આધેડને ઝેરી જાનવર કરડતા મૃત્યુ નીપજ્યું; કાર આડે રિક્ષા આવતા કાર પલટી ખાઇ ગઈ, પતિ-પત્નીને ઇજા; એક વ્યક્તિ પર કુહાડી વડે જીવલેણ હુમલો કરાયો | A middle-aged man died of a poisonous animal bite; The car overturned when a rickshaw came across the car, the husband and wife were injured; A man was fatally attacked with an axe

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Middle aged Man Died Of A Poisonous Animal Bite; The Car Overturned When A Rickshaw Came Across The Car, The Husband And Wife Were Injured; A Man Was Fatally Attacked With An Axe

પંચમહાલ (ગોધરા)21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આધેડને ઝેરી જાનવર કરડતા મૃત્યુ નીપજ્યું
પ્રાપ્ત માહિતી મુજબ,ગોધરા તાલુકાના મહુલીયા ગામે આવેલા રોડ ફળિયામાં રહેતા ભારતસિંહ રાયસિંહ પટેલ ગત 31 તારીખે પોતાના ઘરે વહેલી સવારના સાડા ત્રણ વાગ્યાના અરસામાં પેશાબ લાગતા ઘરની બહાર ગયાં હતાં. જે વેળાએ ઘરની બહાર તેઓને ડાબા પગના ભાગે ઝેરી જાનવરે ડંખ માર્યો હતો. જેને લઇને તેઓ પછડાઈ નીચે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ તેઓ ખાનગી હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર મામલે તાલુકા પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવા પામી છે.

આધેડ પુરુષ પાણીમાં પડી જતાં મૃત્યુ
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના આઇટીઆઇ નજીક આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા ચંદુલાલ ઓઢવદાસ કલવાણીએ ગોધરા તાલુકા પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 31 તારીખે સવારના નવ વાગ્યાના અરસામાં તેઓનો 40 વર્ષીય પુત્ર દેવરાજ ચંદુલાલ કલવાણી ગોધરા નજીકના ગદુકપૂર બાયપાસ નજીકથી પસાર થતી મેસરી નદીના કોતરમાં પડી ગયો હતો. જેમાં પાણી પી જવાને કારણે 40 વર્ષીય દેવરાજનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાર આડે રિક્ષા આવતા કાર પલટી ખાઇ ગઈ, પતિ-પત્નીને ઇજા
પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ શહેરમાં આવેલા નવરંગ સોસાયટીમાં રહેતા શોયેબ શેફુદ્દીન લુખડિયા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત 9 તારીખે તેઓ પોતાની કારમાં ચાલકને સાથે રાખીને પોતાના પત્ની ફાતેમાબેનને લઇને અમદાવાદ ખાતે તેઓના વેવાઈને મળવા ગયા હતા. જ્યાંથી તેઓ પોતાની કારમાં જ દાહોદ ખાતે પરત આવી રહ્યા હતા. જે દરમ્યાન તેઓની કારનો ચાલક ઝુઝર અબ્બાસભાઈ દુધિયાવાલા કાર પૂરઝડપે હંકારીને ગોધરા તરફ આવી રહ્યો હતો. ત્યારે ભામૈયા ચોકડી નજીક પૂરઝડપે જઈ રહેલી કાર આડે રિક્ષા આવી જતા ચાલકે અચાનક બ્રેક મારતાં વેગનઆર કાર પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં શોયેબ લુખડીયાને પાંસળી તથા પેઢાના ભાગે હાડકાનું ફ્રેકચર થયું હતું અને ફાતેમાબેનને જમણા પગના ભાગે ફ્રેકચર થયું હતું. તેમજ વેગનઆર કાર પલ્ટી ખાઇ જતાં કારને પણ નુકશાન થયું હતું. સમગ્ર મામલે આજરોજ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે કારચાલક સામે પૂરઝડપે કાર હંકારવા બદલ ફરિયાદ નોંધાવા પામી છે.

25 લાખની કિંમતની લોખંડની બેન્ડિંગ પ્લેટની ઉઠાંતરી કરી
પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનના દૌસા જિલ્લાના ચાવન હેરા ગામે રહેતા મહેશકુમાર શર્મા વાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, હાલમાં નિર્માણ પામી રહેલી દિલ્હી-મુંબઈ ભારતમાલા પ્રોજેક્ટ હાઈવેમાં કામ કરતી PNC ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ગોધરા તાલુકાના ભામૈયા ગામ નજીક ટોલ પ્લાઝા બનાવવાનું કામ વાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ દ્વારા આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ટોલ પ્લાઝા બનાવવાનું કામ કરવામાં આવતું હતું. વાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ભામૈયા ટોલ પ્લાઝા નજીક ટોલબુથ બનાવવામાં ઉપયોગી એવી MSWIMની પાંચ ફૂટ લાંબી અને બે ફૂટ પહોળી રૂ. બે લાખની કિંમતની એક એવી 10 બેન્ડિંગ પ્લેટ, તેમજ અઢી લાખની કિંમતની 6 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળી બે લોખંડની બેન્ડિગ પ્લેટની અજાણ્યા તસ્કરોએ ઉઠાંતરી કરી હતી. અજાણ્યા તસ્કરો ભારેખમ એવી રૂ. 25 લાખની કિંમતની 12 બેન્ડિંગ પ્લેટની ચોરી કરીને લઈ ગયા હતા. PNC ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવતું હોવા છતાં અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે ચોરીનો ગુનો નોંધીને અજાણ્યા તસ્કરોની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે.

એક વ્યક્તિ પર કુહાડી વડે જીવલેણ હુમલો કરાયો
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના રહેમત નગર વિસ્તારમાં રહેતા યાસીન હબીબ મલેકે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના છોકરા સબિર મલેકે પોલન બજાર પાસે રહેતા શરફરાજ એહમદ ગાજીનાને ફોરવિલ ગાડી આપી હતી. જેના પૈસા લેવા માટે ગત 30 તારીખે રાત્રિના સમયે ગયો હતો. જે દરમ્યાન લુકમાન અયુબ કમલી આવીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેને લઇને સબીરે અપશબ્દો બોલવાની ના પાડતા આ લુકમાન કમલી ઉશ્કેરાઇ ગયો હતો અને ગડદાપાટુનો માર મારી તેના હાથમાં રહેલી કુહાડી સબીરને માથાના ભાગે મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. જે દરમ્યાન બુમાબુમ કરતા આજુબાજુમાંથી માણસો આવી જતા લુકમાન જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત હાલતમાં સબીર યાસીનને બાઈક પર બેસાડીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જીવલેણ હુમલો કરનારા ઇસમ સામે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *