- કેળા અને બટાકાથી કંટાળ્યા હશો
- શિંગોડાના લોટની ભાખરી આપશે ચેન્જ
- ઉપવાસમાં મળશે નવો જ ટેસ્ટ
છેલ્લા કેટલાક દિવસોથી મહાદેવના ભક્તો શ્રાવણના ઉપવાસ કરી રહ્યા છે. આ સમયે શક્ય છે કે હવે તમે કેળા, બટાકાથી કંટાળ્યા હોવ. જો તમે આ વસ્તુઓથી કંટાળ્યા છો તો તમે ઘરે જ શિંગોડાના લોટની ભાખરી બનાવી શકો છો. તો જાણી લો સરળ રેસિપિ.
શિંગોડાના લોટની ભાખરી
સામગ્રી
-2 કપ શિંગોડાનો લોટ
-1 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-1 મધ્યમ કદનું બટાકું
-1 નંગ લીલા મરચું સમારેલું
-સિંધવ મીઠું સ્વાદાનુસાર
-તેલ કે ઘી તળવા માટે
-હુંફાળું પાણી જરૂર મુજબ
રીત
સૌપ્રથમ બટાટાને બાફી લો. ત્યાર બાદ તેની છાલ કાઢીને એક મોટા બાઉલમાં મેશ કરી લો. હવે તે જ બાઉલમાં સિંધવ મીઠું, કોથમીર સમારેલી અને લીલું મરચું સમારેલું ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં શિંગોડાનો લોટ ઉમેરો. ફરીથી બધી જ સામગ્રી બરાબર એકરસ થાય એ રીતે મિક્સ કરો. હવે જરૂર પ્રમાણે હુંફાળું પાણી ઉમેરતા જાવ અને ભાખરીનો કડક લોટ બાંધતા જાવ. લોટ બહુ ઢીલો ના થઈ જાય નહીંતર, ભાખરી વણાશે નહીં. હવે આ લોટને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે મૂકી રાખો. હવે ભાખરી બનાવાવની તૈયારી કરીએ. સૌપ્રથમ તવીને ગરમ કરવા માટે મૂકી દો. ધીમા તાપે ગરમ કરવી. ત્યાર બાદ એક કોટન કપડું લો. તેના પર થોડું અટામણ છાંટો. અને ત્યાર બાદ તૈયાર કરેલી કણકમાંથી એક લુઓ લઈને તેમાં મૂકો. હવે કપડાને ફોલ્ડ કરીને તેને વણી લો. ગોળ ભાખરી તૈયાર કરો. હવે ગરમ થયેલી તવી પર ધીમા તાપે ભાખરી શેકો. તેલ અથવા ઘીથી શેકો. બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગની થાય એ રીતે શેકો. ગરમા-ગરમ ભાખરીને બટાટાની ભાજી સાથે સર્વ કરો.