રાજકોટ26 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટમાં આજે વહેલી સવારે દૂધસાગર રોડ પરની પીજીવીસીએલ કચેરી પાસેના રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી થઈ હતી. તેમજ પાણીના પ્રવાહના કારણે ડામર રોડ પણ ઉખડ્યો હતો. આ અંગે સ્થાનિકોએ જાણ કરતા મનપાની ટીમોએ દોડી જઇ સમારકામ હાથ ધર્યું હતું. જોકે, આ પહેલા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
એક કલાક સુધી પાણીનો વેડફાટ
દૂધસાગર રોડ પરની પીજીવીસીએલ કચેરીવાળા રસ્તા ઉપર કોઈ કારણોસર પાણીની પાઇપલાઇન તૂટી હતી. જેને લઈને રસ્તા ઉપર પાણી ફરી વળતા નદી જેવા દૃશ્યો સર્જાયા હતા. જેને લઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અંદાજે એકાદ કલાક સુધી તંત્રનાં ધ્યાને આ બાબત આવી નહોતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા મનપાનાં વોટર વર્ક્સ વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીના સપ્લાયને બંધ કરી રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.
પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી વેડફાટ
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ઉનાળાનાં દિવસોમાં ભારે ગરમીને કારણે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ભર ઉનાળે જ પાણીનો વેડફાટ થતો હોવાની ઘટનાઓ વારંવાર સામે આવી ચૂકી છે. ત્યારે આજે ચોમાસાની સિઝનમાં આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. એકતરફ હાલ છેવાડાનાં વિસ્તારોમાં લોકોને પૂરતું પાણી મળતું નથી. બીજીતરફ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જેને લઈ તંત્રની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે અને ફરીથી આ પ્રકારની ઘટના ન બને તે માટે ચોક્કસ પગલાં લેવાની માગ લોકોમાં ઉઠી રહી છે.
.