પ્રાંતિજએક કલાક પહેલાલેખક: સારથી એમ.સાગર
તાજેતરમાં ફરી એકવાર અમેરિકા જઈ રહેલી વ્યક્તિનો ગુમ થવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનાં રહેવાસી ચેતનાબેન રબારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ ભરતભાઇને ડિંગુચાના રહેવાસી મહેન્દ્રભાઇ ઉર્ફે એમ.ડી.બળદેવભાઇ પટેલ અને મહેસાણાના મુગના ગામના રહેવાસી દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ નામના એજન્ટે 70 લાખમાં અમેરિકા મોકલવાના નામે છેતરપિંડી કરી છે તેમજ તેમના પતિ મુંબઈથી નેધરલેન્ડ,પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી તેમને ડોમિનિકા લઈ જવાયા બાદ છેલ્લા છ મહિનાથી ગુમ છે.
અમેરિકા જવા નીકળેલા આ 9 લોકો ક્યારે ગુજરાતથી નીકળ્યા હતા, એજન્ટ કોણ હતું, કોના દ્વારા કોનો સંપર્ક થયો હતો. મહેન્દ્ર પટેલનો શું રોલ છે, દિવ્યેશ પટેલનો શું રોલ હતો. આ તમામ બાબતો જાણવા gnews24x7ે પ્રાંતિજ પોલીસ, ગુમ થયેલા ભરતભાઈ રબારીનાં પત્ની ચેતનાબેન રબારી તથા ગુમ થયેલા ધ્રુવરાજસિંહના બળવંતસિંહ વાઘેલા સાથે વાતચીત કરી છે. આ વાતચીતમાં ભરતભાઈના પત્નીએ રડતા રડતા તેમના પતિને પાછો લાવવા માટે સરકારને વિનંતિ કરી છે.
‘એજન્ટો મને વર્ક પરમિટ પર લઈ જાય છે તો હું જાઉં’
ગુમ થયેલા ભરતભાઈ રબારીનાં પત્ની ચેતનાબેને gnews24x7 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં 12 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. અમારા લગ્નને 15 વર્ષ થયાં છે. મારા પતિ પશુપાલનનો વ્યવસાય કરતા હતા અને ધોરણ 10 પાસ છે. તેમણે જાતે અમેરિકા જવાનો નિર્ણય કર્યો હતો. મારા પરિવારનું કોઈ સભ્ય અમેરિકામાં નથી, પરંતુ તેમના અમુક મિત્રો અમેરિકામાં રહે છે. ગત ડિસેમ્બર મહિનામાં તેમણે મને અમેરિકા જવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે એજન્ટો મને વર્ક પરમિટ પર લઈ જાય છે તો હું જાઉં. મેં કહ્યું, વર્ક પરમિટ પર લઈ જતા હોય તો જાઓ. ધંધા માટે જવાય, એટલે ઘરેથી નીકળ્યા એ પછી 2-4 દિવસ સુધી તો અમારે રેગ્યુલર વાત થઈ, ત્યારે તેઓ ડોમિનિકા હતા. ત્યાર પછીથી લઈને આજ સુધીમાં તેમની સાથે કોઈ વાત નથી થઈ.
પ્રાંતિજના વાઘપુરમાં આવેલું ભરતભાઈ રબારીનું ઘર.
‘દિવ્યેશ પટેલ અને મહેન્દ્ર પટેલને વ્યાજે લઈને 20 લાખ રૂપિયા આપ્યા’
‘તેમની સાથે છેલ્લે વાત થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે અમે ડોમિનિકા છીએ અને આજે અમને સાંજે 5-6 વાગ્યે બોટિંગ લાઇનમાં લઈ જવાના છે. ક્યાં લઈ જવાના છે એની મને ખબર નથી. તમે ચિંતા ન કરશો. જે પણ હોય એ એજન્ટો તમને વાત કરશે. એ પહેલાં રોજ વાત થતી હતી, જોકે તેમનો ફોન કરવાનો સમય નક્કી નહોતો. તેમને સમય મળે એટલે ફોન કરતા રહેતા હતા. સવારે, બપોરે અને સાંજે ક્યારેય પણ ફોન આવતા હતા, પરંતુ દિવસમાં 2થી 4 વખત ફોન કરતા હતા અને વીડિયો કોલ પણ આવતા હતા. અમદાવાદથી બોમ્બે અને ત્યાંથી એમ્સ્ટર્ડેમ ગયા હતા, ત્યાંથી ડોમિનિકા. એજન્ટોએ 70 લાખ રૂપિયા માગ્યા હતા, એમાંથી 20 લાખ રૂપિયા અમે દિવ્યેશ પટેલને અને મહેન્દ્રભાઈ બળદેવભાઈ પટેલ ઉર્ફે એમડીને રોકડ આપ્યા છે. એમડી ડિંગુચાના રહેવાસી છે. 20 લાખ રૂપિયા પણ વ્યાજે લઈને આપ્યા છે. મારા પરિવારમાં હું અને મારાં બે બાળકો, મારાં સાસુ-સસરા અને દિયર છે’.
રડા રડતા પતિને લાવવા માટે વિનંતિ કરી રહેલા ભરતભાઈના પત્ની ચેતનાબેન રબારી.
‘તેમના ફોનની રાહ જ જોઈએ છીએ, ઘરમાં કમાનાર કોઈ નથી’
પોતાની વ્યથા ઠાલવતા ચેતનાબેને આગળ કહ્યું કે, તેઓ 8 જાન્યુઆરી, 2023ના રોજ નીકળ્યા અને 4 ફેબ્રુઆરી સુધી રેગ્યુલર વાત થતી હતી. છેલ્લા 15 દિવસ ડોમિનિકામાં જ હતા, ત્યાં કોઈ મકાન હતું,.તેમની સાથે બીજા 8 લોકો પણ હતા. આ બધા અમેરિકા જવા નીકળ્યા હતા, તેઓ જતા રહ્યા છે. મારી આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. ઘર ચલાવવું મારે માટે મુશ્કેલ થઈ ગયું છે. બે ગાયો છે, એની પર હાલ ઘર ચાલે છે. અત્યારે ઘરમાં કમાનાર કોઈ નથી.અમે તો આજે પણ તેમના ફોન આવવાની રાહ જ જોઈએ છીએ. અમને છેલ્લા 5 મહિનાથી એજન્ટો ગુમરાહ કરે છે. તેઓ કહે છે કે આજે વાત થશે, કાલે વાત થશે, પણ 5 મહિનાથી વાતચીત થતી નથી. બે દિવસ તેમનો ફોન બંધ બતાવ્યો એટલે તરત અમે એજન્ટને જાણ કરી અને પૂછ્યું કે તેમનો ફોન કેમ બંધ બતાવે છે. અમારી કોઈ વાત નથી થતી. તો એજન્ટે કહ્યું કે એ લોકો કસ્ટડીમાં પકડાઈ ગયા છે, ત્યાં ફોન ફોલોઅપ થતા નથી, પરંતુ આજસુધી કસ્ટડીમાંથી પણ તેમનો ફોન આવ્યો નથી અને એજન્ટો પણ આ જ છૂટશે, કાલે છૂટશે, એમ ગલ્લાતલ્લા કરે છે, એટલે છેલ્લે પોલીસ સ્ટેશનનો સહારો લેવો પડ્યો અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
‘ભલે કસ્ટડીમાં હોય, પણ અમને વાત તો કરાવો’
‘એજન્ટો જે સરકારી પ્રોસેસ ચાલતી હોય એ પ્રમાણે અમે છોડાવી દઈશું, તમે ચિંતા ન કરો. ભાઈને કોઈ તકલીફ નથી. ભાઈને કોઈ ખરોચ પણ આવી નથી. ભાઈ સેફ છે. વકીલ રોકેલો છે. અત્યારસુધી આવી એક જ વાત કરે છે .અમે કહ્યું કે ભલે કસ્ટડીમાં હોય, પણ અમને વાત તો કરાવો. તો તેમણે કહ્યું કે વાત કરવા માટે ફોન ફોલોઅપ જ નથી કરવા દેતી સરકાર એટલે વાત થતી નથી. તેઓ જેવા બહાર આવશે એવી વાત થશે, પરંતુ આજ સુધી બહાર નીકળ્યા નથી અને ફોન પર વાત થતી નથી. છેલ્લા 25 દિવસથી એજન્ટોએ અમારા ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધા છે’.
અમેરિકા જવા નીકળ્યા બાદ ગુમ થયેલા ભરતભાઈ રબારી.
