- Gujarati News
- Local
- Gujarat
- Nrg
- Indian Independence Day Celebration Organized Jointly By Indo American Cultural Society, Cake Corner And Artesia Chamber Of Commerce In The State Of California
આર્ટેસિયા સીટી2 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં રહેતા ભારતીયો ગૌરવભેર ઉજવી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પણ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી, કેક કોર્નર અને આર્ટેસિયા ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે આર્ટેસિયા સીટી હોલ ખાતે ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક સામાજિક અને વ્યવસાયિક અગ્રણીઓ સાથે આર્ટેસિયાના મેયર અને અન્ય રાજકીય હસ્તીઓએ ખાસ ઉપસ્થિત રહી ભારતીયજનોને આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી હતી.
અમેરિકામાં ભારતીયજનો વ્યવસાયિક સાથે રાજકીય ક્ષેત્રે પણ વધુ સક્રિયઃ યોગી પટેલ
આ અંગે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ અને લેબોન હોસ્પીટાલીટી ગૃપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે અમેરિકામાં ભારતીયજનો વ્યવસાયિક સાથે રાજકીય ક્ષેત્રે પણ વધુ સક્રિય થઈ રહ્યા છે. આમ છતાં ભારતીય સંસ્કાર વારસો જળવાઈ રહે તે હેતુથી વિવિધ સામાજિક તેમજ વ્યવસાયિક સંસ્થાઓના સહયોગથી ભારતીય ધાર્મિક તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યા છે. આજે પણ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તેઓ શહીદોને યાદ કરીએ છીએ. રાષ્ટ્ર ધ્વજની સલામી આપી. ‘ભારત માતા કી જય’ અને ‘વંદેમાતરમ’ના જયઘોષ કરીએ છીએ તેમજ વીર શહીદોની ગૌરવ ગાથા પણ સમાજની નવી પેઢીને જણાવી સ્વતંત્રતા દિવસની મહત્વ સમજાવીએ છીએ.
આર્ટેસિયા સીટીના મેયર મોનિકા મનાલોએ ભારતીયોને સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવી
આ અંગે આર્ટેસિયા સીટીના મેયર મોનિકા મનાલોએ ઉપસ્થિત ભારતીયજનોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને ભારતીયજનોના સાહસ તેમજ સાંસ્કૃતિક એકતાના વખાણ કર્યા હતા. તેઓએ ભારતીયજનોને રાજકીય ક્ષેત્રે આગળ વધવા આહવાન કર્યું હતું અને તમામ સહયોગ માટે પણ ઉત્સાહ બતાવ્યો હતો.
આ તબક્કે સેરિટોસ યુનિવર્સિટી ફાઉન્ડેશનના ચેરમેન અને સામાજિક અગ્રણી પરિમલ શાહે સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે વીર ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ સહિતના શહીદો અને મહાત્મા ગાંધીની અહિંસા ચળવળ તેમજ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની સશસ્ત્ર સેનાની ગૌરવગાથા વાગોળી હતી.
‘નેશન ફર્સ્ટ’ની ભાવના બળવત્તર બની
આ ઉપરાંત આ પ્રસંગે ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપી નોર્થ અમેરિકાના પ્રમુખ પી. કે. નાયકે આઝાદીના નાયકોને પ્રણામ કરી યુવાનોમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના સર્વોપરી રાખવા આહવાન કર્યું હતું.
આર્ટેસિયા ખાતે યોજાયેલ આ રાષ્ટ્રીય પર્વમાં સ્થાનિક ભારતીય પરિવારજનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રથમ ધ્વજારોહણ બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રાજકીય અને સામાજિક આગેવાનોના પ્રાસંગિક ઉદબોધન બાદ સામુહિક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
.