દાહોદએક મિનિટ પેહલા
- કૉપી લિંક
- કોર્ટ દ્વારા 14 હજાર લોકોને મોબાઇલમાં નોટિસની લિંક મોકલવાનો પ્રારંભ : 6 હજાર લોકોના ઘરે જઇને પોલીસ નોટિસ ફટકારશે : દંડ ન ભરનારા ચાલકોમાં ફફડાટ
દાહોદ શહેર સહિત જિલ્લામાં ત્રણ સવારી, ચાલુ વાહને વાત કરવા અને એચએસઆરપી નંબર પ્લેટ નહીં હોવાના કિસ્સામાં ઇ-મેમો ફટકારે છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી 20 હજાર એવા વાહન ચાલકો છે કે જેમણે દંડની રકમનો એક પણ રૂપિયા નહીં ભર્યો નથી. દંડની આ રકમ 60.75 લાખની પાર કરી ગઇ છે. ટ્રાફિક પોલીસે પ્રિ-લિટીગેશન કેસ રજૂ કરતાં કોર્ટ દ્વારા ઇ-નોટિસો મોકલીને બાકી દંડની આ રકમ ભરી જવા માટે તાકીદ કરાઇ છે.
દાહોદ શહેર સહિત જીલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 20 હજાર વાહન ચાલકોએ છેલ્લા ત્રણ વર્ષથી ઈ-મેમાનો દંડ ભર્યો જ ન હોવાથી તે વસુલ કરવાની દંડની રકમનો આંકડો 60,75,600ને અડી ગયો છે. જેથી ટ્રાફિક પોલીસે પ્રિ-લિટીગેશન કેસ રજૂ કરતાં મેદાને આવેલી કોર્ટ વાહન ચાલકોના મોબાઇલમાં ઈ-નોટીસ પાઠવી દંડ ભરી જવાની તાકીદ કરી છે.
દાહોદની જિલ્લા કોર્ટમાં જિલ્લા કાનુની સત્તા સેવા મંડળના ફુલ ટાઇમ સેક્રેટરી દ્વારા ઈ-નોટીસ તૈયાર કરી 14 હજાર વાહન માલિકના રજીસ્ટર મોબાઇલ નંબર પર મેસેજ દ્વારા મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યારે 6 હજાર એવા વાહન ચાલકો છે કે જેમના નંબર રજિસ્ટર નથી અને સરનામા પણ બદલાઇ ગયા છે.
ત્યારે આવા વાહન ચાલકોને શોધીને પોલીસ દ્વારા નોટિસ ફટકારશે. છેલ્લા ત્રણ વર્ષથી ઇ-મેમો પેન્ડિગ હોવાથી મેસેજ અને નોટીસો પાઠવી દંડની રકમનો નિકાલ લાવવા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દિલ્હીના નેજા હેઠળ દાહોદમાં 9 સ્પ્ટેમ્બરે નેશનલ લોક અદાલત યોજાશે . સાથે 8 સપ્ટેમ્બર સુધી દાહોદ એસ.પી ઓફિસમાં આવેલા નેત્રમ ખાતે, ગરબાડા, લીમખેડા અને ઝાલોદ પોલીસ સ્ટેશન ઉપરાંત https://echall anpaym ent.gujarat.gov.in પર ઓન લાઇન ભરવાનો વિકલ્પ પણ આપ્યો છે. હાલમાં તો દંડ ન ભરનારા વાહનચાલકોમાં નોટિસ આવતા ફફડાટ ફેલાયો છે.
દાહોદમાં 203 સીસીટીવી કાર્યરત
દાહોદ શહેરી વિસ્તારમાં 40 સ્થળોએ પોલીસની નેત્રમ ટીમ દ્વારા 203 સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને 18 ફેબ્રુઆરી 2020થી ઈ-મેમો ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણા લોકો આ મેમો આવ્યા બાદ દંડ ભરતા નથી જેથી તેમની વિરૂધ્ધ હવે કાયદેસરના પગલા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રાફિક ઇ ચલણની રકમ 9 સપ્ટેમ્બર પહેલા વિવિધ વિકલ્પથી ભરી શકાશે
લીગલ સર્વીસીસ ઓથોરીટી એક્ટની કલમ 20(2) મુજબ ટ્રાફિક પ્રિ-લિટીગેશન લોક અદાલતની નોટિસમાં જણાવવામાં આવ્યુ છે કે, 9 સપ્ટેમ્બરે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે. આપના રજિસ્ટર વાહન સંદર્ભ મોટર વ્હીકલ એક્ટર 1988 અંતર્ગત ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સંદર્ભે ટ્રાફિક ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યુ છે. આ રકમ ચુકવવા માટે દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રિ-લિટીગેશન કેસ અત્રે રજૂ કરવામાં આવેલ છે.ટ્રાફિક ઇ-ચલણની રકમ વિવિધ વિકલ્પથી 9 સપ્ટેમ્બર સુધી ભરી દેવા જણાવવામાં આવે છે. જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે પ્રતિસાદ આપશો.
.