‘બે હાથે પગે લાગીને કહું છું કે મારા માણસને જલદી ઘરે લાવી આપો’
‘અમે નાછૂટકે પોલીસનો સહારો લીધો અને સરકારની મદદ માગી. અમે તો આજે પણ એવું જ કહીએ છીએ કે સરકાર જેમ બને તેમ જલદી તેમને છોડાવે. હું અને મારાં બાળકો માણસની રાહ જોઈએ છીએ. બે હાથે પગે લાગીને કહું છું કે મારા માણસને જેમ બને તેમ જલદી ઘરે લાવી આપો. બીજા આઠ જણ પણ તેમની સાથે છે, તેમના ફેમિલી વિશે મને ખબર નથી. મહેસાણા તરફના છે, પરંતુ કુલ 9 લોકો બધા સાથે છે. હું કહું છું કે સરકાર નવેનવ જણાને સેફ રીતે અમને લાવી આપે એવી અમારી દરખાસ્ત છે. બધાની પોઝિશન અમારા જેવી જ છે. નવેનવ ફેમિલીને અમારી જેમ આ જ સુધી કોઈ કોન્ટેક્ટ થયો નથી. બધાને એજન્ટ આ રીતે જ કહે છે કે છોકરાઓ કસ્ટડીમાં જ છે. એમાં બે તો લેડીઝ છે’.
‘મને નીચેના એજન્ટે કહ્યું હતું કે મેઇન એજન્ટ મહેન્દ્રભાઈ પટેલ છે’
‘એ સમયે અમને 3 મહિનામાં અમેરિકા પહોંચાડવાની કબૂલાત કરી હતી. ત્રણ મહિના તમારે રાહ જોવી પડશે, પરંતુ આ તો ત્રણના છ મહિના થયા. આગળની પ્રોસેસ એજન્ટે પોલીસ સ્ટેશનમાં લખાવી છે, અમને ખબર નથી. એક એજન્ટ દિવ્યેશ પટેલને પ્રાંતિજ પોલીસે પકડી લીધો છે. પોલીસે તેને ફોન કર્યો હતો અને ઘરે ગઈ હતી એટલે તે સામેથી હાજર થઈ ગયો છે. દિવ્યેશ પટેલ એક મહિનાથી મારો ફોન નહોતો ઉપાડતો. જ્યારે મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ આજે પણ પોલીસના હાથમાં આવ્યો નથી. અમને નીચેના એજન્ટે કહ્યું હતું કે મેઇન એજન્ટ મહેન્દ્રભાઈ પટેલ છે. અમારે મહેન્દ્રભાઈ સાથે પણ મુલાકાત થઈ છે . તેમનુ પણ એ જ કહેવું છે કે એ લોકો કસ્ટડીમાં છે અને છૂટી જશે. તેમની સાથે બે મહિના પહેલાં પ્રાંતિજમાં જ મુલાકાત થઈ હતી, તે અમદાવાદમાં રહે છે અને અહીં મળવા આવ્યા હતા. હું જાતે તેમને મળી છું. તેમની પાસે કયા વિઝા હતા એની મને ખબર નથી. અહીંથી વર્ક પરમિટનું કહીને લઈને ગયા હતા’.
ભરતભાઈના કૌટુંબિકભાઈ શૈલેષભાઈ લલ્લુભાઈ રબારી.
‘દિવ્યેશ પટેલ અને એમ.ડી.ત્યાં આવ્યા હતા, કોઈ રૂટ આપ્યો નહોતો’
જ્યારે ભરતભાઈના કૌટુંબિકભાઈ શૈલેષભાઈ લલ્લુભાઈ રબારીએ gnews24x7 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભરતભાઇને વર્ક પરમિટ દ્વારા એજન્ટો અમેરિકા લઈ જશે એવું જણાવેલું. તેઓ 8 જાન્યુઆરીએ અહીંથી તેમને અમદાવાદ એરપોર્ટથી લઈ ગયા. છેલ્લે 4 ફેબ્રુઆરીએ રાત્રે વાત થઈ હતી. એના પછી કોઈ કોન્ટેક્ટ નથી. એજન્ટો એવું કહેતા હતા કે કસ્ટડીમાં છે, ચાર દિવસમાં છૂટી જશે, 10 દિવસમાં છૂટી જશે. આગળ મોકલી દઇશું…જતા રહેશે… આવી બધી વાતો ચાલતી હતી. ડોમિનિકા સુધી તેમની સાથે વાત થઈ છે. એ પછી કોઈ વાત થઈ નથી. તેમના વર્ક વિઝાની ખબર નથી. એ અંગે ભરતભાઇને જ ખબર છે. મને તેમના દ્વારા જ જાણ થઈ હતી કે તેઓ વર્ક વિઝા પર લઈ જાય છે. અમદાવાદ એરપોર્ટ પર હું તેમને મૂકવા ગયો હતો. પરિવાર સિવાય દિવ્યેશ પટેલ અને એમ.ડી. ત્યાં આવ્યા હતા. ત્યારે પણ તેમણે કોઈ રૂટ આપ્યો નહોતો, એટલે કહ્યું હતું કે તમારું થઈ જશે. જ્યારે એજન્ટ દ્વારા અન્ય માહિતી મળી નહોતી.
‘થઈ જશે…તમારા માણસો છૂટી જશે…તમે એકલા નથી’
‘4 ફેબ્રુઆરીથી ફોન આવવાના બંધ થયા છે એટલે લગભગ 5 મહિનાથી એજન્ટોનો સંપર્ક કરીએ છીએ કે ભાઈ મને આનું રિઝલ્ટ આપો. વાત થતી નથી તો વાત કરાવો, પણ તેઓ વાત કરવી શક્યા નહિ. છેલ્લે, સરકારનો સહારો લેવો પડ્યો છે. એજન્ટો એવી વાતો કરતા કે થઈ જશે…તમારા માણસો છૂટી જશે…તમે એકલા નથી, બીજા આઠ જણા છે. એમાં બે લેડીઝ પણ છે. પહેલા અમને એવું કહેવામાં આવતું કે માર્ટિનીકયુ(કેરિબિયન આઇલેન્ડ)માં છે. પછી ગોનાલુપે છે, છેલ્લે એવી વાત કરી કે સેન્ટ માર્ટિન છે. અલગ અલગ નિવેદન આપ્યા છે, પરંતુ એવો કોઈ પુરાવો નથી આપ્યો કે અમને લાગે કે સાચે આ જગ્યાએ છે. તેઓ બસ એટલું જ કહે છે કે કસ્ટડીમાં છે અને કોસ્ટગાર્ડે પકડ્યા છે’.
ભરતભાઈની ચિંતામાં ઘરમાં બેઠેલા પત્ની અને સગા સંબંધીઓ.
‘એજન્ટોનું કહેવું છે બધા એક જગ્યાએ જ પકડાયેલા છે’
‘ત્યાર પછી અમે બીજા 8 જણના પરિવારને પણ મળ્યા છીએ. તેમનું પણ આવું જ હતું. તે લોકોને પણ આ રીતે પાછળ પાછળ ફેરવ્યા છે. એજન્ટો એવું કહે છે કે બધા એક જગ્યાએ જ પકડાયેલા છે. બીજા લોકોની કાર્યવાહી ચાલુ છે. અમે પહેલી ફરિયાદ આપી છે. બીજા બધાનું એવું કહેવું થાય છે કે અમે પણ કરીએ છીએ. બે નારદીપુર, એક સરઢવ, એક મહેસાણા, એક ઉત્તસંડા, એક હેડુઆનો છે. અમે 3-4 જણને મળ્યા છીએ. નારદીપુરના બે લોકો, સિદ્ધપુરવાળા છોકરાના માસીના છોકરાને અને સરઢવની છોકરીના ફાધરને મળ્યા હતા. કોની જોડે કેટલા પૈસા લીધા એ ખબર નથી. અમદાવાદ એરપોર્ટ પર ભરતભાઇ સાથે કોઈ પેસેન્જર નહોતા. મારે પણ રેગ્યુલર ભરતભાઈ સાથે વાત થતી હતી’.
ભરતભાઈ કેવી રીતે દિવ્યેશ પટેલના સંપર્કમાં આવ્યા?
સૂત્રો મુજબ, ભરતભાઈ કોઈ મિત્ર દ્વારા એજન્ટ દિવ્યેશ પટેલ ઉર્ફે જોનીના કોન્ટેક્ટમાં આવ્યા હતા. પછી ભરતભાઈએ તેમને વાત કરી. આ અંગે 4 દિવસ પહેલાં અમને જાણ થઈ હતી. એરપોર્ટ પર મળ્યા ત્યારે તો અમને કંઈ ખબર નહોતી. ભરતભાઇ સાથે વાત ન થઈ અને એજન્ટોએ ગલ્લાતલ્લા કર્યા .પછી અમે તપાસ કરી ત્યારે મેઇન એજન્ટ ડિંગુચાવાળો મહેન્દ્ર પટેલ છે એમ ખબર પડી, તેને એક વખત ચિલોડા અને વૈષ્ણોદેવીમાં મળ્યા હતા. પછી અમને જાણ થઈ કે તેમના પોતાના ભાઈ(જગદીશ પટેલ) અને ભાભી(વૈશાલી પટેલ) સહિતનો પરિવાર બોર્ડર ક્રોસ કરતાં મૃત્યુ પામ્યો હતો.
હાલ ફરાર થઈ ગયેલો એજન્ટ મહેન્દ્ર પટેલ.
‘મારા દીકરાએ બધું 65 લાખ રૂપિયામાં નક્કી કર્યું હતું’
જ્યારે અમેરિકા જવા નીકળેલા અને 5 મહિનાથી સંપર્કવિહોણા બનેલા કલોલના નારદીપુરના ધ્રુવરાજસિંહના પિતા બળવંતસિંહ વાઘેલાએ gnews24x7 સાથે વાત કરતાં કહ્યું હતું કે અમે પોલીસ સ્ટેશનમાં જવાબ લખવ્યો છે. તે ક્યારે ગયો હતો એ યાદ નથી. છેલ્લે 3 ફેબ્રુઆરીએ અમારે વાત થઈ હતી. ત્યારે ડોમિનિકા હતો. એ પહેલા રોજ ફોન આવતો હતો. ત્યાર પછી એજન્ટો મામલો પતી જશે એવી વાત કરતા હતા. મારા દીકરાએ બધું 65 લાખ રૂપિયામાં નક્કી કર્યું હતું, એમાંથી એક રૂપિયો પણ આપ્યો નથી. અમેરિકા ગયા પછી આપવાના હતા. છોકરાએ તેના કોઈ સર્કલમાં નક્કી કર્યું હતું કે અમેરિકામાં ક્યા જવાનું છે. મારા કોઈ સગા ત્યાં નથી. દીકરાએ જાતે જ નક્કી કર્યું હતું. ધવલ પટેલ અમારો એજન્ટ હતો અને એ ધ્રુવનો જ મિત્ર અને અમારા ગામનો છે. ધવલ અને તેનો પરિવાર અમેરિકન સિટિઝન છે. તે અત્યારે અહીં નથી. તે દિવાળીમાં અહીં આવ્યો હતો. એ વખતે બધા છોકરા ગલ્લે ભેગા થતા હશે, ત્યારે તેમની વચ્ચે વાત થઈ હશે.
‘એવું કહે છે કે ફ્રાંસવાળાએ પકડ્યા છે અને છોડાવી દેશે’
ધ્રુવરાજસિંહના પિતા આગળ કહે છે, તે કેવી રીતે જવાનો હતો એ કંઈ ખબર નથી. અમે કલોલથી લક્ઝરીમાં બોમ્બે મૂકવા ગયા હતા. મુંબઈથી પછી એ ફ્લાઇટમાં ગયા હતા. એવું કહે છે કે ફ્રાંસવાળાએ પકડ્યા છે અને છોડાવી દેશે. મહેન્દ્રને હું નથી ઓળખતો અને તેને નથી મળ્યો, પરંતુ ધવલ સાથે અમેરિકામાં વાત થતી હતી. સાથે આખું ગ્રુપ ગયું અને ભેગું થયું. પછી ચર્ચા થઈ કે અમે 9 જણ છીએ. ત્યારે મને જાણ થઈ કે તેની સાથે બીજા પણ છે. છેલ્લે, તેની સાથે એવી જ વાત થઈ કે અમે 9 છીએ. પ્રાંતિજ પોલીસ પૂછપરછ માટે આવી હતી. હવે એક ફરિયાદ થઈ જાય તો સારું, નહી તો ફરિયાદ કરવાની ગણતરી છે. સ્થિતિ કેવી થાય છે એની પર છે.
