સુરત27 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાનાં ગુનાના આરોપીને 15 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. વરાછા વિસ્તારમાં વર્ષ 2008માં એમ્બ્રોરોડરીનો કારીગર તેના શેઠના પુત્રની તીક્ષણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો ત્યારે આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 15 વર્ષ બાદ ઓરિસ્સાથી ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપીને પકડવા ત્રણ મહિનાથી મહેનત કરતી હતી અને ત્રણ દિવસ તામિલનાડુ જઈ વોચમા રહી ને આખરે આરોપીને ઝડપી પાડ્યો હતો.
બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમ ઓરિસ્સા ખાતે ગઈ હતી અને ગંજામ જિલ્લામાં આવેલા ગેલેરી ગામ ખાતે વોચમાં રહીને આરોપી લાલુ ઉર્ફે લુલુ ધોબો ગૌડા [ઉ.36]ને ઝડપી પાડ્યો હતો.
શેઠના પુત્ર સાથે તકરાર થતાં હુમલો કર્યો
આરોપી સામે વરાછા પોલીસ મથકમાં વર્ષ 2008માં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપી તે ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કડક પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, આરોપી અને તેનો સાગરિત અશોક વર્ષ 2008માં સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહી ફરિયાદી હીરાભાઈ પુનાભાઈ જામડીયાના અશ્વિની કુમાર રોડ ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલા એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતો હતો. આ દરમિયાન ગત તારીખ 02-11-2008ના રોજ રાત્રીના સમયે શેઠના પુત્ર મહિપાલ સાથે કામ બાબતે તકરાર થતાં તીક્ષણ હથિયાર વડે ચહેરા તથા ગળાના ભાગે જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી ફરાર થઇ ગયો હતો.
આરોપીને પકડવા 3 મહિના સુધી વર્કઆઉટ કર્યું
વધુમાં આ ગુનામાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયો ન હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડવા માટે 3 મહિના સુધી વર્કઆઉટ કર્યું હતું. આરોપી ગુનો કર્યા બાદ તમિલનાડુ ખાતે કામધંધો કરવા લાગ્યો હોવાની અને હાલ થોડા સમય થયે વતનમાં કડિયાકામની મજૂરી કરતો હોવાની માહિતી મળતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સા ખાતે જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો.