મુંબઈએક કલાક પહેલા
- કૉપી લિંક
- ચારથી પાંચ ફ્લેટને નુકસાન થઈ ગયા બાદ 168 પરિવારનું સ્થળાંતર
રાયગડ જિલ્લામાં ઈરશાળવાડીની દુર્ઘટના તાજી છે ત્યાં મુંબઈના અંધેરી પૂર્વમાં મહાકાલી રોડ પર ગુરુનાનક સ્કૂલ નજીક પહાડી વિસ્તારમાંથી ભેખડ ધસી પડ્યા પછી માટી અને પથ્થરો નીચે આવેલી રામબાગ કો-ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી પર પડ્યા હતા.
આ દુર્ઘટના સોમવારે મધરાત્રે 02.01 કલાકે બની હતી. ભોંયતળિયું વત્તા સાત માળની ઈમારતની સંરક્ષક દીવાલ પરથી માટી અને પથ્થરો લસરીને પહેલા અને બીજા માળ સુધી આવ્યા હતા. ચારથી પાંચ ફ્લેટમાં માટી અને પથ્થરો ઘૂસી ગયા હતા. આથી મહાપાલિકા દ્વારા આ ઈમારતના 168 ફ્લેટમાં રહેતા પરિવારોને તુરંત ઘર ખાલી કરાવવામાં આવ્યાં હતાં. તેમને ગુંદવલી સ્થિત મહાપાલિકાની શાળામાં હંગામી ધોરણે મુકામ આપવામાં આવ્યો હતો.
આ દુર્ઘટના બની ત્યારે ઈમારતના નાગરિકો ભરઊંઘમાં હતા. ભેખડ ધસી પડવાથી બોમ્બ ફાટ્યો હોય તેવો અવાજ અવાજ આવતાં તેઓ જાગી ગયા હતા, જે પછી ગભરાટ ફેલાયો હતો. ફાયરબ્રિગેડ, મુંબઈ પોલીસ, મહાપાલિકાના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને નાગરિકોનું સ્થળાંતર કર્યું હતું. આ સોસાયટી 23 વર્ષ જૂની છે. સદનસીબે કોઈ જાનમાલ હાનિ થઈ નહોતી કે કોઈને ઈજા પહોંચી નહોતી, પરંતુ સુરક્ષાનાં કારણો રહેવાસીઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
ગોરેગાવમાં જમીન ધસી પડી દરમિયાન ગોરેગાવ પૂર્વમાં આઈટી પાર્ક નજીક સંરક્ષક દીવાલ તૂટી પડતાં નાળા નજીકનો રસ્તો ઘસી પડ્યો હતો, જેમાં એક ટેમ્પો અટકી પડ્યો હતો. આ દુર્ઘટનાને લીધે વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. સોમવારે રાત્રે 8.30 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ.
.