‘છોકરાઓને છોડાવવાની બોન્ડની પાવતી પણ મોકલી હતી’
ધ્રુવરાજસિંહના પિતાએ વધુમાં કહ્યું હતું કે ધવલ ગામનો હતો, એટલે બે-ચાર દિવસ, અઠવાડિયું એમ કરતો હતો, એ તો વર્ષોથી અમેરિકા છે અને ત્યાંનો સિટિઝન છે. અવરજવર કરે છે. બે મહિના પહેલાં જ અહીંથી ગયો છે. ત્યારે પણ મેં પૂછ્યું હતું તો કહે કે અઠવાડિયામાં પતી જશે, પકડાયા છે તેમને છોડાવી લઈશું. ચિંતા ન કરો, છોકરો સેફ છે. એવું કહેતો હતો કે વકીલ રોકેલો છે. ઉપરથી છોકરાઓને છોડાવવાની બોન્ડની પાવતી પણ મોકલી હતી. અમે 45 યુરોના બોન્ડ કરેલા હતા. ધવલ છ મહિના અહીં અને છ મહિના અમેરિકા રહે છે. આ ફરિયાદ થઈ એ પહેલાં જ મારે ધવલ સાથે વાત થઈ હતી, ત્યારે તેણે કહ્યું હતું કે આ સોમવાર (17 જુલાઇ) આવે એ પહેલા પતી જશે, પણ સોમવાર પહેલાં જ ફરિયાદ થઈ ગઈ.
એજન્ટ દિવ્યેશ પટેલ અને ચતુર પટેલ.
‘છોકરાને જવું હતું એટલે રૂપિયા આઘાપછા કરીને ભરવાના હતા’
‘છોકરાને જવું હતું એટલે રૂપિયા આઘાપછા કરીને સગાંસબંધી પાસેથી લાવીને ભરવાના હતા. આર્થિક સ્થિતિ સારી હોય તો કોણ જાય? હું ખેતીવાડી કરું છું. ધ્રુવે કોલેજ પૂરી કરી હતી. હવે કેસ થયો છે, આગળ સરકાર કરે એ ખરું. ધ્રુવરાજે મને કહ્યું કે અમેરિકામાં કામ આપશે એટલે અમેરિકા લઈ જાય છે. મેં કહ્યું, સારું. તેણે કહ્યું કે પહોંચીએ એટલે પૈસા આપવાના છે, એ પહેલાં આપવાના નથી. મેં કહ્યું, કોઈ વાંધો નહીં. અત્યારસુધી એક રૂપિયો પણ અપ્યો નથી. અમારા ગામમાંથી 4-5 હજાર લોકો અમેરિકામાં છે. બીજા ઘણા અમદાવાદ અને ગાંધીનગર રહે છે’.
દિવ્યેશ પટેલ અને મહેન્દ્ર પટેલ કેવી રીતે વિદેશ મોકલવાનું કામ કરતા?
સૂત્રો મુજબ, હાલ પોલીસે જેને પકડ્યો છે એ દિવ્યેશ ટાઇલ્સનો ધંધો કરતો હતો. મહેન્દ્ર ગત ડિસેમ્બરમાં જ દિવ્યેશનના સંપર્કમાં આવ્યો હતો અને તેણે કોઈને આ રીતે અમેરિકા જવું હોય તો મોકલવા માટે કહ્યું હતું. એ પેટે તેને એક લાખ રૂપિયા આપવાની ઓફર પણ કરી હતી. એક લાખ રૂપિયા વ્યક્તિ અમેરિકા પહોંચી જાય એ પછી આપવાનો હતો. દિવ્યેશનું કામ મહેન્દ્રને અમેરિકા જવા ઇચ્છુક લોકો શોધી આપવાનું હતું. તેમનો કોન્ટેક્ટ કરાવતા જ દિવ્યેશનું કામ પૂરું થઈ જતું હતું.દિવ્યેશ તેને મળ્યો ત્યારે તેના સાચા નામની પણ ખબર નહોતી. ફક્ત MDના નામે ઓળખતો હતો.
