અમદાવાદના 113 જંકશન પર 288 રથયાત્રા- તાજીયાના રૂટ પર 49 અને AMC પ્રિમાઇસિસના 289 કેમેરા બંધ હાલતમાં | 288 Rath Yatra cameras at 113 junctions in Ahmedabad – 49 on Tajiya route and 289 cameras of AMC premises are off.

Spread the love

અમદાવાદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં લાગેલા CCTV કેમેરા બંધ હાલતમાં હોવાથી અનેક વખત સવાલો ઉભા થતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી. અંતર્ગત વિવિધ જગ્યાઓ પર 5,629 જેટલાં કેમેરા લગાવવામાં આવેલાં છે. જેમાં 636 કેમેરા હાલ બંધ હાલતમાં હોવાની સ્પષ્ટતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટની શરૂઆતમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મોનિટરીંગ માટે આપવામાં આવેલ લિસ્ટ મુજબ કુલ 130 જંકશન પૈકી હાલ 113 જંકશન પર 1,695 કેમેરા કાર્યરત છે. જે પૈકી 288 કેમેરા બંધ છે. રથયાત્રા અને તાજીયાના રૂટ પર પોલીસના સર્વેલન્સ માટે જાહેર માર્ગો પર હાલ 272 કેમેરા લગાવવામાં આવેલા છે, જે પૈકી 49 કેમેરા બંધ છે.

BRTS કોરીડોરમાં 244 કેમેરામાંથી 10 કેમેરા બંધ
મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કચેરીઓ અને પ્રિમાઈસીસ જેવાં કે ઝોનલ અને વોર્ડ ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટર, બગીચાઓ, મ્યુનિ. શાળાઓ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર વિગેરે ખાતે 2691 જેટલાં કેમેરા કાર્યરત છે. જે પૈકી હાલ 289 કેમેરા બંધ છે. આ BRTS કોરીડોરમાં અનઅધિકૃત વાહનોનાં પ્રવેશને અટકાવી શકાય તે હેતુસર BRTS કોરીડોરમાં 244 કેમેરા લગાવવામાં આવેલ છે. જે પૈકી 10 કેમેરા બંધ છે.તેમ જણાવવામાં આવ્યું છે.

ટેક્નિકલ કારણોસર કેમેરા બંધ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મિહિર પટેલે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી અમદાવાદ ડેલપમેન્ટ લી. હસ્તક સેફ એન્ડ સિક્યોર અમદાવાદ (SASA) પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલ કેમેરા પૈકી 85થી 90 ટકા જેટલાં કેમેરા કાર્યરત રહે છે અંદાજે 10-15 ટકા જેટલાં કેમેરા જ ટેક્નિકલ કારણોસર બંધ રહે છે. BSNL દ્વારા આપવામાં આવેલા કનેક્ટીવીટી, પાવર સોર્સ, હાર્ડવેર પ્રોબ્લેમ વિગેરે જેવાં વિવિધ ટેકનિકલ બાબતોના કારણે આ કેમેરા બંધ રહે છે, જેને લઇ BSNL કંપનીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેનલ્ટી પણ કરવામાં આવી છે. પાલડી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવે છે અને રોજબરોજ કેમેરાનાં મેન્ટેનન્સની કામગીરી એજન્સી મારફતે કરાવવામાં આવે છે.

રિનોવેશન અને શિફ્ટિંગના કારણે અત્યાર સુધીમાં 722 કેમેરા બદલ્યા
સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં જે-તે સમયની જરૂરિયાત મુજબ પોલીસ વિભાગ, BRTS અને AMCનાં વિવિધ વિભાગોનાં સંકલનમાં રહીને પોલીસ સર્વેલન્સ, અ. મ્યુ. કો. કચેરીઓનાં સર્વેલન્સ, BRTS કોરીડોરમાં પ્રવેશતાં અનધિકૃત વાહનોનાં સર્વેલન્સ, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી માટે ઈ-મેમો માટેનાં જંકશન સર્વેલન્સ એવાં કારણોસરનાં અંદાજે સમયાંતરે શહેરભરમાં ચાલતાં વિકાસલક્ષી કાર્યો જેવાં કે, ઓવરબ્રિજ બનાવવા, રોડ વાઈડીંગ, સેન્ટ્રલ વર્જ બ્યુટીફીકેશન, મેટ્રોને લગતાં કામો, બુલેટ ટ્રેનને લગતાં કામો, રોડ રી-ડેવલપમેન્ટ, બિલ્ડીંગ રીનોવેશન/શીફ્ટીંગ વગેરે જેવાં કારણોસર અત્યાર સુધીમાં 727 કેમેરા બદલવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ
તાજેતરમાં જ ઇસ્કોન બ્રિજ અને અલગ-અલગ અકસ્માતોમાં CCTV કેમેરા બંધ હોવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા કેમેરા બંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટતા કરવા આવી છે કે, માત્ર 10થી 15 ટકા જ કેમેરા બંધ હાલતમાં છે. બંધ હોવાને લઈ પોલીસ વિભાગ દ્વારા જે પત્ર લખવામાં આવે છે, તે તમામ પત્રોનો જવાબ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ શહેરભરમાં વધુ કેમેરા લગાવવાનું આયોજન
અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી ઉપરાંત અન્ય સંસ્થાઓ જેમ કે, પોલીસ વિભાગ, NHAI વગેરે દ્વારા પણ કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવેલા છે. પોલીસ વિભાગ દ્વારા city Survellance and Intelligent Traffic Monitoring System (CSITMS) પ્રોજેક્ટ અંતર્ગત અંદાજીત 220 PT2 કેમેરાનું સંચાલન કરવામાં આવે છે. નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ વધુ 737 જેટલાં કેમેરા શહેરભરમાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમેરાનાં ઈન્સ્ટોલેશન, મોનીટરીંગ અને સંચાલનની કામગીરી પોલીસ વિભાગ દ્વારા જ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત NHAI દ્વારા SG હાઇ-વે પર CCTV લગાવવાની અને કંટ્રોલ રૂમ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *