અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ ઍક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1,684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.
22 સેકન્ડનો વીડિયો દર્શાવતી CD પણ મોકલવામાં આવી
આ ચાર્જશીટમાં ડિરેકટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગાડીની ઝડપ કેવી રીતે શોધવામાં આવી તે રસપ્રદ છે. એક બાઈકરે અકસ્માત સમયે પોતાના 360 ડિગ્રી કેમેરામાં આ વીડિયો કેપ્ચર કર્યો હતો. આ કેમેરામાં 256 GBનું મેમેરી કાર્ડ હતું. જે પોલીસે કબ્જે લઈને ડિરેકોટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ, ગાંધીનગર ખાતે પોલીસે મોકલી આપ્યું હતું. આ ઉપરાંત વ્હોટ્સએપની 22 સેકન્ડનો અકસ્માતનો વીડિયો દર્શાવતી CD પણ મોકલવામાં આવી હતી.
વેલોસીટીનું સૂત્ર વાપરી નિષ્કર્ષ કાઢ્યો
ફોરેન્સિક સાયન્સ વિભાગ દ્વારા આ વીડિયોમાં કોઈ છેડછાડ થઈ નથી તેવું પણ રિપોર્ટમાં જણાવ્યું છે. ફોરેન્સિક સાયન્સ વિભાગે આ વીડિયો પોતાની સિસ્ટમના સોફ્ટવેર અને હાર્ડવેરમાં નાખીને ફ્રેમ બાય ફ્રેમ તપાસ્યા હતા. જેમાં 1 સેકન્ડમાં 30 ફ્રેમ છે. જેમાં સમય અને ગાડીએ એક જ દિશામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કાપેલા અંતરના આધારે વેલોસીટીનું સૂત્ર વાપરીને ગાડી 141.27 કિલોમીટરની ઝડપે હતી તેવો નિષ્કર્ષ કાઢ્યો છે.
બાઈકર્સના કેમેરામાં કુલ 35 વીડિયો હતા
અકસ્માતની આ ઘટનાને લાગતા 10.15 મિનિટના ત્રણ વીડિયો હતા. જેમાં ફ્રન્ટ વ્યુ, બેક વ્યુ અને સ્લાઈડ બાય સ્લાઈડ ફ્રન્ટ તેમજ બેક વ્યુ વીડિયો હતા. ફોરેન્સિક સાયન્સ વિભાગે જયારે ગાડી વીડિયોમાં એન્ટર થઈ અને અકસ્માત કર્યો તેમ બે પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતાં. જેને આધારે વેલોસિટી(વેગ) ના સૂત્ર ડિસ્ટન્સ(અંતર)/ટાઈમ v=d/t સૂત્ર વાપરીને ઝડપ નક્કી કરાઈ હતી. વીડિયોમાં જેગુઆર ગાડી એન્ટર થયેથી અકસ્માત કર્યાનો સમય 52.12 સેકંડથી 53.06 સેકન્ડ સુધીનો હતો. જેમાં 24 ફ્રેમનો સમાવેશ થયો છે. આમ 24 ફ્રેમને અને પર સેકન્ડ 30 ફ્રેમ વડે ભાગતા 24/30 = 0.8 સેકન્ડનો સમય થાય છે.
અમુક સેકન્ડ માટે ડીપર માર્યું હતું
જેમાં ગાડી 103 ફૂટ એટલે કે આશરે 31.39 મીટરનું અંતર કાપ્યું છે. જે 0.8 સેકન્ડમાં કપાયું છે. ગણતરી કરતા એક સેકન્ડમાં 39.237 અંતર કપાયું છે. જેની કલાકની ઝડપ કાઢતા 141.27 કિલોમીટર પ્રતિ કલાક થાય છે. આ ઉપરાંત તથ્ય પટેલના અકસ્માત સમયના વીડિયોમાં તેને ટોળું દેખાયું ન હોવાનું જણાવ્યું હતું પરંતુ, તેની આંખના ડોકટર દ્વારા કરાયેલ રિપોર્ટમાં તેની દ્રષ્ટિ બરોબર હતી. આ ઉપરાંત તથ્યએ 0.166 સેકન્ડ માટે ડીપર માર્યું હતું.
.