દિવ્યેશે વાત કરી અને ભરતભાઈનો મહેન્દ્ર સાથે સંપર્ક કરાવ્યો
ત્યાર પછી મહેન્દ્ર અને અમેરિકા જનાર પરિવાર જ સંપર્કમાં રહેતા હતા. રૂટ લિક ન થઈ જાય એ માટે મહેન્દ્રએ દિવ્યેશને તેમના સંપર્કમાં રહેવાની ના કહી હતી.એ પછી જ્યારે આવી ઘટના બની અને જાણ્યું ત્યારે ખબર પડી કે ડિંગુચાનો થીજીને મૃત્યુ પામેલો પરિવાર તે આના જ સગા ભાઈનો પરિવાર હતો. ભરતભાઈના એક સબંધીએ વાત કરી હતી કે ભરતભાઇને જવું છે. એ પછી ચર્ચા થઈ હતી. આ દરમિયાન દિવ્યેશને ભરતભાઈ રબારી મળ્યા. દિવ્યેશે વાત કરી અને મહેન્દ્ર સાથે તેમનો સંપર્ક કરાવ્યો હતો.એ તેનું પહેલું જ કામ હતું. આ બધાએ પ્રવાસ ઓરિજિનલ પાસપોર્ટ પર જ કર્યો છે. એક જ મહિનામાં આ બધું બન્યું હતું. વાત કર્યા પછી નક્કી કર્યું એના છઠ્ઠા દિવસે ભરતભાઈએ ફલાય કર્યું હતું.
કોણ કયા એજન્ટ દ્વારા અમેરિકા જવા નીકળ્યું હતું?
પોલીસની પ્રાથમિક તપાસમાં સુધીર અને ભરતને એજન્ટ દિવ્યેશ પટેલે, કિરણ, નિખિલ અને ચંપાબેનને એજન્ટ ચતુરભાઈ પટેલે, જ્યારે અવની, ધ્રુવરાજ અને અંકિતને એજન્ટ ધવલ પટેલે મહેન્દ્ર પટેલ પાસે મોકલ્યા હતા. ગેરકાયદે રીતે મોકલવાની લિંકમાં મહેન્દ્રની આગળ અમેરિકામાં રહેતો વિજય ઉર્ફે મોન્ટુ છે. પોલીસ અનુસાર અમદાવાદથી બધાને મુંબઈથી એમ્સ્ટર્ડમ, એમ્સ્ટર્ડમથી સેન્ટ માર્ટિની અને સેન્ટ માર્ટિનીથી ડોમિનિકાથી સેંટ થોમસ થઈ દરિયાઈ માર્ગે આગળ લઈ જવાના હતા. આ ઉપરાંત આ નવ લોકોને ક્યારેક ગોડાઉન તો ક્યારેક મકાનમાં રાખવામાં આવતા હતા. છેલ્લે, બધા ડોમિનિકા ખાતે હતા. ત્યાંથી આગળ શું થયું એની કોઈને ખબર નથી. પ્રાંતિજ પોલીસે 2-3 ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. હાલમાં દિવ્યેશ પટેલ અને ચતુર પટેલ નામના એજન્ટને પકડી લેવાયા છે, જ્યારે મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ફરાર છે. જોકે મહેન્દ્ર પટેલ જ્યારે પકડાઈ ત્યારે જ ખરું સત્ય બહાર આવશે.
પોલીસે આ મામલે લાગતીવળગતી એમ્બેસીને જાણ કરી છે. આગળની કાર્યવાહી ચાલુ છે. જોકે ખરેખર આ નવ લોકો ક્યાં છે એ જે-તે દેશની એમ્બેસી કન્ફર્મ કરે ત્યારે જ ખ્યાલ આવશે.
પોલીસની પ્રાથમિક તપાસમાં નવ લોકોનાં નામ-ઉંમર સામે આવ્યાં છે, જે આ મુજબ છે.
1. અંકિતકુમાર કાંતિભાઈ પટેલ (33) (નારદીપુર, કલોલ)
2. કિરણકુમાર તુલસીભાઈ પટેલ (41) (આંબલિયાસણ, મહેસાણા)
3. અવનીબેન જિતેન્દ્રકુમાર પટેલ (31) (સરઢવ, ગાંધીનગર)
4. સુધીરકુમાર હસમુખભાઇ પટેલ (29) (હેડુઆ મહેસાણા)
5. પ્રતીક હેમંતભાઈ પટેલ (28) (ઉત્તરસંડા નડિયાદ, ખેડા)
6. નિખિલકુમાર પ્રહલાદભાઈ પટેલ ( 24) (સિપોર, વડનગર)
7. ચંપાબેન ફતેસિંહ વસાવા (42) (આંબલિયાસણ, મહેસાણા)
8. ધ્રુવરાજસિંહ બળવંતસિંહ વાઘેલા (20) (નારદીપુર, કલોલ)
9. ભરતભાઇ રબારી (વાઘપુર, પ્રાંતિજ)
.
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…
Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…
The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…