણ હોવાનું લાયઝનિંગ ઓફિસર પ્રવીણ વાલેરાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જીવન આસ્થાને મળતાં આ પ્રકારના કોલમાં સૌથી વધુ શહેરી વિસ્તારની સુખી સંપન્ન વ્યક્તિઓ હોવાનું પણ બહાર આવ્યું છે.

કોરોના સમયના લોકડાઉન અને ત્યારબાદની સ્થિતિની સરખામણીએ આત્મહત્યાનું વિચારનારા લોકોમાં પણ 40 ટકાનો વધારો થયો છે. કોરોનામાં લોકડાઉન અને ત્યારબાદની સ્થિતિને સૌથી કપરા સમય તરીકે ઓળખવામાં આવે છે. જો કે તે સમયે અનેક પરિવારોને મોટા આર્થિક ફટકા પડ્યા હતા. જેની અસર હજુ સુધી જોવા મળે છે અને તેના કારણે જીવન આસ્થા પર આવતા 40 ટકા કોલમાં આર્થિક સમસ્યા જવાબદાર હોય છે.

આત્મહત્યાના કારણોમાં આર્થિક સંકડામણ અને લગ્ન કે પ્રેમ સંબંધોમાં વિખવાદ સૌથી વધારે ભૂમિકા ભજવે છે. કોરોના પહેલાના સમયમાં પણ આર્થિક સંકડામણના કારણે અનેક લોકો જીવન ટૂંકાવવાનું વિચારતા હતા. ત્યારબાદ જીવન આસ્થામાં આવતા 40 ટકા જેટલા કોલમાં પ્રણય સંબંધોમાં નિરાશા જવાબદાર હતી. હવે ફરી ટ્રેન્ડ બદલાયો છે અને આર્થિક સંકડામણ વકરી રહી છે.

આ સાથે જીવન આસ્થામાં આવતા કોલની સંખ્યા પણ વધી છે. હાલ રોજના સરેરાશ 50 જેટલા કોલ આવે છે. આત્મહત્યા કરવાનું વિચારનારા ઘણાં લોકો ગૂગલ પર સુસાઈડ શબ્દ સર્ચ કરતા હોય છે. સર્ચમાં જીવન આસ્થા હેલ્પલાઈનનો નંબર પહેલા દેખાતો હોવાથી ઘણાં લોકો સમસ્યામાં રાહત મળવાની આશાએ કોલ કરે છે. જીવન આસ્થા હેલ્પલાઈનના લાયઝનિંગ ઓફિસર પ્રવિણ વાલેરા અને ટીમ દ્વારા આવા લોકોનું કાઉન્સેલિંગ કરીને આત્મહત્યા નહીં કરવા સમજાવવામાં આવે છે.

આ અંગે જીવન આસ્થાના લાયઝનિંગ ઓફિસર પ્રવિણ વાલેરાએ જણાવ્યું હતું કે, આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવવાનું વિચારનારા મોટાભાગના લોકો શહેરી વિસ્તારના હોય છે. આર્થિક કારણોસર આત્મહત્યા કરવાનો વિચાર શહેરના લોકોને જ વધારે આવતો હોય છે. ગ્રામ્ય વિસ્તારોની આબોહવા, સામાજિક વાતાવરણ અને ઓછા ખર્ચે જીવન ગુજારો ચાલતો હોવાથી આર્થિક સમસ્યા વધારે નડતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *