દાહોદ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
- કન્ડક્ટરનું ફોર્મ ભરવા લાઇસન્સ મેળવવા તાલીમ અનિવાર્ય હોવાથી રેડક્રોસ સોસાયટી પર ધસારો વર્તમાન પરીસ્થિતિ જોતાં 7 00 જેટલાં ઉમેદવારો કન્ડક્ટરનું ફોર્મ ભરવાથી વંચિત રહેવાની દહેશત
- 5 વર્ષ પહેલાના સર્ટિફિકેટ રીન્યુ નહિ કરવાનો આદેશ :શુક્રવારે જીદે ચઢેલા ઉમેદવારો હોબાળોમચાવ્યો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી) દ્વારા 4062 ડ્રાયવર અને 3342 કંડકટરની ભરતી 7 ઓગસ્ટે બહાર પાડી છે. ત્યારે કન્ડક્ટરની ભરતી માટે RTO પાસેનું લાયસન્સ મેળવવા પ્રાથમિક સારવારની તાલીમનું પ્રમાણપત્ર અનિવાર્ય છે. દાહોદ જિલ્લામાં આ તાલીમ માટે દાહોદ શહેરમાં આવેલી રેડક્રોસ સોસાયટીને જ નિયત કરી છે. ત્યારે કન્ડક્ટરનું ફોર્મ ઓનલાઇન ભરતા પહેલાં પ્રાથમિક સારવારની તાલીમ લેવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ભરતીની જાહેરાત બાદથી દાહોદમાં રેડક્રોસ સો. 800 ઉમેદવારોને તાલીમ આપી ચુકી છે.
જોકે, ફોર્મ ભરવાના ઇચ્છુક ઉમેદવારો જિલ્લામાંથી આવી રહ્યા હોવાથી હાલમાં અહીં 800નું વેઇટીંગ થઇ ગયુ છે. બીજી તરફ જેમણે 5 વર્ષ પહેલા તાલીમ લીધી છે તેમના સર્ટી રીન્યુ નહિ કરવાનો આદેશ હોવાથી જિલ્લાના 100 થી વધુ ઉમેદવારોને પુનઃ ટ્રેનિંગ લેવાનું કહેવાતા સમય ઓછો હોઈ તેઓ વિમાસણમા મુકાયા છે. શુક્રવારે રીન્યુઅલ માટે જીદે ચડેલા છાત્રોને સમજાવાની ફરજ પડી હતી. જોકે, ઓન લાઇન ફોર્મ ભરવાની 6 સપ્ટેમ્બર અને અરજી પત્રકની ફી સ્વિકારવાની અંતિમ તા. 8 સપ્ટેમ્બર રાખી છે ત્યારે માત્ર 2 સપ્તાહ જ બાકી હોઇ હજી 600 ઉમેદવારો જ ટ્રેનિંગ મેળવી શકશે. પ્રમાણપત્ર મળી ગયા બાદ કન્ડક્ટરનું લાયસન્સ લેવા માટે RTOમાં ઓનલાઇન એપ્લીકેશન કરીને ત્યાંથી લાયસન્સ મેળવવું પડતુ હોવાથી હાલ ત્યાં પણ ભારે ભીડના દ્રષ્યો છે.
ધસારાને પહોંચી વળવા લાયસન્સ આપવા માટે વધારાના બે અધિકારીની નિમણુંક કરી હોવાનું એઆરટીઓ સી.ડી પટેલે જણાવ્યુ હતું. લાયસન્સનો નંબર ઓનલાઇન અરજીમાં લખવાનો હોવાથી વર્તમાન પરીસ્થિતિ જોતા કદાચ 700 જેટલા ઉમેદવારો આ તાલીમ અને લાયસન્સ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાની વૈતરણી પાર નહીં કરી શકે અને તેઓ ફોર્મ ભરવાથી વંચીત રહેશે તેવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે. ઉમેદવારો માટે તંત્ર દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ અને લાયસન્સ મેળવવા ની વધારાની વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી બની છે.
ફોર્મ ભરતા પહેલાં જ 3 હજારથી વધુનો ખર્ચ
કન્ડક્ટરના ફોર્મ માટે પ્રાથમિક સારવારની તાલીમના 1 હજાર ચૂકવવા પડે છે. આ તાલીમ બાદ લાયસન્સ મેળવવા RTOમાં ઓનલાઇન અરજી કરીને 130 રૂપિયા ભરવા પડે છે. દરરોજ બે કલાકની તાલીમ મેળવવા આઠ દિવસ સુધી દાહોદ આવવામાં પેટ્રોલનો ખર્ચ ગણતાં ફોર્મ ભરતાં પહેલાં જ ઉમેદવારોને ત્રણ હજારથી વધુનો ખર્ચ થઇ રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે.
રેડક્રોસની મર્યાદા
પ્રાથમિક સારવારની તાલીમમાં એક ક્લાસમાં 30 જ બાળકો હોવાનો નિયમ છે. જેથી ક્લાસમાં તાલીમાર્થીઓની સંખ્યા વધારી શકાતી નથી. એક બેચને આઠ દિવસ સુધી અનિવાર્યપણે તાલીમ આપવી પડે છે. આ તાલીમ આઠ દિવસ સુધી ચાલે છે અને તેની પરીક્ષા લીધા બાદ પ્રમાણપત્ર આપવામાં આવે છે. એકાએક ધસારો વધતાં રેડક્રોસ પાસે જગ્યાના અભાવ સાથે તાલીમ આપનારાઓની પણ કમી છે. જેથી ધસારાને પહોંચી વળવું મુશ્કેલ છે.
નિયમોને વળગીને આ બધી કામગીરી કરવી પડે છે
વર્ષમાં 300થી 400 લોકો આ તાલીમ મેળવે છે પણ હાલમાં એસ.ટી વિભાગની ભરતીને કારણે ફ્લો વધ્યો છે. અત્યાર સુધી 800 ને તાલીમ આપી ચુક્યા છીયે. હાલ 800 જેટલું વેઇટીંગ છે. નિયમોને વળગીને કામગીરી કરવી પડે છે. જગ્યા ન હોઇ સામેની સ્કુલમાં વધારાના ક્લાસની વ્યવસ્થા કરી છે. 300 ઉમેદવારોને તાલીમ અપાઇ રહી છે. પાંચ વર્ષ પહેલા ટ્રેનિંગ લીધી છે તેમના સર્ટિ. રીન્યુ નહિ કરવાનો આદેશ છે. માનદ મંત્રી જવાહરભાઇ શાહ આ માટેની તમામ વ્યવસ્થા જોઇ રહ્યા છે. – ગોપાલભાઇ ધાનકા, ચેરમેન, રેડક્રોસ , દાહોદ
.