અમદાવાદ6 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતના બંધારણ મુજબ કર્મચારીઓનું પેન્શન એ રાજ્ય યાદીનો વિષય છે. જેના પર નિર્ણય કરવા રાજ્ય સરકાર સ્વતંત્ર અને સક્ષમ છે. જેથી, ગુજરાત રાજ્યનાં તમામ NPS હેઠળ વિવિધ વિભાગોમાં સરકારી સેવા બજાવતા અધિકારીઓ/અધ્યાપકો/શિક્ષકો/ કર્મચારીઓ અને તેમના મંડળો દ્વારા ગુજરાતમાં છેલ્લા અમુક વર્ષોથી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગણી અને લાગણી પૂરી કરવા માટે ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે છતાં ના કરતા આજે દિલ્હીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા, જેમાં ગુજરાતના અધ્યાપકો પણ પહોંચ્યા હતા.
જૂની પેન્શન યોજના લાગૂ કરવા માગણી કરી
કોઈપણ સરકારના શાસનને સુશાસન બનાવવાનું ભગીરથ કાર્ય કર્મચારીઓ થકી જ થાય છે. જૂની પેન્શન યોજના એ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે પ્રાણપ્રશ્ન બની ગયેલ છે. સરકારી કર્મચારીઓના પરિવારની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી બાબતે સહૃદયતાથી વિચારી તેનો સુખદ અને સકારાત્મક નિકાલ થાય તે માટે સરકારને નમ્ર વિનંતી તમામ સંગઠનો કરી રહ્યા છે. ગત ઓક્ટોમ્બર મહિનામાં સરકારે સરકારી કર્મચારીઓની અમુક માગણી સ્વીકારી હતી પરંતુ, તેનો સંપૂર્ણ અમલ પણ થયો નથી. જેથી, હવે ફરીથી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ થાય તે માટે દેશભરનાં તમામ સંગઠનો એકત્રિત થઈ પ્રયત્નો કરી રહ્યાં છે. આ સંદર્ભે 10 ઓગસ્ટના રોજ દિલ્લી ખાતે રામલીલા મેદાનમાં દેશભરમાંથી NOPRUF, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, રેલવે સહિત આશરે 34 જેટલા અલગ-અલગ સંગઠનો દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોચાડવા માટે સંસદ માર્ચ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
આશરે એક લાખ જેટલા કર્મચારીઓ મેદાનમાં એકત્રિત થયા
દેશભરમાંથી અલગ-અલગ રાજ્યમાંથી અલગ-અલગ વિભાગ સાથે સંકળાયેલા આશરે એક લાખ જેટલા કર્મચારીઓ દિલ્લીમાં રામલીલા મેદાનમાં એકત્રિત થયા હતા. કર્મચારીઓનો ઘસારો એટલો બધો હતો કે, જેથી રામલીલા મેદાનમાં એક તબક્કે કર્મચારીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવેલ હતો અને કર્મચારીઓને સંસદ માર્ચ માટે પરવાનગી પણ આપવામાં આવેલ નહિ. જેથી કર્મચારીઓ દ્વારા રામલીલા મેદાનથી જ કેન્દ્ર સરકાર સુધી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ થાય તે માટે સૂત્રોચ્ચાર તેમજ તેને લગતા બેનરો દ્વારા પોતાની માંગ પહોચાડવામાં આવી.ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.
.