રાજકોટ9 મિનિટ પેહલા
- કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર.
રાજકોટમાં બનેવીને કાળો કહેવો એક ભાવિ સાળા માટે ભારે પડ્યું ને મોતને ભેટ્યો હતો. શહેરના ન્યૂ સાગર સોસાયટીમાં રહેતા મોહસીન સુમરાની બહેરનની સગાઈ 6 મહિના પહેલા નૌશાદ જાહિદ જોબન સાથે થઈ હતી. પરંતુ મોહસીનને ભાવિ બનેવી રંગરૂપે કાળો લાગતા બહેનની સગાઈ તોડવા જણાવ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલો નૌશાદ તેના 5 સાગરીત સાથે મોહસીનના ઘરે ઘૂસ્યો હતો અને ધોકાથી ફટકારી તેનું ઢીમ ઢાળી દીધું હતું.
છ શખસે ધોકા અને પાઈપથી ઢોર માર્યો
રાજકોટ શહેરમાં શનિવારની રાત્રે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના ન્યુ સાગર સોસાયટીમાં મોહસીન સુમરા નામના યુવકને છ શખસે ધોકા અને પાઈપથી ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, હાલ સમગ્ર મામલે પોલીસે મોહસીનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હત્યારાઓ સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
મોહસીનના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં શેરી નં.15માં યા કામુનસા નામના મકાનમાં રહેતાં મૃતકના ભાઈ અયાન અબ્દુલ આદમાણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાજી સુમાર ડોઢિયા, મહમદ હાજી, નૌશાદ જાહિદ જોબન, એઝાઝ જાહિદ જોબન, મકબુલ સુલેમાન પતાણી અને પરાગ રમેશ કારેલિયાનું નામ આપ્યું છે.

મૃતકના ભાઈએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સગાઈ તોડવા બન્ને ભાઈ આરોપીના ઘરે ગયા
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની બહેનની સગાઈ છ માસ પહેલા આરોપી નૌશાદ સાથે થઈ હતી. નૌશાદ રંગરૂપે કાળો હોવાથી ફરિયાદીના મોટા ભાઈ મોહસીન આદમાણી (ઉં.વ.31)ને તે ગમતો ન હતો. જેથી મોહસીનને તે સગાઈ રાખવી ન હોવાથી વાતચીત કરવા ફરિયાદી સાથે નૌશાદના ઘરે બાઈકમાં ગયા હતાં. આરોપીના ઘરે કોઈ વાતચીત થાય તે પહેલાં જ લાકડાના ધોકા સાથે સજ્જ આરોપીઓએ મોહસીન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ઢોર માર મારતા મોહસીન બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેમને તાત્કાલિક 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ટૂંકી સારવારમાં યુવકનું મોત
બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયા અને ટીમ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી અને પ્રથમ આરોપીઓ વિરૂદ્ધ પ્રથમ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાદમાં ટૂંકી સારવારમાં યુવકનું મોત નિપજતાં 302ની કલમનો ઉમેરો કરી પોલીસે 5 આરોપીને સકંજામાં લઈ અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.

મૃતદેહને પીએમ માટે પીએમ રૂમમાં ખસેડાયો હતો.
બે મહિનામાં હત્યાના સાત બનાવ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા બે મહિનામાં હત્યાના સાત બનાવ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 36 કલાકમાં બે-બે હત્યાના બનાવથી એક સમયનું શાંત અને સલામત રાજકોટ શહેર ફરી રક્તરંજીત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની કાયદો અને વ્યવસ્થાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
.