અમદાવાદ5 કલાક પેહલા
- કૉપી લિંક
રખડતા ઢોર મામલે અવારનવાર CNCD વિભાગના અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પણ યોગ્ય કાર્યવાહી થતી નથી. જેના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ ફટકાર લગાવવામાં આવતી હતી. આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને રીવ્યુ બેઠક દરમિયાન CNCD વિભાગના વડા નરેશ રાજપૂતનો ઉધડો લઈ લીધો હતો. કમિશનરે નરેશ રાજપૂતને સ્પષ્ટ રીતે સંભળાવી દીધું હતું કે શહેરમાં ઢોર નિયંત્રણ પોલિસીનો યોગ્ય રીતે અમલ કરાવો નહીં તો તમારી સામે કડક પગલાં ભરવામાં આવશે.
સ્ટાફ અને સાધનો મળવા છતાં પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર નહી
મ્યુનિસિપલ કમિશનરે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે, જ્યારે પહેલા તમને ઢોર પકડવા માટે કહેતા હતા તો તમે પૂરતા પ્રમાણમાં સાધનો અને સ્ટાફનો અભાવ હોવાથી વાત કરતા હતા, જેથી તમને પૂરતા પ્રમાણમાં સ્ટાફ અને સાધનોની ફાળવણી કરવામાં આવી તેમછતાં પણ આજે પરિસ્થિતિ જેવી હતી તેવી જ છે. ઢોર પકડવાની કામગીરી ડીસેન્ટ્રલાઈઝ કરી અને ઝોનમાંથી કાર્યવાહી કરવા માટેની સૂચના આપી દીધી છે છતાં પણ યોગ્ય કામગીરી થતી નથી.
વોટર પોલ્યુશનની ફરિયાદો સૌથી વધુ મળી
રખડતા ઢોર મામલે નારાજગી દર્શાવ્યા બાદ તેઓએ શહેરમાં રોડ રસ્તા મામલે અધિકારીઓને સૂચના આપી હતી કે હવે વરસાદ બંધ થઈ ગયો છે અનેક જગ્યાએ હજી પણ ખરાબ રોડ ખાડા છે. ફૂટપાથો પણ તૂટેલી જોવા મળે છે, જેથી ઝડપથી રોડ રસ્તા સરખા અને નવા બનાવવામાં આવે ફૂટપાથો સરખી કરવામાં આવે. મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં જે રીતે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, તે મામલે પણ નારાજગી વ્યક્તિ કરી હતી. વોટર પોલ્યુશનની ફરિયાદો સૌથી વધુ મળી રહી છે. ડ્રેનેજ અને પીવાના પાણી મિક્સ થવાના કારણે રોગચાળો ફેલાતો હોય છે, જેથી જ્યાં પણ વોટર પોલ્યુશનની ફરિયાદો હોય તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે.
.