પંચમહાલ (ગોધરા)9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોધરા નગપાલિકા વોર્ડ નં.1માં સમાવેશ થતા ખાડી ફળીયા વિસ્તારમા ચોમાસાના વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપી તેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે પીવાના પાણીની પાઇપ લાઇનમા ભંગાણ પડ્યું હતું.
ત્યાંના સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે આ કામગીરીના કારણે છેલ્લા એક અઠવાડિયાથી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતાં અને મુખ્ય માર્ગ ઉપર પાઇપ/ભુંગળા રસ્તાની વચોવચ મૂકી દેવામાં આવતા ત્યાંના સ્થાનીક રહીશોને અવર જવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં સચ્ચિદાનંદ, ગાયત્રી સોસાયટી, અમન સોસાયટી, રામેશ્વર નગર, નાડીયાવાસ જેવી અનેક સોસાયટી આવેલી છે. જ્યાં મુખ્ય માર્ગ ઉપર જ ભુંગળા/પાઇપ મૂકી દેવામાં આવતા ત્યાંના સ્થાનિક લોકો અને વાહનચાલકને આવજાવ કરવા માટે ભારે વિપદા પડી રહી છે.
દેવ તલાવડી ચોકડીથી ખાડી ફળીયા વિસ્તારમાનો આ મુખ્ય માર્ગ છે. ત્યારે બીજી બાજુ શહેરા ભાગોળ ખાતે પણ અંડર બ્રીજની કામગીરી ચાલુ છે. ત્યારે આ વિસ્તારમા રહેતા લોકો માટે આ રસ્તો મુખ્ય માર્ગ બની ગયો છે. કોન્ટ્રાકટર દ્વારા અડચણરૂપ રસ્તા પર મૂકેલા ભુંગળા/પાઇપના લીધે અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે.
સાથે સાથે દેવ તલાવડી ચોકડીથી ખાડી ફળીયા વિસ્તારના રોડ પર અડધા ફૂટ ખાડા પણ પડી ગયા છે. તે પણ પાલિકા દ્વારા યોગ્ય સમારકામ કરી ખાડા પૂરવામાં આવે તેવી માગ પણ ઉઠવા પામી છે. બીજી બાજુ આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટ પણ બંધ રહે છે અને રાત્રી દરમિયાન અવરજવર કરતા રાહદારી અને વાહનચાલકોને અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ? એવા અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે.
.