વડોદરા43 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી પારાવાર વિવાદોમાં જોવા મળતી હોય છે. ત્યારે આજે ફરી એકવાર મારમારીની ઘટનાને લઈ વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના એન.વી.હોલ ખાતે બે વિધાર્થીઓ વચ્ચે પટ્ટાથી મારામારી થઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટના બાદ વિજિલન્સ પણ તાત્કાલિક દોડી આવી હતી અને આ બંને વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા.

સિક્યુરિટી સામે અનેક સવાલો
આ ઘટનાને લઈ તાત્કાલિક વિજિલન્સ એન.વી.હોલ ખાતે પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ હતી. યુનિવર્સિટીમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં જ સિક્યુરિટી એજન્સી પણ બદલવામાં આવી છે. છતાં પણ રોજબરોજના આવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે યુનિવર્સિટીમાં રહેલા સિક્યુરિટી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જો કે આ ઘટનામાં બંને વિધાર્થીઓ વચ્ચે અંગત કારણોસર બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે.

વિજિલન્સ દોડી આવી
મળતી માહિતી પ્રમાણે આ બંને વિધાર્થીઓ યુનિવર્સિટીની એન.વી હોસ્ટેલમાં રહે છે અને આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. આ બનાવમાં વિકાસ ઝા અને પ્રહલાદસીંગ નામના વિદ્યાર્થી વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ મારામારી થતા અન્ય વિધાર્થીઓ પણ દોડી આવ્યા હતા. બંને વિધાર્થીઓને શાંત પાડવાનો પ્રયાસ અન્ય વિધાર્થીઓ કરી રહ્યા છે તે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. આ મામલે એમ.વી. હોલના વોર્ડન સહિત વિઝિલિયન્સ ટીમ તાત્કાલીક દોડી આવી હતી. આ બંને વિધાર્થીઓને વોર્ડન ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી.

વિજિલન્સ હેડ તપાસ કરી રહ્યા છે
આ અંગે એમ.એસ. યુનિવર્સિટીના ચીફ વોર્ડન વિજય પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, બંને વિદ્યાર્થી વચ્ચે બબાલ થઈ હતી. તેમાંથી એક જર્મન અને એક ફ્રેંચનો વિદ્યાર્થી છે. હાલમાં વિજિલન્સ હેડ આ બાબતે તપાસ કરી રહ્યા છે અને ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.

વારંવાર આવી ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ એમ.એસ. યુનિવર્સિટીમાં એમ.એન. હોલમાં દારૂની પાર્ટી કરતા વિધાર્થીઓ પકડાયા હતા. ત્યાર બાદ યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવી કાર્યવાહી કરી હતી, પરંતુ ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવતા ચોક્કસથી કહી શકાય કે એમ.એસ. યુનિવર્સિટીનું તંત્ર રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.


.