રાજકોટ24 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટમાં કોઠારીયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતા ઉમેશ હીરાભાઈ ભારદીયા (ઉં.વ.42) નામનો યુવાન સ્વાતિ પાર્કમાં રહેતા મિત્ર પરેશભાઈ બાવળિયા સાથે બાઈક પર સાત દિવસ પહેલા ચોટીલા પૂનમ ભરવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વેળાએ બેટી ગામ પાસે ખૂટીયો આડે ઉતરતા બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા ઉમેશ અને પરેશ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન ઉમેશએ દમ તોડી દેતા મોત નીપજ્યું છે. મૃતક ઉમેશ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા અને જમીન મકાન લે-વેચનું કામકાજ કરતા હતા. બનાવને પગલે એરપોર્ટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
તબીબે મહિલાને મૃત જાહેર કરી
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે શાલીગ્રામ એપાર્ટમેન્ટ બી 1102માં રહેતા પ્રદીપ છોટાલાલ ધામેલીયા (ઉ.વ.67) તથા તેમના પત્ની ચંદ્રિકાબેન પ્રદીપભાઈ (ઉં.વ.63) બંને ગઈકાલ સાંજના એક્ટિવા લઇ કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર સામે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી રિક્ષાના ચાલકે એક્ટિવાને પાછળથી ઠોકર લેતા દંપતિ રોડ પર પટકાયા હતા. જેમાં ચંદ્રિકાબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમના માથાના ભાગે તથા નાકમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. બાદમાં અકસ્માત સર્જનાર રિક્ષાચાલક જ પોતાની રિક્ષામાં ચંદ્રિકાબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં ચંદ્રિકાબેનના પતિ પ્રદીપભાઈને પણ નાની મોટી ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
રિક્ષાચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી
અકસ્માતમાં મોતને ભેટનાર ચંદ્રિકાબેનને સંતાનમાં બે પુત્ર છે. અહીં તે પોતાના મોટા પુત્ર નિખિલ સાથે રહેતા હતા, જ્યારે તેમનો નાનો પુત્ર અમેરિકામાં રહે છે. ગઈકાલ સાંજે પાંચેક વાગ્યાના આસપાસ પતિ-પત્ની હાલ જન્માષ્ટમીનો તહેવાર હોય તેથી ઘરેથી ખરીદી કરવા માટે નીકળ્યા હતા. સાડીના શોરૂમથી સાડીની ખરીદી કર્યા બાદ પતિ-પત્ની બંને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. આ અંગે પ્રદીપ ધામેલીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
.