રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમ પોલીસે છેલ્લા બે માસમાં ખોવાયેલા ગુમ થયેલા મોબાઈલ ફોન ટેક્નિકલ મદદથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા છે. શહેર પોલીસ કમિશ્નરે રાજકોટ શહેરમાં ખોવાયેલ/ ગુમ થયેલ મોબાઈલની જે અરજીઓ આવે ત્યારે તે મોબાઈલોને ટેક્નિકલ એનાલીસીસથી શોધી કાઢી અરજદારોને પરત અપાવવા સૂચના આપી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો મોબાઈલ રીકવરી વિભાગ કાર્યરત હોય, જેમના દ્વારા છેલ્લા બે માસ જુન-જુલાઈ 2023 દરમિયાન અરજદારોની મોબાઈલ અરજીઓમાં મળેલ IMEI નંબરો ટ્રેસમાં મુકી અલગ-અલગ કંપનીના કુલ 80 મોબાઈલ ફોન કિંમત આશરે 12,12,100ના રીકવર કરી અરજદારોને પરત અપાવ્યા હતા.
રણછોડનગરનાં વેપારીની રૂ.60 હજારની ચાંદી લઈને કારીગર ફરાર
રાજકોટ શહેરનાં રણછોડનગરમાંથી વેપારીની રૂ.60 હજારની ચાંદી લઈ ગૌરવ ઉર્ફે સાગર કોળી નામનો કારીગર નાસી છૂટયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રણછોડનગર સોસાયટીમાં રહેતાં કેતન ગણપતભાઇ કાપડીયાએ બી-ડિવિઝન પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, તેઓની પેઢીમાં બે માણસો કામ કરે છે. જેમાં ગૌરવ ઉર્ફે સાગર હસમુખભાઈ નગવાડીયા 5 વર્ષથી ચાંદી ચમકાવવાનું કામ કરે છે. તાજેતરમાં તેઓ દવાખાનાનાં કામમાં હોય ગૌરવ ઉર્ફે સાગર અને કમલેશ કેશુ સીતાપરાના ભરોસે ચાંદી કામ ચાલું હતું. ગઇ તા.17/08/2023નાં તેઓ ધંધામાં રહેલ ચાંદીનો કાચો માલ ચેક કરતા આશરે 5 કિલો 400 ગ્રામ ચાંદી ઓછું થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ચાંદી ગૌરવ ઉર્ફે સાગરનાં કબ્જામાંથી ઓછું થયું હોવાથી તેને ફોન કરતા ફોન પણ બંધ આવતો હતો. અને તેનો કોઈ કોન્ટેક નહીં થતા આ ફરિયાદ નોંધાવી છે. હાલ આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માંડાડુંગરનાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા
રાજકોટનાં માંડાડુંગરમાં એક દિવસ બંધ રહેલ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ અને દાગીનાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે આજીડેમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. જેમાં લાલજીભાઇ બાથાભાઈ પંચાળાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઠારીયા મેઇન રોડ પર કલોલા મેડીકલમાં નોકરી કરૂ છું. ગત રાત્રીના એકાદ વાગ્યે હું પરિવાર સાથે ઘરને તાળુ મારીને સુરત ખરીદી કરવા માટે પાડોશી અનીલભાઈનું છોટા હાથી લઇ ગયો હતો. હતા. આજે વહેલી સવારે છએક વાગ્યે ઘરે પરત આવતા અમારા મકાનના દરવાજાનો નકુચો તુટેલ અને દરવાજો ખુલ્લો હતો. તેમજ ઘરમાં તપાસ કરતા રોકડા રૂપીયા 15 હજાર રાખેલ પર્સ તેમજ ડબલામાં રાખેલ ચાંદીની બંગડીની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. હાલ આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રસોઇ કરવા મામલે પત્નીએ માથાકુટ કરતા પતિએ એસિડ ગટગટાવ્યું
જામનગર રોડ પર પરાપીપળીયા રહેતા દિપકભાઇ ભીમભાઇ સોલંકીએ તેના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દિપકભાઇને તેની પત્ની ચકીબેન સાથે રસોઇ બાબતે અવારનવાર ઝઘડો થતો હતો. અને આ મામલે તેણીએ અવારનવાર પોલીસને બોલાવી તેમનું જીવવું હેરાન કરી દીધું હતું. આ કારણે કંટાળીને દિપકભાઈએ આ પગલુ ભર્યાનું સામે આવ્યું હતું. હાલ બનાવ અંગે પોલીસે પ્રૌઢનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. અને જરૂરી પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
.