વડોદરા2 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરાની શિક્ષણ સમિતિની શાળાના પ્રતિભાશાળી 19 HTAT મુખ્ય શિક્ષકોનું સ્વાતંત્ર્ય દિને સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે શિક્ષકોના બનેલા વોટ્સએપ ગૃપમાં સવાલો ઉઠતા વિવાદ સર્જાયો છે. આજે 19 HTAT મુખ્ય શિક્ષકો અને શિક્ષકો દ્વારા શિક્ષણ સમિતીના ચેરમેનને મળી રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, સ્વમાનના ભોગે સન્માન પત્ર લેવાય નહિં. અમારા સન્માનપત્ર પરત લઇ લો. જોકે, શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા પારદર્શી છે. શિક્ષકોના સન્માન પર સવાલો ઉઠાવવા યોગ્ય નથી.
શિક્ષકોના ગૃપમાં પોસ્ટ મૂકી વડોદરાના શિક્ષણ સમિતિની શાળાઓનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તાજેતરમાં 15 ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વ પર ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમિતિની શાળાના HTAT મુખ્ય શિક્ષકો-શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિને કરવામાં આવેલા 19 શિક્ષકોના સન્માનને લઇ કેટલાંક શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. જે નારાજ થયેલા શિક્ષકો પૈકી એક શિક્ષકે શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલા શૈક્ષીક સંઘના વોટ્સએપ ગૃપમાં HTAT મુખ્ય શિક્ષકોનું સન્માન કેવી રીતે થઇ શકે? તેવી પોસ્ટ મૂકતા સન્માનિત મુખ્ય શિક્ષકોમાં નારાજગી વ્યાપી છે. તે સાથે આ પોસ્ટે સમિતીની શાળાઓના શિક્ષકોમાં ચકચાર જગાવી મૂકી હતી.
લેખિત રજૂઆત કરાઇ
આ દરમિયાન સન્માનિત શિક્ષકોના સ્વમાનને ઠેસ પહોંચતા શિક્ષકો વિપુલભાઇ પટેલ, ગીરીશભાઇ ચૌધરી, જીગરભાઇ ઠાકર, હરેશભાઇ રાઠોડ, પ્રજ્ઞેશભાઇ ઉપાધ્યાય, સુનિલભાઇ ગામીત અને સ્મિતાબહેન પટેલ સહિત શિક્ષકો દ્વારા શિક્ષણ સમિતીના ચેરમેન મિનેષ પંડ્યાને લેખિત રજૂઆત કરી હતી. ચેરમેનને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અમારું સન્માન કરવામાં આવ્યું છે. તેથી અમે ખૂશ છે. પરંતુ, અમારાજ શિક્ષકો દ્વારા નારાજ થઇને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકે તે વ્યાજબી નથી. અમારી લાગણી દુબાઇ છે. આથી, અમો સન્માનપત્ર પરત આપવા માંગીએ છે.
કોમેન્ટ કરનાર મુખ્ય હોદ્દેદાર
સન્માન બાબતે થયેલા વિવાદ અંગે શિક્ષણ સમિતીની કવિ દુલાકાગ શાળાના મુખ્ય શિક્ષક જીગર ઠાકરે જણાવ્યું કે, પ્રતિ વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ સરકાર દ્વારા પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરી તેમને પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવે છે. તાજેતરમાં 15 ઓગસ્ટના રોજ પણ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 7 HTAT આચાર્યો હતા.જેમને લઈને સંઘના જ એક હોદ્દેદાર દ્વારા HTAT આચાર્યને કઈ રીતે આ એવોર્ડ મળી શકે, તેઓ ક્યાં ક્લાસ લે છે? પરંતુ, તેમને ખબર નથી કે, આ આચાર્યો સમગ્ર સ્કૂલનું સંચાલન કરે છે અને સાથે જ એકમ કસોટી અને સંત્રાત કસોટીનું રેન્ડમ ચેકીંગ પણ કરતા હોય છે તથા હાજરીનું મોનીટરીંગ પણ કરે છે. આ કૉમેન્ટથી અમારી લાગણી દુભાઈ છે.કોમેન્ટ કરનાર મુખ્ય હોદ્દેદાર છે, તેમને બધાને સાથે લઈને ચાલવાનું હોય તેની જગ્યાએ આવી કોમેન્ટ કરે છે. જે દુઃખદ છે. સમગ્ર પ્રક્રિયાનું 20 ટકા માર્કિંગ સમિતિ કરે છે અને 80 ટકા રાજ્ય કક્ષાએ થાય છે.
યોગ્ય શિક્ષકોનું સન્માન થયું છે
સ્વાતંત્ર્ય દિને શિક્ષકોના કરવામાં આવેલા સન્માન અંગે સર્જાયેલા વિવાદ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેષ પંડ્યાએ જણાવ્યું કે, આ પ્રક્રિયા પારદર્શી છે. શાળાનું તમામ સ્તરે મૂલ્યાંકન થાય છે. પછી જ બંધ કવરમાં નામ આપવામાં આવે છે. યોગ્ય શિક્ષકોનુંજ સન્માન કરવામાં આવ્યું છે.
.