વડોદરા40 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- ગત વર્ષે પણ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ અપાયો ન હતો
- ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીને હોસ્ટેલમાં એડમિશન બાબતે વિવાદ
મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીને હોસ્ટેલમાં એડમીશન બાબતે વિવાદ થયો છે. મેડિકલ કોલેજે એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલા જે.એમ.હોલમાં 200 બેઠકો માંગી છે. જે મેડિકલ અને પેરામેડિકલના નામે માંગવામાં આવી છે. જોકે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓનું સંગઠન ચલાવતા ફિઝિયો સેતુના પ્રમુખ દ્વારા ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓએ માટે બેઠકો રીઝર્વ રાખવા માંગ કરી છે. ગત વર્ષે પણ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમીશન મળ્યું ના હતું.
મેડિકલ કોલેજના ફીઝીયોથેરાપી કોર્સના વિદ્યાર્થીને હોસ્ટેલમાં એડમીશન માટે બે વર્ષથી સમસ્યા હોવાને પગલે ફીઝીયો સેતુએ સત્તાધીશોને રજૂઆત કરી છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોયઝ હોસ્ટલમાં આવેલા જે.એમ.હોલમાં પ્રવેશ લેતા હોય છે. મેડિકલ કોલેજ દ્વારા જે.એમ.હોલમાં 200 બેઠકો મગાઇ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સપ્ટેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા થશે. ફીઝીયો સેતુના પ્રમુખ ગુંજન કાકડીયાએ જણાવ્યું કે જે.એમ.હોલમાં મેડિકલ અને પેરામેજિકલના નામે પ્રવેશ માંગવામાં આવ્યો છે પરંતુ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ જે પેરામેડિકલમાં છે તેમને પ્રવેશ મળતો નથી.
આ વર્ષે રજૂઆતો કરી હતી જોકે યોગ્ય જવાબ મળ્યો નથી. ફિઝિયો સેતુએ સત્તાધીશોને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે ફિઝિયોથેરાપી વિભાગ 54 વર્ષથી છે જે ફેકલ્ટી ઓફ મેડિસનમાં છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવાની અગવડ અનુભવે છે. છતાં ઉકેલ આવ્યો નથી. ફિઝિયોથેરાપીના એડમિશન અંતમાં થતાં હોવાથી હોસ્ટેલમાં રૂમ ખાલી રહેતા નથી. વિદ્યાર્થીઓને બહાર રહેવું પડે છે. જે બધા માટે આર્થિક રીતે શક્ય નથી. વિભાગમાં 500થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. 331 બહારથી આવેલા છે. હોસ્ટેલમાં છોકરાઓ માટે 60, છોકરીઓ માટે 80 સીટો રિઝર્વ કરવામાં આવે.
બે હોસ્ટેલ હોવા છતાં એડમિશન માટેનાં ફાંફાં
ફિઝિયો સેતુના પ્રમુખ ગુંજન કાકડીયાએ કહ્યું હતું કે, મેડિકલ કોલેજ પાસે પોતાની બે હોસ્ટેલ આવેલી છે સાથે નવી 9 માળની હોસ્ટેલ તૈયાર થઇ ગઇ હોવા છતાં પણ પેરામેડિકલના વિદ્યાર્થીઓ જેમાં પણ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ માટે ફાંફા મારવા પડે છે.
.