મોરબી41 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસની સપ્લાય કરતી ગુજરાત ગેસ કંપની કામગીરીથી ઉદ્યોગકારો નારાજ છે અને ઉદ્યોગકારોને એમજીઓ કરી ગેસ વિતરણ કરી આપવામાં મનમરજીથી કામ કરતી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે સિરામિક એસોના હોદ્દેદારો અને ઉદ્યોગકારો ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા હતા અને રજૂઆત કરતા મામલો ગુજરાત ગેસ કંપનીની હેડ ઓફિસે પહોંચ્યો હતો.
મોરબી સિરામિક એસો પ્રમુખ મુકેશ કુંડારિયા, હરેશ બોપલીયા સહિતના આગેવાનો તેમજ ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા હતા અને ઉદ્યોગકારોના પ્રશ્ને રજૂઆત કરી હતી. જે મામલે મોરબી સિરામિક એસોના પ્રમુખે જણાવ્યું હતું કે, સિરામિક ઉદ્યોગના 60 ટકા યુનિટ પ્રોપેન ગેસ વાપરે છે જેમની પાસે 2 વિકલ્પ છે. જ્યારે ગેસના ભાવો વધે અથવા તો સપ્લાય સંબંધિત ઇસ્યુ હોય તો યુનિટ ગુજરાત ગેસ કંપનીમાં MGO કરાવે છે. અને ગેસ કંપની અડધા મહીને પણ MGO કરી આપે છે. દરમિયાન ગત તા.12 ઓગસ્ટના રોજ 85 સભ્યોએ MGO માટે અરજી મૂકી છે જેને 10 દિવસ વીત્યા છતાં પણ કોઈ જવાબ મળ્યો નથી. તો અમુક યુનિટોને નોન એમજીઓ ભાવથી બીલ મળ્યા છે જેથી ખુબ ઊંચા બીલ ચુકવવા પડે છે. હાલમાં જ ગેસ કંપનીએ 2 રૂપિયા ગેસનો ભાવ વધાર્યો છે તે શેના કારણે વધાર્યો છે તેવો સવાલ પણ એસો પ્રમુખે કર્યો હતો. જે મામલે સ્થાનીક કચેરીએ ગાંધીનગર એમડીને જાણ કરી છે અને તેઓ મીટીંગ કરી પ્રશ્ન બાબતે યોગ્ય નિર્ણય કરશે તેમ હાલ જણાવ્યું છે.
તો આ મામલે ગુજરાત ગેસ ઓફીસના મોરબી હેડ કમલેશ કંટારીયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોની રજૂઆત કરી હતી તા. 12 ઓગસ્ટના રોજ એમજીઓ માટે રીક્વેસ્ટ કરી છે જે મામલે ગાંધીનગર મેનેજમેન્ટને જાણ કરી છે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ગુજરાત ગેસ હમેશા સિરામિક ઉદ્યોગના હિતમાં કાર્ય કરે છે. કંપની 2007ના વર્ષથી ગેસ સપ્લાય કરી રહી છે અને મેનેજમેન્ટ પોઝીટીવ વિચારી યોગ્ય નિર્ણય લેશે તેમ તેઓએ જણાવ્યું હતું.