બનાસકાંઠા (પાલનપુર)28 મિનિટ પેહલા
- કૉપી લિંક
GCMMF ની AMUL બ્રાન્ડ હેઠળ ડેરી ઉદ્યોગમાં અગ્રણી નામ ધરાવતી બનાસ ડેરીએ સુઝુકી આર.એન્ડ.ડી સેન્ટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ SRDI જે સુઝુકી મોટર કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB સાથે ત્રિ-પક્ષીય કરાર પર હસ્તાક્ષર કરીને આજે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સુઝુકી મોટર કોર્પોરેશન, ભારત અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB સાથે મળીને બનાસ ડેરી પશુ છાણ આધારિત બાયોગેસ ઉત્પાદન પ્લાન્ટો સ્થાપવા જઇ રહી છે. જેમાં સુઝુકી મોટર કોર્પોરેશન તકનીકી તેમજ આર્થિક સહાય સાથે મદદરૂપ થશે.
જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જની હાજરીમાં આજે જાપાનના ટોક્યો ખાતેના ભારતીય દૂતાવાસમાં ટી સુઝુકી પ્રમુખ, સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાન શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ ગુજરાત વિધાન સભા અને ચેરમેન – બનાસ ડેરી, મીનેશ શાહ ચેરમેન – એનડીડીબી, જયેન મહેતા મેનેજિંગ ડિરેક્ટર–જી. સી. એમ. એમ. એફ – અમુલ) અને શ્રી સંગ્રામ ચૌધરી મેનેજિંગ ડિરેક્ટર – બનાસ ડેરી દ્વારા આ અંગેના એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આગાઉ બનાસ ડેરીએ ડિસેમ્બર 2022 માં સુઝુકી અને NDDB સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરીને આ અંગેની વાટાઘાટો શરૂ કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદેશ ભારતને સ્વચ્છ બનાવવા અને ખેડૂતોને તેમના પશુપાલન વ્યવસાયની આડપેદાશોમાંથી વધારાની આવક મેળવવામાં મદદરૂપ થવાનો છે. આગળ જતાં પશુઓના છણમાંથી મેળવાયેલી બાયો સી. એન. જીની આ ક્લીન એનર્જિ માંથી ગ્રીન હાઇડ્રોજન તેમજ લિક્વિડ બાયો-મિથેન LBM નું ઉત્પાદન કરી ગ્રીન એનર્જીના સ્ત્રોત તરીકે વધુ ઉપયોગ કરી શકાશે.આજે કરાયેલા કરારો મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2025 સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે તમામ પક્ષોની પરસ્પર સમજૂતી મુજબ આ પ્લાન્ટોની સંખ્યા વધારો પણ કરવામાં આવશે. આ પ્લાન્ટો પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણને જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, તથા અંદાજિત 230 કરોડના કુલ રોકાણ સાથે ગ્રીન અને ક્લીન એનર્જિ પણ ઉત્પન્ન કરશે CNG વાહનો માટે બળતણનું વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટની સાથે બાયોગેસ ફિલિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે તદઉપરાંત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જૈવિક ખાતરનું ઉત્પાદન પણ આ બાયોગેસ પ્લાન્ટો થકી કરવામાં આવશે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ થકી આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નદૃષ્ટા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ગોબરધન પ્રોજેક્ટ થકી સ્વચ્છ ઊર્જા અને પ્રાકૃતિક ખેતીનાં ક્ષેત્રે હરણફાળ ભરવા બનાસ ડેરી જઈ રહી છે. માનનીય વડાપ્રધાનના વિઝનને અંતર્ગત નેટ કાર્બન ન્યૂટ્રાલિટી તથા સરક્યુલર ઇકોનોમીને હાંસિલ કરવા માટે એક પારોઢનું પગલું છે. માનનીય વડાપ્રધાનના હરિયાળું ભારત અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોને વેગવંત બનાવશે. આ પ્રોજેક્ટ્સ થકી બનાસકાંઠા જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો તથા ઉર્જા સ્વનિર્ભર જિલ્લો બનાવવાના તરફનું એક પ્રયાણ છે. અમને આજે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં હિસ્સેદાર થવાનો ગર્વ છે.