અમદાવાદ20 મિનિટ પહેલા
- કૉપી લિંક
શહેરમાં વીજચોરીના બનાવો વધી રહ્યાં છે, ત્યારે વીજચોરી પકડવા માટે ગયેલા ટોરેન્ટના કર્મચારીઓ પર મકાનમાલિકના બે પુત્રોએ છરીથી હૂમલો કર્યો હતો. એક કર્મચારીને છરી મારીને લોહીલુહાણ કરી નાખતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ટોરેન્ટના સિક્યુરિટી ઓફિસરે ફરિયાદ કરતાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટોરેન્ટના કર્મચારીઓને ગાળો બોલીને હૂમલો કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરાઈવાડી ઝોનમાં ટોરેન્ટના સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા પંકજ ચૌધરીએ ઈસનુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આજ સવારે ટોરેન્ટ પાવરની અમરાઇવાડી ખાતેની ઓફિસથી વિજિલિયન્સ ટીમના અધિકારી એન જે શાહ તથા એ.પી પટેલ તથા ટેકનીશીયન વિજય રતિલાલ પરમાર તથા અન્ય ટીમના માણસો સાથે ઇસનપુર વિસ્તારમાં સુર્યનગર ચોકીની આસપાસ વિજ ચેકિંગ તથા અનઅધિકૃત રીતે વપરાતા પાવરમાં લાગેલ વીજ વાયરો કાઢવાની કામગીરી કરવા માટે રવાના થયા હતાં.
પતિ-પત્ની કર્મચારીઓ પર ઉશ્કેરાઇ ગયા
આ ટીમ સૂર્યનગર ચોકીની સામે આવેલ છાપરામાં રહેતા મુસ્તાક દિવાનના મકાનમાં વિજ ચેકિંગ તથા વાયરો કાઢવાનું ચેકિંગ કરતી વખતે આ મુસ્તાકના ઘરમાં વીજચોરી થતી હોવાનું જણાયું હતું. આ બાબતે મુસ્તાક તથા તેની પત્ની શેરબાનુંને આ વાતની જાણ કરતા આ બંને પતિ-પત્ની અમારા સાથી કર્મચારીઓ ઉપર ઉશ્કેરાઇ ગયા હતાં અને ગંદી ગાળો બોલતા હતાં. અહિંથી જતા રહો પોલીસ અમારું કંઈ બગાડી નહીં લે તેમ જોર જોરથી બૂમો પાડતા હતાં.
સાથી કર્મચારીમાંથી કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો
જેથી પંકજભાઈએ તેમને ગાળો નહીં બોલવા સમજાવતા મુસ્તાક સ્ટાફના વિજયભાઈ સાથે જપાજપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેના બે દીકરા પોતાના હાથમાં એક એક છરી લઈ પાછળથી આવી છરીનો એક ઘા કર્મચારી વિજય પરમારના જમણા હાથના બાવડા પર મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. આ જ વખતે સમીર તેના હાથ માની છરીનો ઘા વિજયભાઈ ઉપર કરવા જતા પંકજભાઈ તથા અન્ય સાથી કર્મચારીઓ વચ્ચે પડી અને સમીરનો હાથ પકડી લીધો હતો. ત્યારબાદ સાથી કર્મચારીમાંથી કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. મુસ્તાક તથા તેના બંને દીકરા સાથે મળી વિજયભાઈને શરીરે માર મારવા લાગ્યા હતા. જેથી અમો તથા સાથી કર્મચારીઓએ આ વિજયભાઈને વધુ માર માથી છોડાવ્યા હતા.
જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
આ દરમ્યાન સમીર અને ચણા વિજયભાઇને ગદીંગાળો બોલતા બોલતા જણાવેલ કે, હવે પછી અમારા ઘરની આજુબાજુમાં લાઈટ ચેક કરવા માટે આવતા નહીં, નહિતર તમને બધાને જાનથી મારી નાખશું. તેવી ધમકી આપીને આ બંને ભાઈઓ ત્યાંથી ભાગી ગયા હતાં. આ વિજયભાઈને વધુ લોહી નીકળતા દુખાવો થતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ એલ.જી હોસ્પિટલ ખાતે લઈ જતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે નારાયણા હોસ્પિટલ રખિયાલ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલમાં વિજયભાઈને એ આર.ટી.યુ વોર્ડમાં દાખલ કરેલ છે અને હાલમાં તેમની સારવાર ચાલુ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
.