રાજકોટ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
- જ્ઞાતિવાદ-જૂથવાદ અને લોકસભાની ચૂંટણી ધ્યાને રાખી નિમણૂક થશે
- મેયર સહિતના મુખ્ય 5 હોદ્દા માટે 12મીએ જનરલ બોર્ડમાં થશે જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહિતના મુખ્ય પાંચ નવા પદાધિકારીઅોની પસંદગી માટે શુક્રવારે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી, ભાજપના તમામ 68 કોર્પોરેટરે મહત્વના હોદ્દા માટે પોતાની ઇચ્છા નિરીક્ષકો સામે વ્યક્ત કરી હતી, સેન્સની રૂટિન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પ્રદેશ ભાજપે નક્કી કરેલા કોર્પોરેટરની મહત્વના હોદ્દા માટે 12મી સપ્ટેમ્બરે જાહેરાત થશે.
મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોની પસંદગી માટે ભાજપે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, રાજકોટ મહાનગરપાલિકાના બીજી ટર્મના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક આ પાંચ મુખ્ય હોદ્દા માટે શુક્રવારે રાજકોટમાં ‘કમલમ’ ખાતે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી.
પ્રદેશમાંથી નિયુક્ત થયેલા પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડિયા, જૂનાગઢના પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર અને પ્રદેશના આગેવાન બ્રિજરાજસિંહ ઝાલા નિરીક્ષક તરીકે કાર્યાલયે આવી પહોંચ્યા હતા, સૌપ્રથમ તમામ 68 કોર્પોરેટરને સામૂહિક રીતે નિરીક્ષકોએ સંબોધીને પોતાની વાત નિર્ભીક રીતે રજૂ કરવા જણાવ્યું હતું, કોર્પોરેટર બાદ શહેર પ્રમુખ તેમજ સંગઠનની તેમની ટીમને પણ નિરીક્ષકો મળ્યા હતા. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષક જયંતીભાઇ કવાડિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તમામ કોર્પોરેટરને સાંભળવામાં આવ્યા છે,
તેમની લાગણી પ્રદેશના આગેવાનો સમક્ષ રિપોર્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવશે અને પદાધિકારીઓની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરશે, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, શિસ્તબધ્ધ રીતે તમામ કોર્પોરેટરે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. પદાધિકારીઓની પસંદગીમાં જૂથવાદ-જ્ઞાતિવાદ અને 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવશે, સેન્સ માત્ર નાટક સાબિત થશે પરંતુ પ્રદેશમાંથી જે નામ નક્કી થશે તેની જ પસંદગી થશે તેવી ચર્ચાઓ પણ શરૂ થઇ હતી. આગામી તા.12મીએ પદાધિકારીઓની નિમણૂક થશે.
.