રાજકોટ7 કલાક પહેલા
- કૉપી લિંક
અમુલ ઇન્ડસ્ટ્રીઝના 400 કામદારોના રૂ.1.50 કરોડ ઉપરાંતના બાકી પગારો વ્યાજ તથા ખર્ચ સાથે ચુકવવાનો કંપનીને મજુર અદાલતે હુકમ કર્યો છે. રાજકોટની અમુલ ઇન્ડસ્ટ્રીઝના નામથી જાણીતી અને અનેક યુનિટો ધરાવતી કંપની પૈકીની આજી વસાહતમાં આવેલ અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. નામની કંપનીમાં કામ કરતા 400 ઉપરાંતના કામદારોને કંપનીએ નવેમ્બર 2022થી કામદારોને ફરજીયાત કામ ઉપર આવવા પરંતુ પગારો ચુકવવાનું બંધ કરાતા 400 ઉપરાંતના કામદારો તથા તેના પરિવારજનો ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલી અને જીવન જીવવું મુશ્કેલ બનતા કામદારોએ વડાપ્રધાન તથા મુખ્યમંત્રી, શ્રમ મંત્રી, ગૃહમંત્રી, રાજયના લેબર ડિપાર્ટમેન્ટ તથા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થની કચેરી સમક્ષ લેખીત રજૂઆતો કરેલી હતી.
કંપનીની બાંહેધરી બાદ કામદારોએ સમેટાયું પણ પગાર ન ચૂકવ્યો
અનેક રજૂઆતો છતાં કોઇ કાર્યવાહી ન થતા અને પગારો નહીં મળતા કામદારોએ જિલ્લા કલેકટરની કચેરી સમક્ષ રજૂઆતો કરેલી અને પોલીસ વિભાગમાં પણ રજૂઆતો કરેલી. જે પૈકી 3 કામદારોએ જિલ્લા કલેકટરની કચેરી પાસે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરેલ જે ત્વરીત સારવાર મળતા બચી જવા પામેલ, બાદમાં કામદારોએ નાયબ શ્રમ આયુકતની કચેરી સામે આમરણાંત ઉપવાસ પર ઉતરવા શ્રમ વિભાગની દરમ્યાનગીરીથી અને કંપનીના માલીકોએ પગાર ચુકવી આપવાની આપેલી બાંહેધરી અને ખાતરી આપતા કામદારોએ આમરણાંત ઉપવાસ આંદોલન સમેટી લીધેલું હતું. કંપનીના માલિકોએ આપેલી બાંહેધરી અને ખાતરીનો પણ કંપનીના માલીકોએ અમલ નહીં કરતા અને પગારની કોઇ રકમ નહીં ચુકવતા કામદારોએ પોલીસ વિભાગમાં પણ ફરીયાદ કરેલી ત્યારે પોલીસ વિભાગમાં પણ કંપનીના માલીકોએ પગાર ચુકવી આપવાની બાંહેધરી આપેલી હતી.
મજુર અદાલતમાં લ્હેણા પગાર ચુકવવા માગ કરી
કંપની તરફથી બાહેધરીનો અમલ ન થતા કામદારોએ સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ મારફત મજુર અદાલત રાજકોટ સમક્ષ નવે-2022થી બાકી લ્હેણા પગારો ચુકવવા માગ કરી હતી . ચાલતા કેસ દરમ્યાન કંપનીના કામદારો વિક્રમભાઇ સુખાભાઇ બકુત્રા તથા અનિલભાઇ વેગડાએ આત્મહત્યા કરેલ. કામદારોએ દાખલ કરેલ બાકી પગારના કેસોમાં રાજકોટના મજુર અદાલતના ન્યાયધીશ એન.એ.બ્રહ્મભટ્ટ તથા ન્યાયધીશ આર.પી.સુથાર માત્ર ત્રણ માસ કરતા ઓછા સમયમાં ઝડપી ન્યાય નિર્ણય કરીને 400 કામદારોના અંદાજીત રૂપિયા 1.50 કરોડ ઉપરાંતના બાકી પગારો વ્યાજ તથા ખર્ચ સાથે દિવસ 30માં ચુકવી આપવા કંપનીને હુકમ કરેલ છે.
.