બોટાદએક કલાક પેહલા
- કૉપી લિંક
બોટાદ જિલ્લાના બરવાળાના સાળંગપુર ધામ ખાતે છેલ્લા ઘણા દિવસોથી મંદિરમાં બનાવેલી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની નીચે લાગેલા ભીંતચિત્રને કારણે કરોડો ભક્તોની લાગણી દુભાઇ છે. આ વિવાદિત ભીંતચિત્રમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીનાં દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આજરોજ વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી દાદાનું અપમાન થયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા. બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ છે. જે મૂર્તિમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આ મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. વડોદરા અને રાજકોટના કેટલાક ધર્મ ગુરુઓ અને હિન્દુ સંગઠનોમાં આ બાબતે ભારે રોષ વ્યાપ્યો છે.
સ્વામિનારાયણના સાધુને ફળહાર અર્પણ કરતા દર્શાવાયા
યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાનજીની વિશાળ કદની પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’ના ભીંતચિત્રોને લઇને વિવાદ સર્જાયો છે. જેમાં એક ભીંતચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણને બે હાથ જોડી વંદન કરતા દર્શાવાયા છે. સાથે જ વિશાળ મૂર્તિમાં હનુમાનજીને કપાળે જે તિલક બનાવાયું છે તેને લઇને પણ ભારે ચર્ચાઓ જાગી છે. ત્યારે હવે બોટાદથી થોડા અંતરે આવેલા વધુ એક સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ છે. જેમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલા બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે.
હનુમાનજી સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા
સાળંગપુરની મૂર્તિની નીચે લાગેલા ભીંતચિત્રને લઈ વિવાદ
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મુખ્ય પ્રવેશદ્વાર પછીના ચોગાનમાં 54 ફૂટ ઊંચાઈની હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાના ફાઉન્ડેશન ફરતી ખાલી જગ્યા ઉપર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારવામાં આવી છે. આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠાં હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જે દરમિયાન કેટલાક દર્શનાર્થીઓએ આ શિલ્પચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા બાદ વિવાદ ઉઠ્યો છે.
કિંગ ઓફ સાળંગપુરના કપાળે કરાયેલા તિલકને લઈ ભારે ચર્ચા
છેલ્લા ઘણા વર્ષોથી સનાતન ધર્મના ચિન્હો અને ભગવાનોના અપમાન થતાં રહ્યા છે
ધાર્મિક વિવાદ વચ્ચે વડોદરાથી સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથ બાબાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ દેવતાઓને એટલે કે સનાતન ધર્મના ચિન્હો અને ભગવાનોના અપમાન થતાં રહ્યા છે. ત્યારે છેલ્લે જૂનાગઢમાં એક મિટિંગ પણ થઇ હતી, ત્યારે એવુ નક્કી થયું હતું કે, હવે અમે તમારા માનદ ચિન્હો અને ભગવાનોનું અપમાન ન થાય તેની કાળજી રાખીશું.
હવે લડી લેવાના મૂડમાં છીએ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સાળંગપુરમાં 4 મહિના પહેલા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને તે મૂર્તિની તકતી પર હનુમાનજીને સહજાનંદ સ્વામી કે સહજાનંદ સ્વામીના માતા-પિતાના દાસ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રેતાયુગના જે હનુમાનજી છે. તે હનુમાનજી ભગવાન શંકરના પુત્ર છે. જે અગિયારમું રુદ્ર છે, તેમનું અપમાન થતું હોય ત્યારે સનાતન સંત સમિતિ અને બીજા સંતો એકત્ર થયા છે અને રામાનુજ વિરક્ત મંડળ પણ એકત્ર થયું છે અને હવે લડી લેવાના મૂડમાં છીએ.
.