- બોળ ચોથને બહુલા ચોથના નામે પણ ઓળખાય છે
- આ દિવસે સુધારેલું શાક અને ઘઉં આરોગવા નહીં
- યોગ્ય રીતે વ્રત કરવાથી મળશે યોગ્ય ફળ
શ્રાવણ માસની ચોથ એટલે બોળ ચોથ. કેટલીક જગ્યાઓએ તેને બહુલા ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. આવતીકાલે એટલે કે રવિવાર અને 3 સપ્ટેમ્બરના રોજ બોળ ચોથના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમયે અનેક મહિલાઓ વ્રત રાખે છે. આ વ્રત સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે અને સાથે જ કેટલાક કામ ન કરવાની અને ઘઉંની વાનગીઓ ન ખાવાની પરંપરા છે. તો જાણો આ દિવસે શું ખાવું અને શું ન કરવું.
બોળ ચોથના આ દિવસે મહિલાઓ વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવી તેવી માન્યતા છે. આ દિવસ સાથે કેટલીક પૌરાણિક વાતો પણ જોડાયેલી છે. જેને અનુસરીને આ કામ કરવામાં આવે છે. વ્રત માટેની ખાસ રીત પણ છે. જો તમે યોગ્ય રીતે વ્રત કરો છો તો તમે તેનું યોગ્ય ફળ મેળવી શકો છો.
તહેવારોનું છે અલગ મહત્વ
હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખું મહત્વ હોય છે. જો કે દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતરિવાજને પણ અનુસરવામાં આવતાં હોય છે. એકસાથે આવી રહેલા સળંગ તહેવારોના કારણે તમે તેની મજા પણ માણી શકો છો.
જાણો શું જમવું અને શું ન કરવું
પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપ્યો હતો. ગાયના વાછરડાનું નામ ઘઉંલો હતું અને એથી વહુ એને ખાંડીને એની રસોઈ બનાવી દે છે. માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે કયારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી અથવા કોઈ પણ ચીજ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. આ કારણે એ દિવસથી મગ અને બાજરીના રોટલા જમવાનો રિવાજ શરૂ થયો હતો.