ગઢશીશા34 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ગઢશીશાની ધ્યાની ગોસ્વામીએ બચતનો અનોખી રીતે ઉપયોગ કર્યો
ગઢશીશામાં સરસ્વતી વિદ્યામંદિરની ધો.4ની છાત્રા ધ્યાની કેયુરગીરી ગોસ્વામીએ પોતાના બચત કરેલા પૈસામાંથી સ્કૂલની સત્ર ફી ભરી પૈસાની કિંમત અને સારા સંસ્કારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે વાર-તહેવારે પરિવારજનો પાસેથી વાપરવા મળતા પૈસા પોતાની બચત પેટીમાં મૂકી રાખે છે. જે બચત પેટી એને એના દાદા રાજેન્દ્રગીરી ગોસ્વામીએ બનાવી આપી છે. જ્યારે ઘરમાં સ્કૂલની ફી ભરવાની ચર્ચા ચાલતી હતી ત્યારે આ બાળકીએ પોતાની બચત પેટીમાંથી ફી ભરવાની વાત કરી હતી. ત્યારે તેને તેના પપ્પાએ કીધું કે કેમ એવું કહે છે તો તેને જણાવ્યું હતું કે આ પૈસા તમારા જ છે અને તમોએ જ આપ્યા છે.
જે મેં સાચવીને રાખ્યા હતા અને તમે જ કહો છો ને કે પૈસા સંભાળી રાખવાના સમય ઉપર કામ આવશે એટલે મેં આ પૈસા સાચવી રાખ્યા છે. નાની બાળકીની આ કોઠાસૂઝ વાળી વાત સાંભળી પરિવારે આનંદ વ્યક્ત કરી તેની ઈચ્છા પૂર્ણ કરી હતી. સંયુક્ત કુટુંબમાં રહેતા આ પરિવારમાં 10 જેટલા સભ્યો છે. તેના મમ્મી શિક્ષિકા છે અને દાદી પણ શાળાના આચાર્યા રહી ચૂક્યા છે. બાળકના ઘડતરમાં જ જો વાલીઓ આવા સંસ્કારોનું સિંચન કરે તો બાળક પરિવાર પ્રત્યે માન-સન્માન જાળવે છે. પૈસાની કિંમત સમજે છે અને વ્યર્થ ખર્ચાઓ કરવાથી દૂર રહે છે.
અત્યારે બાળકો સૌથી વધારે પૈસા મોબાઈલ અને જંકફૂડ પાછળ વાપરે છે જે ખૂબ ગંભીર બાબત ગણાય છે. આજકાલના જિદ્દી યુવાનો અને બાળકો પોતાની દરેક માંગણી ફરજિયાત પરિવાર પાસે પુરી કરાવતા હોય છે. જો તેમની ખોટી માંગણી પૂરી ના થાય તો તેઓ ખોટી સોબત ના રવાડે ચડીને પોતાની જિંદગી બરબાદ કરતા હોય છે અને પરિવારને પણ મુશ્કેલીઓમાં મૂકી દે છે. આજના આ દોરમાં પરિવારોનું વિભાજન થતું જાય છે પણ જે પરિવારમાં સંયુક્ત પરિવારની ભાવના છે તે પોતાના સંતાનોને સારા સંસ્કારોનું સિંચન કરે છે જેથી સંઘભાવના વધે છે.
.