ગાંધીનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
ગાંધીનગરના ધણપ ગામની સીમ અંજલિ હોટલથી મોટા ચીલોડા તરફ જતાં હાઇવે રોડ પરથી લોડીંગ રિક્ષાના ગુપ્ત ખાનામાંથી 34 હજારનાં બિયરનાં જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી ચીલોડા પોલીસે કુલ રૂ. 88 હજાર 560નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર રેન્જ આઈજી વીરેંદ્રસિંહ યાદવ અને પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સૂચનાથી ચીલોડા પીઆઈ એ એસ અસારીની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, છાલા ગામ હાઇવે રોડ તરફથી આવતી લોડીંગ રીક્ષા (GJ -01-DU-5313) નાં ગુપ્ત ખાનામાં બિયરનો જથ્થો સંતાડવા આવેલો છે.
જેનાં પગલે પોલીસે ધણપ ગામની સીમ અંજલી હોટલથી મોટા ચિલોડા તરફ હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે કાગડોળે રાહ જોયા પછી બાતમી મુજબની રીક્ષા આવી પહોંચતા રોકી દેવાઈ હતી. જેનાં ચાલકનું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ વિરેન્દ્રકુમાર સોમાસમ રોત (મીણા) (રહે.નીચલા ફલા ખાંડીઓવરી ગામ તા. ખેરવાડા, ઉદેપુર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે રીક્ષાની પાછળનાં ભાગે ચેક કરતાં કોઈ સરસામાન ભરેલો ન હતો. પરંતુ પાક્કી બાતમી હોવાથી રીક્ષાની ટ્રોલીનો ભાગ ઉંચો કરતાં જ ગુપ્ત ખાનામાં સંતાડી રાખેલ બિયરનો 288 નંગ જથ્થો મળી આવ્યો હતો. જે મામલે કડકાઈથી પૂછતાંછ કરતાં વીરેંદ્ર મીણાએ કબૂલાત કરેલી કે રાજસ્થાનથી બિયરનો જથ્થો ભરી લાવ્યો છે. અને દિશાંત મનોજભાઈ ગારંગ (રહે,કુબેરનગર અમદાવાદ) ધણ૫ ગામ પાસે હાઇવે રોડ ઉપર ડીલીવરી લેવા માટે ઊભો છે.
જેનાં પગલે પોલીસે દિશાંતની પણ ધરપકડ કરી લીધી હતી. તેમજ બિયરનો જથ્થો, લોડીંગ રિક્ષા, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 88 હજાર 560 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેક રાજસ્થાનથી બોર્ડર ક્રોસ કરીને ગાંધીનગરમાં પ્રવેશેલો ઈસમ ચીલોડા પોલીસ મથકની હદમાં આવતાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.