મોરબી25 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અધિકારીઓએ મકાન શોધી આપી ભાડા સહિતની સહાય કરી આપી
મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં અલગ અલગ વિસ્તારમાં ખડકાયેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેના ભાગરૂપે અલગ અલગ ત્રણ જગ્યાએ દબાણ દૂર કર્યા હતા. આ ત્રણ જગ્યા પૈકી તાલુકા પંચાયતમાં કવાટર્સના જર્જરિત ક્વાટર્સ પણ તોડી પાડાતાં એક નિરાધાર વૃદ્ધાનો આશરો પણ નજર સામેથી છીનવાઈ જતાં વૃધ્ધા રડી પડતા ભારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા અને અધિકારીઓની સંવેદના જાગી ઉઠી હતી. માનવીય અભિગમ સાથે અધિકારીઓએ વૃદ્ધાને આર્થિક સહાય આપવાની સાથે રહેવા માટે આશરો પણ આપી વૃધ્ધાને પેન્શન શરૂ કરાવવા કામગીરી હાથ ધરી માનવતા મહેકાવી હતી.
સામાન્ય રીતે ડિમોલેશન દરમિયાન ગરીબોના એશિયાના છીનવાઈ જાય ત્યારે લોકો તંત્ર ઉપર ફિટકાર વરસાવતા હોય છે પણ તંત્ર અને અધિકારીઓ આખરે એક માણસ હોય અને તેમનામાં પણ સંવેદના છે. માનવતા મરી પરવારી નથી એવો કિસ્સો આજે મોરબીમાં સામે આવ્યો છે.
જેમાં મોરબીમાં સામાંકાંઠે તાલુકા પંચાયતના જર્જરિત ગેરકાયદે દબાણો ઉપર તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં 11 જેટલા મકાનોમાં વસવાટ ગેરકાયદે હોય તેને તોડી પાડવામાં આવ્યા હતા. તેમાં 82 વર્ષના ગરીબ વૃદ્ધા સવિતાબેન મયાશકર પંડ્યાના બે પુત્ર કુદરતે છીનવી લીધા હોય અને એકાયલાયું જીવન જીવતા હતા તેમાં આં રીતે તંત્રના દબાણ કામગિરીને કારણે વૃદ્ધા નિરાધાર બની ગયા હતા અને રડી પડ્યા હતા.
વૃદ્ધાને રડતા જોઇ અધિકારીઓનું હૃદય દ્રવી ઊઠ્યું
વૃધ્ધાને રડતા જોઈ ડિમોલિશન કરતા અધિકારીઓની સંવેદના પણ છલકાઈ ઉઠી હતી અને ટીડીઓ ટી.ડી. કોટક, મહેન્દ્રનગરના તલાટી, સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓએ આ વૃદ્ધાને એક મકાન શોધી આપી તેનું ભાડું અને આર્થિક સહાય પણ આપી હતી.
વૃદ્ધા પ્રત્યે અધિકારીઓએ અત્યંત લાગણીશીલ અભિગમ અપનાવી સરકારી કર્મચારીઓ દ્વારા આશરાની વ્યવસ્થા ગોઠવી આપી સાથે સાથે વૃદ્ધાને જીવન નિર્વાહ માટે વૃદ્ધ પેન્શન ચાલુ થાય તેવા પ્રયાસો કરી સંવેદના વ્યક્ત કરી હતી.
.