જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાંથી કોઈપણ પ્રકારની ડીગ્રી મેળવ્યા વિના બિન અધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી દર્દીની સાથે આરોગ્ય ચેડાં કરી રહેલા એક બોગસ તબીબને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો છે, અને તેની આગળ પૂછપરછ હાથ ધરી છે.
ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતો અમિત શાંતિલાલ અગ્રાવત નામનો શખ્સ કે જે પોતાની પાસે કોઈપણ પ્રકારની મેડીક્લ પ્રેક્ટિસ કરવા માટેની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદે રીતે દવાખાનું ચલાવતો હતો અને ગરીબ દર્દીઓને તપાસી તેને દવા આપી પૈસા ઉઘરાવી દર્દી સાથે આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેવી માહિતી જામનગરની એસ.ઓ.જી. પોલીસને મળી હતી.
જેથી એસ.ઓ.જી. પોલીસની ટુકડીએ ગોકુલધામ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં અમિત અગ્રાવત નામનો શખ્સ પોતાના દવાખાનામાં દર્દીને તપાસીને દવા આપી રહ્યો હતો. જેથી તેની પાસેથી તબીબી પ્રેક્ટિસ કરવા અંગેનું સર્ટિફિકેટ માંગતાં પોતાની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું.
જેથી એસ.ઓ.જી. પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેના દવાખાનામાંથી એલોપેથી ને લગતી દવાઓ તથા મેડિકલને લગતા ઉપયોગમા વપરાતા સાધનો વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે.