સુરત29 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચૂંટણીલક્ષી કામગીરીને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો
સુરત મહાનગરપાલિકાના 80% કર્મચારીઓને ઇલેક્શનને લગતી કામગીરી સોંપવામાં આવી રહી છે જેમ કે, મતદાર યાદી અંગેની તેમજ અન્ય પ્રકારની કામગીરીને લઈને કામનું ભારણ વધી રહ્યું છે. સુધરાઈ કામદાર મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને પોતાની માંગણી રજૂ કરવામાં આવી હતી.
યુનિયન દ્વારા કમિશનરને રજૂઆત
સુરત સુધરાઈ કામદાર મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે, મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તા.27/07/2023ના પત્રને જો ધ્યાને લેવામાં આવે તો સરકારી/અર્ધસરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓ પાસે આ કામગીરી કરાવવાની છે. જયારે સુરત મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજયની સંસ્થા છે અને રાજય સરકાર દ્વારા પણ મહાનગરપાલિકાના કર્મચારીઓને સરકારી કે અર્ધ સરકારી કર્મચારી ગણવામાં આવતા નથી તો પછી સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓ ઉપર જોરજુલમ કરીને શા માટે આ કામગીરી કરાવવામાં આવે છે? તે અમોને સમજાતું નથી. જેના કારણે સુરત મહાનગરપાલિકાની કામગીરી પર અસર થઈ રહી છે તેમજ કર્મચારીઓ અસહ્ય માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે.
ચૂંટણીલક્ષી કામગીરી માટે કોન્ટ્રાક્ટ પર માણસો કેમ લેવામાં આવતા નથી?
સુરત સુધરાય કામદાર મંડળના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે, સુરત મહાનગરપાલિકાના તમામ કેડરના કર્મચારીઓને BLO/Secotr officerની કામગીરી કે ચૂંટણીને લગતી અન્ય કામગીરીમાંથી બાકાત કરાવવા માટે અમારી માગણી છે. જો તેમ ન થશે તો અમારે ન છુટકે તમામ કર્મચારીઓ પાસે આ કામગીરીનો બહિષ્કાર કરાવવાની ફરજ પડશે. જેની નોંધ લેવા વિનંતી.આ કર્મચારીઓની દુઃખદ પરિસ્થિતિ એવી છે કે, મુગલીસરા મુખ્ય કચેરી ખાતે ફરજ બજાવતાં અને જહાંગીરપુરા ખાતે રહેતા કર્મચારીએ કામરેજ વિસ્તારમાં તેઓની ઓફિસથી આશરે 15 કિલોમીટર અને રહેઠાણથી આશરે 22 કિલોમીટર દૂર કામગીરી કરવા જવું પડે છે. રાંદેર ઝોનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીને પણા–સીમાડા વિસ્તારમાં કામગીરી કરવા જવુ પડે છે, ઉધના ઝોન–બી(કનકપુર–કનસાડ–સચીન)માં ફરજ બજાવતાં મદદનીશ આરોગ્ય નિરિક્ષકને લીંબાયત વિસ્તારમાં કામગીરી કરવા જવુ પડે છે, મહીલા કર્મચારીઓને સ્લમ વિસ્તાર અને આવાસ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કામગીરી કરવા જવા માટેની ફરજ પાડવામાં આવેલ છે. હાઈડ્રોલીક ખાતાની સતત 24 કલાક પાણી આપવાની કામગીરી સાથે સંકળાયેલા ટેકનીકલ કર્મચારીને પણ BLO/Secotr officer ની કામગીરી સોંપવામાં આવી છે. જે રીતે અન્ય કામગીરી માટે કોન્ટ્રાક્ટ ઉપર માણસો રાખવામાં આવતા હોય છે તે રીતે સરકારે પણ આ કામગીરી માટે કોન્ટ્રાક્ટ ના માણસોની મદદ લેવી જોઈએ.
.