ગાંધીનગર8 કલાક પહેલા
- કૉપી લિંક
ગાંધીનગરના રાંદેસણમાં આવેલી મારુતિ મેગ્નમ તેમજ ભાજપના એક કોર્પોરેટરનાં બંગલામાં પણ તસ્કરો ત્રાટક્યા હોવાનું બહાર આવ્યું છે. જે પૈકી મારુતિ મેગ્નમ સોસાયટીમાં બે મકાનોના તાળા તોડીને ઘાતક હથિયારો સાથે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં ઈન્ફોસિટી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસ આદરી છે. જ્યારે ભાજપના કોર્પોરેટરનાં બંગલોનાં તાળા તોડવા આવેલા તસ્કરો નાસી જતાં જાણવા જોગ નોંધ ઈન્ફોસિટી પોલીસના ચોપડે કરવામાં આવી છે.
ગાંધીનગરના રાંદેસણમાં મારુતિ મેગ્નમમાં બે રહેણાંક મકાનનાં તાળાં તસ્કરો તોડીને નાસી જતાં કેમેરામાં કેદ થઈ ગયા છે. મારુતિ મેગ્નમ સોસાયટીમાં અરુણકુમાર રાણાનું મકાન છે. અરુણકુમાર બાડમેર મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. તેઓ મોટાભાગે બાડમેર રહેતા હોવાથી આ ઘર બંધ રહે છે. તેમના મકાનના તાળાં તોડીને ચોરીનો પ્રયાસ થયો હતો. પડોશીએ સવારે મુખ્ય દરવાજાનું તાળુ તૂટેલુ જોતાં અરુણકુમારને જાણ કરી હતી.
જેનાં પગલે તેમના ભાઈ મયુરભાઈ રાણા સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે, મકાનમાં ચોરી થઈ ન હતી. આ મામલે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મારુતિ મેગ્નમમાં આવેલા અન્ય એક મકાનનું તાળું તોડવામાં તસ્કરો સફળ રહ્યા હતા. મકાન માલિક સુરેન્દ્રનગર રહેતા હોવાથી હજુ આ મામલે ફરિયાદ નોંધાઈ નથી. અન્ય એક કિસ્સામાં રાંદેસણ ખાતે રહેતા ભાજપના કોર્પોરેટરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. જો કે આ સમયે પરિવારજનો ઘરમાં હાજર હતા. મોડી રાત્રે તાળાં તૂટવાનો અવાજ સાંભળી પરિવારજનો જાગી ગયા હતા અને તસ્કરોએ નાસવું પડ્યુ હતું. ઈન્ફોસિટી પોલીસે આ મામલે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.