ઉનાએક કલાક પેહલા
- કૉપી લિંક
શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. મહાદેવનાં સાનિધ્યમાં વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોનો મહાસાગર સતત સોમનાથ મંદિર તરફ આવતો હોય તેવું જોવા મળી રહ્યો છે.

આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારને લઈ દેવાધીદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારી રહ્યા છે. જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે. તેમ તેમ શિવ ભક્તોમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા પણ વધુ પ્રબળ બનતી જાય છે. જેના દ્રશ્યો આજે ધાર્મિક પુરાવો આપી રહ્યા છે. કારણ કે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે. આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તોનો ઘસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે તે પ્રકારના દ્રશ્યો પહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે.

શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાય માનવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ પહોરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો જાણે કે બેબાકળા બન્યા હોય તે રીતે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્ર, આંકડો, પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો ભાગ લઈને દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને પાવન કરતાં જોવા મળશે.



.