મહેસાણા30 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણા જિલ્લાના વિજાપુર પરિણીતાને લગ્ન જીવન દરમિયાન પુત્ર ન થતા પતિ અવારનવાર મહેણાં ટોણા માર્યા કરતો હતો. તેમજ ગઈકાલે પતિએ પોતાની પત્નીને પુત્ર બાબતે રકઝક કરી માર માર્યો હતો. જ્યાં પરિણીતાએ પોતાના પિયરમાં પિતાને સમગ્ર મામલે જાણ કરતા તેઓ વિજાપુર સરકારી દવાખાને સારવાર માટે લઇ આવ્યા હતા. બાદમાં પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વર્ષ 2010માં લગ્ન થયા બાદમાં સમય જતાં પુત્રીનો જન્મ થયો
મહેસાણા જિલ્લા આવેલા વિજાપુર પંથકમાં રહેતા યુવકના લગ્ન કોટ ગામે રહેતી યુવતી સાથે થયા હતા. વર્ષ 2010 માં સમાજના રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન જીવન દરમિયાન પરિણીતાને દીકરીનો જન્મ થયો હતો. જ્યાં થોડા વર્ષ સુધી પતિ પણ પરિણીતાને તમામ સુખ આપતો હતો.
અવારનવાર પતિ મારઝૂડ કરતો હતો
લગ્નના 13 વર્ષ દરમિયાન પરિણીતાને દીકરીનો જન્મ થયો હતો. જ્યાં સમય જતાં પરિણીતાને પુત્ર પ્રાપ્તિ ન થતા પતિ પોતાની પત્ની સાથે અવારનવાર મહેણાં ટોણા અને શારીરિક માનસિક ત્રાસ આપ્યા કરતો હતો. પુત્ર ન થતા પતિ અગાઉ અનેકવાર પોતાની પત્ની સાથે મારઝૂડ કરતો હતો. જોકે, કાલે પતિ નોકરીથી ઘરે આવ્યો એ દરમિયાન પત્નીએ હાથ પગ ધોઈ જમવાનું કહેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને “તારે તો છોકરો થતો નથી મારે બીજી પત્ની લાવવાની છે” એમ કહી પરિણીતા પર ગરદાપાટુનો માર માર્યો હતો.
પીયરીયા પોતાની દીકરીને હોસ્પિટલ લઇ ગયા
ઘરે થયેલી મારામારીમાં પરિણીતાને ઇજાઓ થઈ હતી. ત્યારબાદ તેણે પોતાના પિતાને સમગ્ર મામલે ફોન કરી ઘટના અંગે જાણ કરતા પિતા દીકરીના સાસરે દોડી આવ્યા હતા. બાદમાં ઇજા થયેલ દીકરીને લઇ વિજાપુર સરકારી દવાખાને લઇ ગયા હતા. સમગ્ર મામલે પરિણીતાએ વિજાપુર પોલિસમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.