- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Claims With Government And Insurance Company Regarding Dues Under PMJAY Scheme Of Hospitals In Ahmedabad, About 50 Percent Of The Amount Is Pending For The Last One two Years.
અમદાવાદ29 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA) અને ગુજરાત રાજ્યની હોસ્પિટલોના પ્રતિનિધિઓ, PMJAY યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોની લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગેની ફરિયાદોના નિરાકરણ અને તેમને પડતી મુશ્કેલીઓ, ચુકવણી અને અન્ય પડકારો માટે માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા હતા. PMJAY યોજનાના લગભગ રૂ. 650 કરોડ કરતા વધારે રકમ લેવાની નીકળે છે, જેને તાકીદે સરકાર ચુકવણી કરે તેની રજુઆત કરી હતી. રૂષિકેશ પટેલે પ્રશ્નોના નિકાલ માટે MA/PMJAY યોજના માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. આ અંગે વિગતવાર ચર્ચા કરી હોસ્પિટલોના પડતર પેમેન્ટના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અને તાત્કાલિક નિરાકરણ લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી.
રૂ. 650 કરોડ કરતા વધારેની રકમ બાકી
AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવી અને ઉપ પ્રમુખ ડો. વિરેન શાહએ આ મુદ્દાઓ પર વિગતવાર જણાવ્યું હતું કે સરકારે લગભગ રૂ. 650 કરોડ કરતા વધારેની બાકી ચૂકવણી તાકીદે કરવી જોઈએ. લગભગ 50 ટકા રકમ છેલ્લા એક-બે વર્ષથી પેન્ડિંગ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરીએ છીએ.
વીમા કંપનીઓને PMJAYની ચૂકવણી અનિયમિત
લગભગ 500 કરતા વધારે ખાનગી અને ટ્રસ્ટ હોસ્પિટલો છે કે, જે PMJAY દર્દીઓને સેવા પૂરી પાડે છે. હોસ્પિટલો PMJAY યોજના હેઠળ બાકી લેણાં અંગે વીમા કંપનીઓ / PMJAY યોજના સાથે સંબંધિત અધિકારીઓ સાથે વારંવાર નિયમિત ફોલો-અપ લઈ રહી છે પરંતુ, આજ દિન સુધી આ સંદર્ભે કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. આમાંની કેટલીક હોસ્પિટલો ખરાબ નાણાકીય પરિસ્થિતિમાં છે કારણ કે, છેલ્લા ત્રણ વર્ષથી MA / PMJAY યોજનામાં વીમા કંપનીઓને સામેલ કરી હતી ત્યારથી વીમા કંપનીઓને PMJAYની ચૂકવણી અનિયમિત છે.
હોસ્પિટલોને ચૂકવણી કરવામાં રસ ધરાવતા નથી
જો કે, રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ અને વીમા કંપનીના અધિકારીઓ બિનજવાબદાર જણાય છે અને તેઓ હોસ્પિટલોને ચૂકવણી કરવામાં રસ ધરાવતા હોય તેવું લાગતું નથી. આમાંના કેટલાક સરકારી અધિકારીઓનું આ પ્રકારનું વલણ સરકારની લોકપ્રિય યોજનાને ચાલુ રાખવામાં રસ ધરાવતા ના હોય તેવું જણાઈ રહ્યું છે. AHNA અનુસાર, જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનું સંચાલન કરવામાં આવતું હતું ત્યારે ઘણી ઓછી સમસ્યાઓ હતી. જ્યારથી વીમા કંપનીઓને મેનેજમેન્ટ માટે બોલાવવામાં આવી છે ત્યારથી ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ છે.
રાજ્ય સરકારને તાત્કાલિક ચૂકવણી કરવા અપીલ
AHNA એ રાજ્ય સરકારને તાત્કાલિક ચૂકવણી કરવા અપીલ કરી છે, જેથી હોસ્પિટલો આ દર્દીઓની સારવાર ચાલુ રાખી શકે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે જેથી આ યોજના દ્વારા અમે દર્દીઓને સેવા પૂરી પાડવાનું ચાલુ રાખી શકીએ કારણ કે, આ યોજના ખરેખર ગરીબ દર્દીઓ માટે ફાયદાકારક છે. AHNA યોજનાને વધુ પ્રબળ બનાવવા અને લાભાર્થીઓને સારી સેવાઓ પ્રદાન કરવા સરકાર સાથે મળીને કામગીરી કરવા કટિબદ્ધ છે.
.