સુરત21 મિનિટ પેહલા
- કૉપી લિંક
- શારીરિક મુશ્કેલીમાં મુકાયેલા પોતાના વ્હાલસોયા ભાઈઓ માટે બહેનોની અનોખી રક્ષા
જલ્પેશ કાળેણા, ભરત સૂર્યવંશી
‘મારો ભાઈ મનોદિવ્યાંગ છે, તેને ખવડાવવાથી લઈને, વાળ કાપી આપવા, શેવિંગ સહિતની સેવા હું કરું છે. હું લગ્ન કરું તો પરિવાર મારા ભાઈને નહીં સાચવી શકે. મારે છેલ્લા શ્વાસ સુધી મારા ભાઈ સાથે રહેવું છે એટલા માટે લગ્ન કર્યા નથી.’
મૂળ અંકલેશ્વરના પરંતુ શિતલ મોદીના માતા-પિતાનું કેન્સરને કારણે અવસાન થયા બાદ મનોદિવ્યાંગભાઈની સેવા કરી રહ્યાં છે. બેન્ક બંધ થઈ જવાથી નોકરી પણ છૂટી ગઈ હતી. હવે ભાઈ સાથે અન્ય મનોદિવ્યાંગ લોકોની સેવા કરવા માટે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમમાં સેવા આપી રહ્યાં છે.
માતા પિતાનું કેન્સરમાં અવસાન
મારો ભાઈને ફિમોફિલિયા છે. કેન્સરમાં માતા-પિતાનું અવસાન થયું હતું. હું બેંકમાં નોકરી કરતી હતી પરંતુ બેંક બંધ થઈ ગઈ હતી. એટલા માટે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમમાં સુરત ખાતે રહેવા આવી ગઈ હતી. – શિતલ મોદી
ભાઈની કિડની ખરાબ થતા 6 બહેનોએ અંગદાન માટે જીદ કરી
વરાછામાં ભાઈ-બહેનોના પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મોતી નગરમાં રહેતા 38 વર્ષીય અનિલ રામાણી ફાર્માસિસ્ટ છે. કોરોના પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાયા તો જાણ થઈ કે કિડની ડેમેજ થઈ છે. અનિલભાઈ 6 બહેનોના એકના એક ભાઈ છે. જેથી 6 બહેનોએ પોતાની કિડની આપવા જીદ કરી હતી. આખરે હીરાબાગ રહેતા ત્રીજા નંબરના 43 વર્ષીય બહેન દયાબેને પોતાની કિડની આપી હતી. બળેવના 25 દિવસ પહેલાં જ કિરણ હોસ્પિટલમાં કિડનીનું અનિલભાઈમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું અને રજા પણ આપી દીધી છે.
25 દિવસ પહેલા ત્રીજા નંબરની બહેને નાના ભાઈને કિડની આપી
ઘણા કેસમાં બહેનના સસરા, સાસુ, જેઠ, જેઠાણી કે સંતાન તૈયાર થતા નથી. જો કે, અનિલભાઈના કેસમાં તેમની બહેન સાથે તેમના સાસરી પક્ષના સભ્યો પણ સામેથી તૈયાર થઈ ગયા અને અનિલભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી રજા પણ આપી દેવાઈ.
આજે બહેનો, 15 વર્ષ સુધીનાં બાળકો માટે BRTS-સિટીબસ ફ્રી
પાલિકાની સિટી લિંક દર વર્ષે બળેવ પર બહેનો અને 15 વર્ષ સુધીના બાળકોને બીઆરટીએસ બસો તેમજ સિટી બસમાં ફ્રી મુસાફરી કરાવે છે. જે મુજબ બુધવારે રક્ષાબંધન હોય આ વખતે પણ બહેનો અને તેમના 15 વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં મુસાફરી કરાવાશે. સ્થાયી સમિતિ ચેરમેન અને જાહેર પરિવહન સમિતિએ પણ સૂચન કર્યું હતું. તેથી તહેવારમાં મહિલા, બાળકોને આ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સુરત માત્ર એક શહેર છે જ્યાં એક ટિકિટથી સિટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં શહેરની બીઆરટીએસમાં કુલ 13 રૂટ તેમજ સિટી બસમાં 45 રૂટ દર રોજ 2.30 લાખથી વધુ લોકો લાભ લઈ રહ્યા છે, એવું પાલિકાનું કહેવું છે.
.