અમદાવાદ33 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીટીએમ ચાર રસ્તા નજીક ઇન્દ્રપુરી વોર્ડમાંમાં સબ ઝોનલ પાસે ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન આસપાસમાં આવેલી સોસાયટીઓની મહિલાઓએ હોબાળો કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી સીટીએમ એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પાસે દબાણો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી ગઈ હતી. જે મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસમાં અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ ધ્યાન આપવામાં આવતું નહોતું. જેથી આજે ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ આવી અને રોડ ઉપર હોબાળો કર્યો હતો. મહિલાઓએ થાળી વગાડી રોડ ઉપર બેસી અને રોડને બ્લોક કરી દીધો હતો. મ્યુનિસિપાલટી હાય હાયના નારા લગાવ્યા હતા.
ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના કોર્પોરેટર અને લીગલ કમિટીના ચેરમેન કૌશિક પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ મહિલાઓને સમજાવી મામલો થાળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના પગલે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. કૌશિક પટેલે gnews24x7 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દ્વારા રોડ ઉપર દબાણ અંગેનો જે વિરોધ કરવામાં આવ્યો હતો તેના પગલે રોડ પરથી લારીગળા દૂર કરવા માટેની સૂચના આપી દીધી છે અને કાયમી ધોરણે હવે ગલ્લા દૂર કરવામાં આવશે સીટીએમ ચાર રસ્તા ઉપર જે પોલીસ અને બીઆરટીએસ દ્વારા રોડ બંધ કરી દેવામાં આવ્યો છે તેને ચાલુ કરાવવાના પ્રયત્નો કરવામાં આવશે. ટ્રાવેલ્સ વાળાઓનો બચાવ કરતા કોર્પોરેટરે જણાવ્યું હતું કે ટ્રાવેલ્સ વાળાઓ કોઈ ત્યાં હોતા નથી. સર્વિસ રોડ ઉપર સોસાયટી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેને ધ્યાનમાં લઇ તાત્કાલિક સર્વેયર ને અમે બોલાવી અને સર્વે કરાવડાવવામાં આવશે અને જેટલું પણ દબાણ હશે તે દૂર કરવામાં આવશે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને અમે યોગ્ય સ્થાને રજૂઆત કરીશું.
અમદાવાદમાં નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા 14 ઓગસ્ટ સુધી દરરોજ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અલગ અલગ વોર્ડમાં કરવામાં આવી રહ્યો છે. જે ફરિયાદ નિવારણ કાર્યક્રમ હતો તે દરમિયાનમાં સીટીએમ એક્સપ્રેસવે નજીક આવેલી આનંદ કોલોનીની 50 જેટલી મહિલાઓએ સબ ઝોનલ ઓફિસ નજીક અને બહાર રોડ ઉપર આવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓ રોડ ઉપર આવીને બેસી ગઈ હતી અને રસ્તો બ્લોક કરી દીધો હતો. એક્સપ્રેસવે નજીક સર્વિસ રોડ આવેલો છે જેના ઉપર અનેક લારી, ગલ્લાઓ, ટ્રાવેલ્સવાળાની ઓફિસો બની ગઈ છે. એક્સપ્રેસ વે નજીક ગેરકાયદેસર પ્રવૃતિઓ વધી છે જેના પગલે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના કોર્પોરેટરો તેમજ પોલીસને અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે મહિલાઓએ આવી હોબાળો કર્યો હતો.
સ્થાનિક મહિલા ધરતીબેન પટેલે જણાવ્યું હતું કે અમે સીટીએમ એક્સપ્રેસવે નજીક રહીએ છીએ. સોસાયટીની બહાર રોડ ઉપર લારી, ગલ્લાવાળાઓ, ટ્રાવેલ્સ વાળાઓ અને પાર્સલ વાળાઓનું ખૂબ જ દબાણ થઈ ગયું છે ગમે ત્યાં રોડ ઉપર આવી અને ઉભા રહી જાય છે. જેના કારણે ત્યાંથી ચાલીને જવામાં તકલીફ પડે છે. એક્સપ્રેસ વેને ક્રોસ કરવા માટે અમારી પાસે કોઈ રસ્તો જ રહેતો નથી સીટીએમ ચાર રસ્તા પણ બંધ કરી દીધા છે તેના કારણે ખૂબ જ તકલીફ પડે છે અહીંયા દારૂ, જુગાર અને વેશ્યાવૃત્તિના ધંધાઓ પણ ચાલે છે. જેના કારણે યુવાન દીકરીઓને પણ નીકળવામાં તકલીફ પડે છે.
સરોજબેન પટેલ નામના મહિલાએ જણાવ્યું હતું કે અહીંયા ખૂબ જ દબાણ છે આ મામલે અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં રજૂઆત કરી છે છતાં પણ જવાબ આપતા નથી આજે લોક દરબારનો કાર્યક્રમ છે તો કોઈ પણ અધિકારી અહીંયા આવ્યા નથી. અહીંયા ગેરકાયદેસર પ્રવૃતિઓ દારૂ જુગાર જેવું ચાલે છે અને બાજુમાં જ પૂજા સ્કૂલ આવેલી છે ત્યાંથી નાના બાળકો છોકરીઓ નીકળે છે તો તેમને ખૂબ જ તકલીફ પડે છે બે વર્ષથી અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી.
.