મોરબી36 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોરબીના જેતપર ગામે કૌટુંબીક ભાઈને હાથ ઉછીના રૂપિયા આપેલા હોય જે પરત માંગતા ચાર શખ્સોએ યુવકને માર માર્યો હતો. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવની મળતી વિગત મુજબ, મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતા સંજયભાઇ હમીરપરાએ આરોપીઓ વિષ્ણુ ગણેશીયા, ભુપત ગણેશીયા, લાલો ગણેશીયા અને સુરેશ ગણેશીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સંજયભાઈએ તેમના કૌટુંબિક ભાઈ વિજય અને લાલાને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા.
સંજયભાઈએ કૌટુંબીક ભાઈ વિજય તથા લાલા પાસે ઉછીના રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી. જે બંનેને ગમી ના હતી. જેથી બપોરના સમયે સંજયભાઈ પોતાના મિત્ર હિતેશ સાથે તેમના નાના ભાઈની દુકાન પાસે બેઠા હતા, ત્યારે આરોપી વિષ્ણુ આવ્યો હતો અને સંજયભાઈને અપશબ્દો આપીને એવું કહ્યું હતું કે, મારા ભાઈ લાલા પાસે કેમ રૂપિયા માંગે છે. તેમ કહીને સંજયભાઈને માર મારવા લાગ્યો હતો. એ સમયે ત્યાં હાજર હિતેશભાઈ અને હરદાસભાઈએ આરોપી વિષ્ણુના મારથી ફરિયાદીને છોડાવ્યા હતા. ત્યાં અન્ય ત્રણ આરોપીઓ લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારવા લાગ્યા હતા. ત્યાં સુધીમાં સંજયભાઈના માતા અને પત્ની પણ ત્યાં આવી ગયા હતા અને સંજયભાઈને છોડાવવા લાગ્યા હતા.
આસપાસના લોકો આવી જતા ચારેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. મારામારીમાં સંજયભાઈ અને હરદાસભાઇને ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.