Only the government employees got caught in the threefold temptation | સુરતમાં પીએલસીયુ કોઈનના નામે પોલીસકર્મી સહિત 12 લોકો છેતરાયાં, પોલીસે ફાયર કર્મચારી સહિત ત્રણની ધરપકડ કરી

Spread the love

સુરત6 કલાક પેહલા

  • કૉપી લિંક

સુરત શહેરમાં પીએલસીયુ- અલ્ટિમા કંપનીના નામે રૂપિયા પડાવતા ત્રણ આરોપીઓને સાયબર પોલીસે ઝડપી પાડ્યા છે. માત્ર એક વર્ષમાં મૂળ રકમના ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ આપી ઠગબાજ સંચાલકોએ પીએલસીયુ કોઈનના નામે પોલીસકર્મી સહિત બાર જેટલા લોકો પાસેથી કુલ રૂપિયા 59.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.જોકે, બાદમાં લોકોને ઠગાઇનો ભોગ બન્યાની જાણ થતાં તેઓએ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક ફાયર બી વિભાગનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

સંચાલકોએ શહેરમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી
શહેરના અડાજણ સંજીવકુમાર ઓડીટોરીયમ હોલની બાજુમાં આવેલ ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં પીએલસીયુ- અલ્ટીમા કંપની ધરાવતા સંચાલકોએ શહેરમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પુણાગામ શિવમ કોમ્પ્લેક્ષમાં રહેતા મૂળ ભાવનગર અને સુરત પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભવાનસિંહ ભુપતસિંહ મોરી એ અડાજણ સંજીવકુમાર ઓડીટોરીયમ હોલની બાજુમાં ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં આવેલ પીએલસીયુ-અલ્ટીમા કંપનીના સંચાલક વિનોદ હરીલાલ નિશાદ, અમર વાધવા, અમરજીત નિશાદ, સુનિલ મોર્યા અને પંપાદાસ નામની મહિલા સામે PLCU કંપનીમાં રૂપિયા રોકાણ કરાવી પરત નહીં આપવા બાબતે છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે.

બીજા કોઈ વ્યક્તિને રોકાણ કરાવશો તો બોનસ મળશે
ફરિયાદમાં તેમણે જણાવ્યું છે છે કે, પાંડેસરા પીસીઆર ફરજ બજાવતા હતા. તે વખતે ગત તારીખ 11 માર્ચ, 2022ના રોજ તેમના ઇન્ચાર્જ એસ.આઈ. ચંદ્રવીરસિંહ મારફતે વિનોદ નિશાદ અને પંપાદાસ સાથે પરિચય થયો હતો. જે વખતે આરોપીઓએ પીએલયુસી-અલ્ટિમા કંપનીમાં રોકાણ કરશો તો ત્રણ મહિનામાં રોકાણ કરેલા રૂપિયા પરત આપવામાં આવશે અને એક વર્ષમાં ત્રણ ગણા રૂપિયા મળશે. આ ઉપરાંત બીજા કોઈ વ્યક્તિને રોકાણ કરાવશો તો કમિશન અને બોનસ આપવાની વાત કરી હતી. ટોળકીની વાતોમાં આવીને ભવાનસિંહે કંપનીમાં દોઢ લાખનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય 11 જેટલા લોકો પાસેથી કુલ મળી 59,50,500નું રોકાણ કરાવ્યું હતું.

અન્ય કોઈનમાં ટ્રાન્સફર કરી ભાવ ડાઉન કર્યા
​​​​​​​રોકાણ કરાવ્યા બાદ આ ટોળકીએ તમામ રોકાણકારોના વોલેટમાં પીએલયુસી કોઈન આપ્યા બાદ પીએલયુસી અલ્ટીમા કોઈનમાંથી પીએલયુસી કલાસીસ કોઈનમાં ટ્રાન્સફર કરી તેના ભાવ ડાઉન કરી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ભવાનસિંહની ફરિયાદને આધારે ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ત્રણેયની ધરપકડ કરી તપાસ હાથ ધરી
સાયબર પોલીસે તપાસના આધારે છેતરપિંડી કરનારા એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે વિનોદ નિશાદ , મહેન્દ્રસિંહ ઉદેસિંહ સીસોદીયા અને પંપા બરુનદાસની ધરપકડ કરી છે. સાયબર સેલ એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાયબર પોલીસે ત્રણ આરોપી પકડ્યા છે તેમાંથી મહેન્દ્રસિંહ સિસોદિયા ફાયર સ્ટેશનમાં નોકરી કરે છે અને વેસુ ખાતેના ફાયર સ્ટેશન આવાસમાં રહે છે. ત્રણેયની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

એક વર્ષમાં ત્રણ ગણા રુપિયાના નામે છેતરપિંડી
​​​​​​​
યુવરાજસિંહ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એ પ્રકારની રહી હતી કે, સુરતનાં અલગ-અલગ વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાંથી ખાસ કરીને પોલીસ અને ફાયર સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓ વધુ હતા. ત્રણેય આરોપીઓ મળીને લોકોને પીએલયુસી-અલ્ટીમા કોઈનમાં રોકાણ કરવાથી એક વર્ષમાં ત્રણ ગણા રૂપિયા મળશે તેવું સમજાવીને તેમની પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. જોકે, એક વર્ષ પૂરું થઈ જતા તેમના રૂપિયા પરત ન મળતા તેમની સાથે છેતરપિંડી થઈ આવવાનું જાણ થયું હતું અને સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે તપાસ કરતા આવી કોઈ કોઈનની કંપની છે જ નહીં તેવું જાણવા મળ્યું હતું. પકડાયેલ આરોપીઓ લોકોને આમાં જોડવા માટે સમજાવતા હતા. હજુ પણ અનેક લોકોની ફરિયાદો આવી રહી છે. અન્ય આરોપીઓની સંડોવણી સામે આવશે તો તેની પણ ધરપકડ કરવાની તજવીજ કરાઈ રહી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *