ભાવનગર37 મિનિટ પેહલા
- કૉપી લિંક
જામનગર અને જૂનાગઢમાં જર્જરિત ઈમારતો પડ્યા બાદ ગુજરાતભરમાં પાલિકા અને મહાનગરપાલિકા પોતાના વિસ્તારમાં જોખમી ઈમારતોના સર્વે કરી જોખમી મકાનના ધારકોને નોટિસ ફટકારી રહ્યું છે. પરંતુ, ભાવનગર શહેરમાં સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડિંગ જોખમી બન્યું હોવાનો PIU વિભાગ અને બે ખાનગી એજન્સીઓના સ્ટ્રકચર સ્ટેબિલિટીના રિપોર્ટ બાદ પણ અહીં 1250 ભાવિ તબીબો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બિલ્ડિંગના વપરાશની શરૂઆત કરાયાના 21 વર્ષમાં જ જર્જરિત બની ગયું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, અહીં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ?
1250 વિદ્યાર્થીઓના જીવ પર જોખમ
સરકારી અને ખાનગી એજન્સીઓએ બે વર્ષ પહેલા જ સરકારી મેડીકલ કોલેજના બિલ્ડિંગને જોખમી જાહેર કરી દીધું છે અને તેનો વપરાશ બંધ કરવા કહ્યું છે. પરંતુ, મેડીકલ કોલેજ પાસે હાલ કોઈ વૈકલ્પિક વ્યવ્સથા ન હોવાના કારણે યુજીની ચાર બેચના 950 અને પીજીના 300 વિદ્યાર્થીઓ મળી કુલ 1250 વિદ્યાર્થીઓ અને તબીબી શિક્ષકો અહીં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે.
પડવાના વાંકે ઉભેલી દીવાલો, છતમાંથી પડી રહ્યા છે પોપડા
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના 5 માળના જર્જરિત બિલ્ડિંગમાં જ્યાં જુઓ ત્યાં અંદર અને બહારના ભાગે મસમોટી તિરાડો જોવા મળી રહી છે. ઠેર ઠેર છતમાંથી પોપડા પડી જતા સળિયા દેખાઈ રહ્યા છે. આંખો સામે જ જોખમ હોવા છતા મેડીકલ કોલેજના તંત્રની મજબૂરી એ છે કે તેઓ પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે જોખમી ઈમારતનો ઉપયોગ કરવા મજબૂર છે.
ઈમારત જોખમી હોવાનો 2021માં રિપોર્ટ અપાયો હતો
વર્ષ 2021માં PIU અને બે ખાનગી એજન્સીઓ દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલીટીનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આ ઈમારત જોખમી હોવાનું જાહેર કરાયું હતું અને તેનો ઉપયોગ બંધ કરવા માટે કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં તેનો ઉપયોગ ચાલુ રખાતા સૌથી મોટો સવાલ એ છે કે, આ સ્થિતિમાં અહીં કોઈ દુર્ઘટના બને તો પછી જવાબદાર કોણ?
શું કહી રહ્યા છે મેડીકલ કોલેજના ડીન?
ભાવનગર સરકારી મેડીકલ કોલેજના ઈન્ચાર્જ ડીન ડો. અમિત પરમારે જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગમાં 2000ની સાલથી સરકારી મેડીકલ કોલેજ ચાલી રહી છે. બે વર્ષ પહેલા જ આ બિલ્ડિંગ જર્જરિત હોવાનો અને ખાલી કરવા માટે સ્ટ્રક્ચર સ્ટેબિલીટીનો રિપોર્ટ આવ્યો હતો. પરંતુ, અમારી પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે જે વધુ ભાગ જર્જરિત છે તેનો ઉપયોગ બંધ કર્યો છે અને અન્ય જગ્યા પર વર્ગ ચલાવી રહ્યા છીએ. અન્ય જગ્યા પર પ્રિફેબ્રિકેટેડ સ્ટ્રકચર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. જે બની જશે એટલે અમે ત્યાં શિફ્ટ થઈ જશું.
ભાવનગર મનપા હવે નોટિસ આપશે!
ભાવનગર સરકારી મેડીકલ કોલેજ ને PIU વિભાગ અને બે ખાનગી એજન્સીઓ બે વર્ષ પહેલા જ ઈમારત જોખમી હોવાનો રિપોર્ટ આપી ચૂકી છે. જ્યારે ભાવનગર મનપા કમિશનર એન.વી. ઉપાધ્યાય સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સરકારી મેડીકલ કોલેજના બિલ્ડિંગની જર્જરિત હાલત છે તે અમારા ધ્યાને આવતા જરૂરી કાર્યવાહી કરીને નોટિસ પાઠવવામાં આવશે.